ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થામાં ફેરવવાની ફરજ બજાવી રહ્યો છે ડાકોરનો અશક્ત આશ્રમ

- શૈલી પરીખ
વૃદ્ધાવસ્થા એટલે ઉત્તરાવસ્થા. વૃદ્ધ પાછલી ઉંમરે સતત પરિવારનો સાથ ઝંખે છે. ઝડપી જીવન જીવતા આજનાં સંતાનો ઘરના વડીલોને ક્યારેક સમય આપી શકતા નથી. વળી, કેટલીક વાર સંતાનોની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હોય છે કે, પોતાના સગા માતા-પિતાનો રહેવા-જમવાનો દવાનો ખર્ચ તેઓ કરી શકતાં નથી. સામાજિક વ્યવસ્થાના ભાગ રૂપે સંતાનો પોતાના માતા-પિતાની જવાબદારી નિભાવી શકતા ન હોય તો વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો છે. છેલ્લાં ચાલીસ વર્ષથી ગુજરાતમાં વૃદ્ધાશ્રમો અસ્તિત્વમાં છે. કેટલાક વડીલો વૃદ્ધાવસ્થાનું જીવન સરખી ઉંમરના વડીલોના સાથ-સહકારથી વૃદ્ધાશ્રમમાં વિતાવે છે.

વૃદ્ધાશ્રમમાં વડીલોની રહેવા-જમવાની વ્યવસ્થા હોય છે. ક્યારેક પ્રવાસ યોજાય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય. કેટલીકવાર સામાજિક-આર્થિક કારણોસર સંતાનોએ પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય તેવા માતા-પિતા પર સંજોગોની અસર એટલી ઊંડી થાય છે કે, તેઓ કોઈ પણ પ્રવૃત્તિમાં રસ દાખવતા નથી. આસપાસના વડીલો તેમ જ આશ્રમના સંચાલકો-કર્મચારીઓની વાતો પણ તેમની માનસિક સ્થિતિ સુધારવામાં મોટેભાગે નિષ્ફળ જાય છે. સંતાનોના માતા-પિતા સિવાય વિધૂર, વિધવા, અપરિણિત, નિસંતાન, વડીલો પણ વૃદ્ધાશ્રમમાં રહેતા જોવા મળે છે. મોટા ભાગના બધા જ વૃદ્ધાશ્રમો વડીલોની રહેવા-જમવાની સગવડ વ્યવસ્થિત રીતે સાચવે છે. જ્યારે ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા વૃદ્ધાશ્રમની વાત જુદી છે. ડાકોરનો અશક્ત આશ્રમ ત્યાંના વડીલોનું જીવન બદલી નાખે છે.

સત્તાવીસ વર્ષ પહેલાં "શાંતિલાલ મોહનલાલ શાહ અશક્ત આશ્રમ સોસાયટી"ના નામે વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજે 85 જેટલા વડીલો અહીં રહે છે. સામાન્ય રીતે બધા જ વૃદ્ધાશ્રમોમાં હોય તેવી ટીવી, સાંસ્કૃતિક હૉલ, મંદિર, દવાખાનું, ચોખ્ખા ઓરડા અને જમવાની સગવડો અહીં છે. સાથે સાથે બીજી ઘણી સગવડો એવી છે કે ગુજરાતભરના કોઈ વૃદ્ધાશ્રમમાં એ ભાગ્યે જ જોવા મળી શકે. અશક્ત આશ્રમના સંચાલકોએ ત્યાં રહેતા વડીલોના જીવન જીવવાના અભિગમ બદલવાનું કાર્ય કર્યું છે.

"પચાસ વર્ષની ઉંમર પછી વ્યક્તિ નિવૃત્ત બને છે. તેથી પચાસ વર્ષ બાદ વ્યક્તિએ જીવન જીવવાનો અભિગમ બદલવો જોઈએ, અપેક્ષાઓ ઓછી કરવી જોઈએ અને થઈ શકે એવા કામમાં પોતાની જાતને પરોવવી જોઈએ." આવા ઉચ્ચ વિચારોના બીજ અહીંના વડીલોના મનમાં રોપાયાં છે. વળી, પાછલી ઉંમરે વડીલો કોઈકનો સાથ-સહકાર ઝંખતા હોય છે, પારિવારિક વાતાવરણ ઈચ્છતા હોય છે. તેથી જ અશક્ત આશ્રમનું વાતાવરણ પારિવારિક છે. જે રીતે પરિવારમાં બધા જ નિર્ણયો હળીમળીને લેવામાં આવે, સહુ સાથે મળીને તહેવારો ઉજવે, માંદગીમાં ખડે પગે સેવા-ચાકરી કરે એ રીતની બધી બાબતોનું અશક્ત આશ્રમ ધ્યાન રાખે છે. જે રીતે પરિવારના સભ્યો ભેગા મળીને ઉત્સવો ઉજવે તેમ અહીંના વડીલો હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારો ધામધૂમથી ઉજવે છે. સામાન્ય રીતે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં વડીલ માંદાં પડે એટલે તેની બાંયધરી લેનાર સભ્યને બોલાવવામાં આવે છે. જ્યારે અશક્ત આશ્રમમાં વડીલ માંદાં થાય તો આશ્રમના ખર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. વળી, તેમની સારસંભાળ માટે આશ્રમના એક વડીલને પણ મોકલવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના વૃદ્ધાશ્રમમાં મેનેજર તરીકે કાર્યરત વ્યક્તિ પચાસ વર્ષથી ઉપરની હોય છે. જ્યારે અશક્ત આશ્રમના મેનેજર પુનિતભાઈ ખંભોળજા યુવાન છે અને વૃદ્ધોની સેવા કરવાની ભાવનાથી અહીં નોકરી કરે છે.

અશક્ત આશ્રમ પરિસરમાં 'સઘન સારવાર કક્ષ' બનાવવામાં આવ્યો છે, જેમાં આશ્રમમાં આવ્યા પછી અસાધ્ય બીમારી લાગુ પડી હોય તેવા વડીલોને રાખવામાં આવે છે. એંશી વર્ષના વડીલ થાય પછી આશ્રમ પોતે વડીલનો તમામ ખર્ચ ભોગવે છે. વળી, આશ્રમના વડીલોને તાત્કાલિક આરોગ્યની સુવિધા મળી રહે તે માટે જરૂરી દવાઓ, ઈંન્જેક્શન, ઑક્સિજનની બોટલો વગેરે આશ્રમમાં રાખવામાં આવે છે. સવારે ચાર વાગ્યે ઠાકોરજીની સેવાથી માંડી રાત્રી ભોજનના વાસણ લુછીને વ્યવસ્થિત જગ્યાએ મુકવા સુધીનાં તમામ કામો અશક્ત આશ્રમના વડીલો હળ-મળીને કરે છે. પોતાના મનની વાતો, વ્યથા, પ્રવૃત્તિઓ વિશે લોકોને જાણ થાય તે માટે વડીલ 'સેતુ' નામનું ત્રિમાસિક પણ ચલાવે છે.

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે સમાજમાં ખરી-ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. સમાજના મોટાભાગના લોકોના મનમાં એવી છાપ હોય છે કે, જે સંતાનો માતા-પિતાને પોતાની સાથે ન રાખતા હોય તે માતા-પિતાઓનું રહેવાનું સ્થળ એટલે વૃદ્ધાશ્રમ. ખરેખર સંતાનોના માતા-પિતા કરતા વિધૂર, વિધવા, નિસંતાન, ત્યકતા, અપરણિત વડીલોની સંખ્યા વૃદ્ધાશ્રમોમાં વધુ છે. કોઈ પણ સંસ્થા માટે રહેવા-જમવાની સગવડ પૂરી પાડવાનું કાર્ય સહેલું ગણી શકાય, પરંતુ જુદી-જુદી પરિસ્થિતિવાળા એક જ ઉંમરના લોકોને કૌટુંબિક વાતાવરણમાં રાખવાનું કાર્ય અઘરું છે. જીવનની ઉત્તરાવસ્થામાં ભૂતકાળ ભૂલી નવું જીવન જીવવાની શરૂઆત કરવી જોઈએ. આ વાત વડીલોને સમજાવી તેમની ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થામાં ફેરવવાની ઉત્તમ ફરજ અશક્ત આશ્રમ બજાવી રહ્યો છે. માત્ર સેવાના ઉદ્દેશથી વડીલોનું જીવન સોનેરી બનાવવાનું કાર્ય કરવું પ્રેરણાદાયી ગણી શકાય.