સંગઠનો રચી સહિયારો વિકાસ સાધવા પ્રયત્નશીલ પુનપુજિયા ગામની મહિલાઓ દૂધ મંડળી, બચત મંડળ, બિયારણ વેચાણ જેવી પ્રવૃત્તિઓ કરીને બહેનોએ પોતાનાં કુટુંબોને પગભર બનાવ્યાં

- શૈલી પરીખ
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલિયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પુનપુજિયા ગામમાં બસો જેટલા વસાવા અને કોટવાળિયા જાતિના આદિવાસી લોકો રહે છે. ગામમાં રહેતાં મોટાભાગનાં કુટુંબો ગરીબીરેખા નીચે આવતાં કુટુંબો છે. કોઈ પણ વ્યક્તિ પાસે જમીન નહીં, આથી ગામ લોકો આજુ-બાજુનાં ગામોમાં ખેત-મજૂરી કરવા માટે જાય. ગામમાં રેશનિંગની દુકાન ન હોવાથી ગામની બહેનો મૌઝા ગામમાંથી કરિયાણાની ચીજવસ્તુઓ લાવે.

વળી, પાકા રસ્તાની સગવડ તો હજુય ગામ લોકો માટે સ્વપ્ન છે. વીજળીનું પણ ઠેકાણું નહીં. ક્યારેક આવે ને ક્યારેક જાય. ઘરમાં લગ્ન પ્રસંગ કે માંદગી ટાણે નાણાંની જરૂર હોય, પરંતુ રોજેરોજ મળતી મજૂરીની રકમ પોતાના રોજિંદા વ્યવહારમાં વપરાઈ જવાથી ગામલોકો શાહુકાર પાસે વ્યાજે નાણાં લેતાં. શાહુકાર દોઢું ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલે. એટલે આખી જિંદગી વ્યાજે નાણાં લેનાર વ્યક્તિ વ્યાજના ચક્કરમાં ફસાઈ જતી. ગામ લોકોની સમસ્યાઓ જોઈ ગામના સક્રિય વિકાસ માટે 'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)' સંસ્થાએ કામ હાથ ધર્યું. ગામની મહિલાઓને પોતાની આવકમાંથી બચત કરવા સમજાવ્યા. ગામની બહેનો બચતમંડળ બનાવવાની છે એ વાત સાંભળી ગામના પુરુષો હસતા અને કહેતા, 'સંસ્થાવાળા તમારા રૂપિયા લઈ રફુચક્કર થઈ જશે.' પુરુષોની વાત સાંભળી મહિલાઓ ડગી નહીં. તેમણે દસ બહેનોનું જૂથ બનાવ્યું. શરૂઆતમાં બહેનો મહિને માત્ર દસ રૂપિયા બચાવતી. હાલ એકના બદલે દસ જૂથ ગામમાં બનાવ્યાં છે. આજે ગામની 125 બહેનો દર મહિને ત્રીસ રૂપિયા બચાવે છે. સંગઠન ભાવના આ મહિલાઓમાં એટલી દૃઢ છે કે, વધુ ભાડું ખર્ચવું ન પડે તથા સસ્તા ભાવે સારી ચીજવસ્તુઓ મળી રહે તે માટે રોજિંદી જરૂરિયાતનું અનાજ, બિયારણ અને તહેવાર વખતે જરૂરી સામગ્રી તેઓ જથ્થાબંધ ખરીદે છે. ગામની મહિલાઓએ ચાર વર્ષમાં ત્રણ લાખ રૂપિયાની બચત કરી છે.

બચત મંડળીમાં જરૂરિયાતના સમયે ધિરાણ આપવા સિવાય રોકાણ કરવામાં પણ આ મહિલાઓ માને છે. બચતની રકમમાંથી ઊપાડ કરી ગામની બહેનોએ વીસ ગાયો ખરીદી છે તેમ જ દૂધમંડળી પણ બનાવી છે. આજે ગામની મહિલાઓ પંચાણું ગાયો ઉછેરી સરેરાશ રોજનું ચારસો લિટર દૂધ સુમુલ ડેરીમાં પહોંચાડે છે. દૂધ મંડળીની શરૂઆત કરવા માટે ગામની મહિલાઓને ખૂબ મુશ્કેલી નડી હતી. પહેલાં તો દૂધમંડળી મહિલાઓ ચલાવશે એ વાત અધિકારીઓને મંજૂર નહોતી. આથી ગામની મહિલાઓએ સંઘર્ષ કરવો પડ્યો. પછીથી દૂધ મંડળીની મંજૂરી આપી અને દૂધ ભરવાનાં કાણાં કેન આપ્યાં. મહિલાઓએ તેમાં પાણી ભર્યું તો બધું નીકળી ગયું. ઉશ્કેરાઈને બધી મહિલાઓએ નવાં કેનની માગણી કરી. તેથી અધિકારી તેમને મોટી ઑફિસમાં જ્યાં નવાં કેન રાખતાં હતાં તે સ્થળે લઈ ગયાં. આ કેન જોઈ મહિલાઓ બોલી, "આટલાં બધાં કેનો કોને ખાવા માટે રાખ્યાં છે." આવું સાંભળી તરત જ તેમને કેન બદલી આપવામાં આવ્યાં.

હાલ પશુપાલન અને દૂધમંડળીની આવકને કારણે મહિલાઓ ઘેરબેઠા આવક મેળવે છે. ગામની મહિલાઓએ ગામમાં શાળા, આંગણવાડી, કૉમ્યુનિટી સેન્ટર ઊભું કરાવ્યું છે. વળી, ગામની મહિલાઓ મોટે ભાગે અભણ છે, તેમ છતાં પોતાનાં સંતાનોને કૉલેજ કરાવવા ગામની બહાર મોકલે છે. ગામની મહિલાઓએ સારી રીતે કામ કરવા માટે હિસાબકિતાબ, રોકાણ, આરોગ્ય, મરઘા ઉછેર અને પશુપાલનની તાલીમ લીધી છે. ગાયના છાણ-મૂત્રનો યોગ્ય ઉપયોગ થાય અને બળતણ માટે લાકડાં વીણવા જંગલમાં ન જવું પડે તેથી ગામનાં ઘણાં ઘરોમાં ગોબરગેસ પ્લાન્ટ દ્વારા રસોઈ કરવામાં આવે છે. ગામની મહિલાઓએ બનાવેલી દૂધ મંડળી તેમની આસપાસનાં ગામોમાં વખણાય છે, કારણ કે તેમના તાલુકાની મહિલાઓ દ્વારા ચાલતી પહેલી દૂધમંડળી પુનપુજિયા ગામની છે. પાકા રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેશનિંગની દુકાન જેવી પાયાની સગવડો ન હોય, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી, જ્યોતિગ્રામ જેવી યોજનાઓનો અસરકારક અમલ ન થતો હોય, તેવાં ઘણાં ગામડાં હજુ ગુજરાતમાં છે. ગામમાં પાયાની કોઈ સુવિધા ન હોય તેમ છતાં સંગઠન ભાવનાથી ગામનો બને એટલો વિકાસ કરવા મહિલાઓ કટિબદ્ધ છે એ વાત પુનપુજિયા ગામની મહિલાઓને મળીએ તો અનુભવી શકાય છે.