અમદાવાદને આદર્શ બનાવવાની કમર કસી છે એક પાક્કા અમદાવાદીએ

- શૈલી પરીખ
કોઈ સુવેના ભૂખ્યું કોઈ દિન, કોઈ રહે ના તરસ્યું રે,
કોઈ રહે ના વસ્ત્ર વગરનું, કોઈ રહે ના બેઘર રે.
આ કાવ્યપંક્તિ કોઈ મહાન કવિની નથી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષથી અનોખો સેવા યજ્ઞ કરનાર ભરતભાઈ શાહની છે. ભરતભાઈના પિતા જૂઠાભાઈ ગાંધીવાદી હતા એટલે ગાંધીજીના ઉચ્ચ વિચારો ભરતભાઈને ગળથૂથીમાં જ મળ્યા હતા. પચ્ચીસ વર્ષ વિદ્યાપીઠમાં રહ્યા તે દરમિયાન એન્જિનિયરીંગ ક્ષેત્રે કારરિર્દી ઘડી અને પછીથી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. વ્યવસાય દરમિયાન ધાર્મિક આસ્થાથી પ્રેરાઈ નાનાં-મોટાં સેવા કાર્યો કરતા ભરતભાઈએ ત્રીસ વર્ષ સતત વ્યવસાય કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. નિવૃત્તિ લીધા પછી તેમને સમાજ માટે કંઈક સારું કરવાની ઇચ્છા થઈ. જોકે, શું કરવું તેનો ચોક્કસ નિર્ણય તેમણે લીધો નહોતો.


વર્ષ 2003ના દુબઈના પ્રવાસ દરમિયાન તેમને વિચાર આવ્યો કે, "આપણે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારથી મૃત્યુ સુધીમાં અનેક લોકો અને પ્રાકૃતિક તત્વોનો ઉપકાર આપણી પર હોય છે. ઇશ્વર કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી ને ચોમાસામાં વરસાદ વરસાવે છે. આટલા મોટા ઉપકારના બદલામાં કંઈક તો કરવું જોઈએ. પોતાના આવા વિચારો વિશે તેમણે સગા-સંબંધી મિત્રો સાથે ચર્ચા કરી, પ્રતિભાવો માંગ્યા. અંતે વર્ષ 2005માં અમદાવાદના નવરંગપુરા ખાતે 'આદર્શ અમદાવાદ' સંસ્થાની શરૂઆત કરી.

સ્વૈચ્છિક સંસ્થાઓ મોટે ભાગે ચોક્કસ વર્ગના લોકો અને અમુક પ્રકારની સમસ્યાઓ વગેરે પર કાર્યરત હોય છે. 'આદર્શ અમદાવાદ'નો ઉદ્દેશ સંસ્કારી સમાજનું ઘડતર કરવાનો છે. સંસ્કારી સમાજ એટલે એવો સમાજ જ્યાં વ્યક્તિ આસપાસના લોકો, ગરીબો, દિનદુઃખિયાઓ, મિત્રો, વિવિધ ધર્મના લોકો, રોગીઓ સૌને આપ્તજન માને. સહુ એકબીજા સાથે નમ્રતાથી વર્તે. જેમ માતા પોતાના સંતાન માટે રાંધવાના પૈસા લેતી નથી એ રીતે આદર્શ સમાજની રચના માટે પણ કુટુંબભાવના ખૂબ જરૂરી છે અને કુટુંબભાવના ઊભી કરવા માટે 'આદર્શ અમદાવાદ'ની તમામ પ્રવૃત્તિઓ વિના મૂલ્યે યોજવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું.

સમાજની સેવા કરવા માટે સૌથી પહેલા સમાજ તંદુરસ્ત અને શિક્ષિત હોય તે જરૂરી છે. આ વાતને પ્રાથમિક મુદ્દો ગણી આદર્શ અમદાવાદમાં યોગ શિક્ષણના વર્ગો શરૂ થયા. આજે પાંચ વર્ષમાં આ સંસ્થા દ્વારા 205 જેટલા યોગશિક્ષકો તૈયાર થયા છે જે પૈકી ઘણા સ્વયંસેવકો સ્થાનિક લોકોને વિનામૂલ્યે યોગાભ્યાસની તાલીમ આપે છે. તંદુરસ્ત સમાજ માટે ડૉક્ટરનું પ્રદાન પણ મહત્ત્વનું છે. આથી વિવિધ વિસ્તારોમાં દસ જેટલા ડૉક્ટરોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરી દર્દીઓને તપાસ્યા છે તથા જરૂરી દવાઓ પણ વિના મૂલ્યે પૂરી પાડી છે. અત્યાર સુધી લગભગ 25000 નાગરિકોએ આદર્શ અમદાવાદના આરોગ્ય કેન્દ્રની સેવાનો લાભ લીધો છે. આધુનિક સમયમાં કૉમ્પ્યુટર અને અંગ્રેજી શિક્ષણનું મહત્ત્વ વધ્યું છે. આદર્શ અમદાવાદ દ્વારા અમદાવાદના ચાર વિસ્તારોમાં જુદીજુદી ઉંમરના લોકો માટે કૉમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી.

આજે 400 જેટલા લોકોએ સંસ્થાના સહયોગથી કૉમ્પ્યુટરની તાલીમ લીધી છે. સાક્ષરતા અભિયાન અંતર્ગત ગરીબ બાળકોને ભણાવવા, અંગ્રેજી વિષયની પદ્ધતિસર તાલીમ આપવી, વૈદિક ગણિત તથા વ્યક્તિત્વ વિકાસની શિબિરનું આયોજન કરવું વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને શિક્ષિત બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે. ઇત્તર પ્રવૃત્તિઓના મહત્ત્વને ધ્યાનમાં રાખી સંસ્થામાં શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ચિત્રકળા તેમ જ સુશોભનની ચીજવસ્તુઓ બનાવવાના વર્ગો પણ ચલાવવામાં આવે છે. ગૃહિણીઓ ફાજલ સમયનો યોગ્ય ઉપયોગ કરે તે માટે કેક, શરબત, મુખવાસ, બાંધણી, ટેડિબીયર, માલિશ વગેરેના વર્ગો ચલાવવામાં આવે છે. આ સિવાય સૂર્યદર્શન દ્વારા સ્વાસ્થ્ય સુધારણા, રક્તદાન જાગૃતિ, ઘેરઘેર લાઈબ્રેરી દ્વારા સંસ્કારી સાહિત્યનો પ્રસાર, જરૂરિયાતમંદોને યોગ્ય ચીજવસ્તુઓનું વિતરણ જેવી વીસથી વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 'આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા' દર મહિને બહાર પાડવામાં આવે છે. દેશ-વિદેશના લોકોને સંસ્થાના કાર્યો વિશે માહિતી મળે તે માટે વેબસાઈટ પણ બનાવવામાં આવી છે.

અડધી ચાને અડધી કરીને પીવે તે અમદાવાદી તરીકે ઓળખાય. અમદાવાદીઓ વિશેની આ માન્યતાને ખોટી પાડતા હોય એવા ભરતભાઈ જેવા અનેક અમદાવાદીઓ મોજૂદ છે. આદર્શ સમાજના ઘડતર માટે તમામ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવાનો અભિગમ શ્રેષ્ઠ કહી શકાય. આવા વિચારોમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રેરણા લે તો 'આદર્શ ગુજરાત' કે 'આદર્શ ભારત'ની રચના પણ શક્ય છે.