નાગરિકતાને સક્રિય કરવા માટે વિકાસલક્ષી આલેખન મહત્ત્વની ભૂમિકા ભજવી શકે

સુષમા આયંગર

વિકાસલક્ષી આલેખનને હું બે રીતે જોઉં છું. એક તો વિકાસલક્ષી મુદ્દાઓ વિશે સમૂહમાધ્યમો દ્વારા થતું લેખન અને બીજું વિકાસ ક્ષેત્રના લોકો દ્વારા જ થતી પોતાના અનુભવોની અભિવ્યક્તિ. વિકાસ ક્ષેત્રના મુદ્દાઓ માત્ર વિકાસ ક્ષેત્રના કાર્યકરો દ્વારા જ લખાય એ જરૂરી નથી. વિકાસલક્ષી આલેખન બાબતે પત્રકારોએ પણ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વ્યાપક પ્રમાણમાં આલેખન કરવું જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ વિકાસ ક્ષેત્રના લોકો દ્વારા જ થતી પોતાના અનુભવોની અભિવ્યક્તિ વિશે. આજની પેઢી, આજના યુગ અને આજના સમયના સંદર્ભમાં જોઈએ તો આપણી સંસ્કૃતિ મૌખિક અભિવ્યક્તિની સંસ્કૃતિ છે.

આજની સંસ્કૃતિમાં વધારે પડતી મૌખિક અભિવ્યક્તિ જ થાય છે. મને લાગે છે કે, આપણે ત્યાં જુદા જુદા પ્રકારની કાર્યશાળાઓ, મિટિંગો વગેરેના માધ્યમથી ઘણી બધી મૌખિક અભિવ્યક્તિ થાય છે. એને કારણે કદાચ જેટલું સાંભળવું જોઈએ કે ગ્રહણ કરવું જોઈએ એટલું થતું નથી. આજે પ્રત્યાયનનો અતિરેક થયો હોય એવું જણાય છે. જો આપણે ભાવિ દિશા ઘડવા માગતા હોઈએ તો આપણે, સતત આત્મનિરીક્ષણ અને વિશ્લેષણ કરતાં રહેવું જોઈએ. આવું આત્મનિરીક્ષણ કે વિશ્લેષણ ખૂબ શાંતિથી કે અસરકારક રીતે થાય તે માટે આપણે માત્ર બોલબોલ કરવાને બદલે ખૂબ ધીરજથી સાંભળવું જોઈએ. જ્યારે બોલવું, વિચારવું, આત્મનિરીક્ષણ અને અવલોકન એ ચારેય બાબતોનો સમન્વય થાય ત્યારે આપણી કામગીરી વધારે પરિપક્વ બને છે!

આપણી પાસે દરેક બાબતો અંગે આપણા અભિપ્રાયો, રજૂઆતો વગેરેના મુદ્દા જાણે કે હાજર જ હોય છે, પરંતુ એના કારણે એક સામાજિક કાર્યકર તરીકે આપણામાં મોટેભાગે આત્મશંકાનો અભાવ જોવા મળે છે. આપણે પરિવર્તનનાં કામોમાં છીએ એટલે આપણે એમ સમજીએ છીએ કે આપણે બધું જ જાણીએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી. પરિવર્તનની સારી અસરો પણ હોય અને થોડા વખત પછી કદાચ એની નકારાત્મક અસરો પણ દેખાવા લાગે. તેથી જ પરિવર્તનની દિશામાં જોડાયેલા સામાજિક કાર્યકરોએ હંમેશાં આત્મશંકાની ટેવ વિકસાવવી જોઈએ. જોકે, આપણે હતાશ થઈ જઈએ કે પછી આપણાં કામો ઉપર નકારાત્મક અસર પડે એટલી હદ સુધી આત્મશંકા રાખવાની જરૂર નથી. છતાં, એક સ્વસ્થ આત્મશંકાને અવકાશ હોય એ ખૂબ જરૂરી છે. આપણે વંચિત સમાજ માટે કામ કરીએ છીએ તેથી આપણામાં ઉદ્ધતાઈ ન આવવી જોઈએ. જ્યારે આપણે જુદી જુદી બાબતો અંગે મંતવ્યો આપવા માટે તત્પર હોઈએ ત્યારે તે ક્યારેક ઉદ્ધતાઈમાં ફેરવાઈ શકે. આમ થવાથી આપણે જે મૂલ્યો અને સિદ્ધાંતો સાથે કાર્યરત છીએ તેમાં વિરોધાભાસ આવવાની સંભાવના ઊભી થાય છે.

ઉપરોક્ત કારણોસર સ્વૈચ્છિક વિકાસ કાર્યકરોએ પોતાના અનુભવો અંગેનું આલેખન કરવું જોઈએ. આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આત્મશંકા તરત જ ઊભી થાય છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આત્મશંકાને અવકાશ રહેતો નથી. વળી, લખેલું આપણે ફરી વાર વાંચીને તેને મઠારી શકીએ છીએ. જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આપણે આપણી જાત સાથે સંવાદ સાધીએ છીએ. દુનિયા સાથે વાત કરવાનું પ્રમાણ જેટલું વધ્યું છે એટલું જાત સાથે વાત કરવાનું પ્રમાણ ઘટ્યું છે. આજના સમયના વિકાસ ક્ષેત્રના પડકારોને જોઈએ તો પણ આપણામાં આત્મશંકા અને આત્મશિસ્ત હોય એ ખૂબ જરૂરી છે. એટલા માટે જ લખવું ખૂબ જરૂરી છે.

છેલ્લા બે દશકના સંદર્ભમાં જોઈએ તો વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર ઘણું લખાયું છે. આજે બજારમાં જે વધારે ચાલી જાય એ મુદ્દાઓ ઉપર સમૂહમાધ્યમોમાં વધારે લખાય છે. એનો અર્થ એમ કે, વિકાસલક્ષી મુદ્દાઓમાં પણ જાણે કે ક્રમ અને પ્રાથમિકતાઓ આવી ગઈ છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં બીજા મુદ્દાઓની સરખામણીમાં બહેનોનાં સશક્તીકરણ અને બહેનોના પ્રશ્નો વિશે ઘણું લખાયું છે. તેમ છતાં, બહેનોના પ્રશ્નોના ઊંડાણમાં જઈને આલેખન થતું હોય એ આજ સુધી જોવા મળતું નથી. છેલ્લાં ઘણાં વર્ષોમાં બહેનોનું સશક્તીકરણ થયું, બહેનો જાગ્રત થઈ અને બહેનોનો વિકાસ થયો હોવા છતાં બહેનો ઉપર હિંસા કેમ વધી છે? એમની ઉપર અત્યાચાર કેમ થાય છે? આવા બધા પ્રશ્નોના ઊંડાણમાં જઈને સંશોધનાત્મક આલેખન કે સંશોધનાત્મક પત્રકારત્વ થઈ રહ્યું હોય એવું દેખાતું નથી. મહિલાઓ-તરફી થવું એ જાણે કે મુખ્ય પ્રવાહની એક પદ્ધતિ બની ગઈ છે, પણ શું એમ કરવાથી ખરેખર બહેનોની પરિસ્થિતિ બદલાઈ છે? પહેલાં એવી સમજ હતી કે, બહેનોના સ્તરમાં પરિવર્તન આવે તો બહેનોની સ્થિતિ બદલાય. તો શું બહેનોના સ્તરમાં પરિવર્તન આવ્યું? અને જો બહેનોના સ્તરમાં પરિવર્તન આવ્યું હોય તો શું બહેનોની પરિસ્થિતિ બદલાઈ? આ પ્રકારની પ્રશ્નોત્તરી કરવી એ આજના સમયની માગ છે. આ પ્રશ્નોત્તરી બહેનોના પ્રશ્નો સાથે જોડાયેલાં સંગઠનો કરે એટલું પૂરતું નથી, પણ મુખ્ય પ્રવાહનાં સમૂહમાધ્યમોએ પણ આ દિશામાં વિચારીને આલેખન કરવું રહ્યું. કારણ કે, બહેનોના પ્રશ્નો કે સામાજિક લિંગભેદના મુદ્દાઓ એ માત્ર બહેનોના જ મુદ્દાઓ નથી, પણ સમાજના પ્રશ્નો છે તથા આપણા દરેકના ઘરના પ્રશ્નો છે.

આજે ખેડૂતોની આત્મહત્યા વિશે ચર્ચાઓ અને આલેખન થાય છે એટલું જ બહેનોનાં અપમૃત્યુ કે આત્મહત્યા ઉપર સામાજિક અને રાજકીય વિશ્લેષણ કેમ થતું નથી? ખેડૂતોની આત્મહત્યા વિશે કશું જ ન લખાય એમ હું નથી કહેતી. તેના વિશે હજી વધારે લખાવું જોઈએ, પણ સાથે-સાથે બહેનોનાં અપમૃત્યુ વિશે રસપ્રદ અને અસરકારક રીતે લખીને વ્યાપક જનસમાજમાં તેના અંગે સંવેદનશીલતા કેમ ન કેળવી શકાય? મને લાગે છે કે, મુદ્રિત માધ્યમો પોતાના શબ્દો દ્વારા જે દૃષ્ટિકોણ ઊભો કરે છે તેનું સ્થાન આજે વીજાણું માધ્યમોમાં આવતાં જાતજાતનાં મંતવ્યોએ લીધું છે. માત્ર મંતવ્યોને બદલે જો વિશ્લેષણવાળું વિકાસલક્ષી આલેખન થાય તો જનસમાજનો દૃષ્ટિકોણ કેળવાય. તેથી જ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વિશ્લેષણાત્મક અને સંશોધનાત્મક આલેખન કરવાની જરૂર છે.

આજે નાનાં-નાનાં નગરોમાં વસતા નાગરિકો પોતાના નગર અને સમાજ બાબતે પ્રશ્નો કરતા થયા છે. ઉપરાંત, ક્યાંક-ક્યાંક નાગરિકોના મંચ ઊભા થઈ રહ્યા છે. પરિણામે, યુવા નાગરિકોમાં જે-તે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચાઓ અને જાણકારી વધી રહ્યાં છે. હવે, પરિવર્તનની પ્રક્રિયા માત્ર સ્વૈચ્છિક સંસ્થાઓના હાથમાં જ રહી નથી, પણ તેમાં નાગરિકોના પ્રયાસો પણ જોડાયા છે. નાગરિકોની પહેલને કારણે સરકારી તંત્રને ઉત્તરદાયી બનવાની ફરજ પડી હોય એવા અનેક કિસ્સા મોજૂદ છે. એટલા માટે જ જ્યારે આપણે શાસનની વાત કરીએ ત્યારે નાગરિકતાની વાત કર્યા વગર ચાલે તેમ નથી. કોઈ એક સત્તાધારી પક્ષ દ્વારા થાય એ સાચું શાસન નથી, પણ નાગરિકતા સાથે જોડાયેલું શાસન એટલે સાચું શાસન છે. આવી નાગરિકતાને સક્રિય કરવા માટે વિકાસલક્ષી આલેખન મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. આપણે ઇતિહાસ તપાસીએ તો જોવા મળે કે કોઈ પણ પ્રકારની મુક્તિવાદી ચળવળમાં પત્રિકાઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વિકાસલક્ષી કાર્યકર અને નાગરિક, બંનેએ પોતાના વિકાસ માટે અને સમાજના વિકાસ માટે વિકાસલક્ષી આલેખન કરવું રહ્યું.

'ચરખા'એ પોતાની લેખન-કૌશલ્ય કાર્યશિબિરોના માધ્યમથી સ્વૈચ્છિક વિકાસ ક્ષેત્રે જોડાયેલા અનેક કાર્યકરોમાં લખવાનો ચીલો ચાતર્યો છે. 'ચરખા'ની શિબિરોના સફળ પરિણામરૂપે કાર્યકરોને અહેસાસ થયો છે કે, લખવાથી પોતાનો વિકાસ પણ થાય છે અને જ્યારે લખીએ છીએ ત્યારે પોતાના વિચારો બાબતે વધુ સ્પષ્ટ થવાય છે. જો આપણે સારી રીતે લખી શકીએ તો બીજાને પણ એ દિશામાં લઈ જઈ શકીએ એવી સમજ સામાજિક કાર્યકરોમાં ઊભી થઈ છે. હું મારી સંસ્થા સાથે જોડાતા નવા-નવા કાર્યકરોને પણ ઉમદા નેતૃત્વ માટે અસરકારક સંચારનું જે મહત્ત્વ છે તે સમજાવું છું. હું પણ જ્યારે લખું છું ત્યારે આત્મખોજ કરું છું. લખવું મને ખૂબ ગમે છે. આજની કેટલીક કૉલેજો યુવાનોને ટીવી કેમેરાની સામે આત્મવિશ્વાસપૂર્વક ઊભા રહેતાં શીખવે છે, પણ એક રસપ્રદ પત્ર કઈ રીતે લખાય એ શીખવતી નથી. એનો અર્થ એ કે, વિકાસલક્ષી આલેખન અંગે આપણા સમાજમાં જેટલી ગંભીરતા હોવી જોઈએ તેટલી જણાતી નથી. તેથી જ અમે સમાજકાર્યનો અભ્યાસ કરીને અમારી સંસ્થામાં જોડાતા નવા-નવા કાર્યકરો માટે વિકાસલક્ષી લેખનના પાયાના અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

હું ફરી વાર કહીશ કે, જે કાર્યકરને પોતાના કાર્યમાં સારું નેતૃત્વ વિકસાવવું હોય, પોતાનામાં નેતૃત્વની શક્તિઓ કેળવવી હોય તેણે પોતાના અનુભવોનું આલેખન કરતા જવું પડશે. વિકાસલક્ષી સંચારના માધ્યમથી આપણે મુદ્દાઓ અંગેની સમજ, શ્રદ્ધા અને વિશ્લેષણશક્તિ વધારીએ એ જરૂરી છે. મને લાગે છે કે, સાહિત્ય મારફતે વ્યક્તિની સંવેદનશીલતા કેળવાય છે અને ત્યાંથી જ કદાચ વિકાસલક્ષી કામો કરવા તરફનો દૃષ્ટિકોણ કેળવાય છે. વિકાસલક્ષી આલેખન દ્વારા તૈયાર થયેલું ઉમદા સાહિત્ય આજના સમાજનું ચિત્રણ રજૂ કરે છે. આ પ્રકારનું વિકાસલક્ષી આલેખન આપણને એક આગવી વિચારદૃષ્ટિ આપે છે. આપણા અજાગ્રત મનમાં ક્યાંક ને ક્યાંક આપણું લખાણ આપણને મદદરૂપ બને છે. લેખન જેવી કળાઓ, વૈવિધ્યસભર સંસ્કૃતિ અને માનવજાતને એકતાંતણે જોડે છે. લેખન ભલે અભિવ્યક્તિનું એકમાત્ર સ્વરૂપ નથી તેમ છતાં એક અગત્યનું સ્વરૂપ છે. સામાજિક કાર્યકરોમાં આજકાલ ખોટેખોટી દોડધામ ઊભી થઈ ગઈ છે એ પણ વિકાસલક્ષી આલેખન ન થવાનું એક કારણ છે. એ ખોટી દોડધામ ઇન્ટરનેટ કે મોબાઇલ પાછળ હોય કે અન્ય કોઈ હેતુસર હોઈ શકે. એ દોડધામ દરમિયાન પણ શાંતિભર્યો સમય કાઢીને લખવું મહત્ત્વનું છે. આવો સમય કાઢવો મુશ્કેલ નથી, પણ આપણે સૌએ એવો સમય કાઢતાં શીખવાનું છે. સમય કાઢીને અને પ્રાથમિકતા આપીને આપણે સૌએ વિકાસલક્ષી આલેખન કરવું રહ્યું.
(શ્રી સુષમાબહેન આયંગર, 'કચ્છ નવનિર્માણ અભિયાન'નાં વડાં છે.)