દરિયાની વાત....

સમુન્દ્રાતિકે
- શ્રી ધ્રૂવ ભટ્ટ.

દરિયાની વાત આવે એટલે કિનારે રખડતાં ખાલી નાળિયેર,જ્યાંત્યાં વિખેરાયેલો જાતજાતનો કચરો,તૂટેલી મૂર્તિઓ,નાસ્તાનાં પેકેટ્સ.. એવું બધું જ યાદ આવે. એમાં સુંદર અને ચમકીલી રેતી,રંગબેરંગી શંખ અને છીપલાં તો ક્યાં ખોવાઈ જાય છે તેની તો ખબર પણ નથી પડતી! ત્યારે દરિયો એ કુદરતનો એક સુંદર અંશ છે એ યાદ અપાવતું અને સમુદ્રની નવી ઓળખાણ આપતું આ પુસ્તક આપણને જીવનની પણ નવી ઓળખ આપે છે..

પરાણે કરવી પડતી નોકરી નાયક્ને લઈ આવે છે એક અજાણ્યા સમુદ્રકિનારે. પ્રાથમિક અનુભવ તો એકલતાનો રહે છે. પણ ધીમેધીમે એનું શહેર,એના મિત્રો, એની સભ્યતા અને સંસ્કૃતિ- બધું જ પાછળ રહી જાય છે.અને પછી નાયકનાં જીવનમાં પ્રવેશે છે જાતજાતનાં પાત્રો. અવલ, નૂરમામદ,કબીરો,સરવણ,બંગાળી,સબૂર અને હા,દરિયો પોતે.

કહેવાતી શહેરી સભ્યતા અને દંભી વર્તનનો મુખવટો ધીરેધીરે ઉતરતો જાય છે અને નાયક સામે જિંદગીનું એક નવું,પારદર્શક રૂપ ખૂલતું જાય છે.પોતે કરેલા સર્વેના રીપોર્ટ બાદ દરિયાકાંઠે આવનારાં કારખાનાં આ સુંદર સૃષ્ટિનો વિનાશ નોતરશે એ વાતનો નાયકને ખૂબ જ વિષાદ થાય છે.એમાંથી એને માર્ગદર્શન મળે છે એક એવી વ્યક્તિ દ્વારા કે જેને એ પાગલ સમજતો હોય છે.

પરિવર્તન એ સંસારનો અપરિવર્તનીય નિયમ છે એ વાતને લેખકે સમુદ્રનાં પાત્રથી, કોઇપણ ભાષાકીય દંભ કે આલંકારિક શબ્દો વાપર્યા વિના ખૂબ સહજ રીતે રજૂ કરી છે.આ આખી વાતમાં નાયકનું ક્યાંય નામ નથી. માત્ર ’હું’ તરીકે જ એ વાત કરે છે.તેથી વાચક આસાનીથી નાયકની જગ્યાએ પોતાની જાતને ગોઠવીને નાયકની દરેક લાગણીને અનુભવી શકે છે.

તો મિત્રો, આપણી અને દરિયાની નવી ઓળખ મેળવવી હોય તો આ પુસ્તક જરૂર વાંચજો.