એનજીઓ ચળવળને વ્યાવસાયિક રૂપ આપતા દીપ જોશીને મેગ્સેસે ઍવૉર્ડ

લશ્કરશાસિત મ્યાનમારના એક કાર્યકર કા શો વા અને ભારતમાં એનજીઓ ચળવળને વ્યાવસાયિક રૂપ આપનાર દીપ જોશીની દૃષ્ટિ અને નેતાગીરીને માન્યતા પ્રદાન કરવા તેમની 2009ના મેગ્સેસે પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. ભારતમાં બિનસરકારી સંગઠનો અથવા તો સ્વયંસેવી સંસ્થાઓને વ્યવસાયી રૂપે ચલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર દીપ જોશીને મેગ્સાયસાય ઍવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

તેમની સાથે થાઈલેન્ડના એક વૈજ્ઞાનિકની 2009ના રેમન મેગ્સેસે ઍવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ ઍવૉર્ડને એશિયાના નોબલ પારિતોષિક સમકક્ષ ગણવામાં આવે છે. આ ઍવૉર્ડ મેળવવાનું બહુમાન મ્યાનમારના ચળવળકાર કા શો વાને પણ મળ્યું હતું.

મ્યાનમારમાં 1988ના લોકશાહીતરફી દેખાવો દરમિયાન કા શો વા નામના એક 17 વર્ષના વિદ્યાર્થી ચળવળકારની ધરપકડ અને સતામણી પછી તે જંગલોમાં નાસી છૂટ્યો હતો. ત્યાર પછી તેણે ગ્રામજનો પર ગુજારવામાં આવેલા અત્યાચારો ખુલ્લા પાડ્યા હતા, એમ રેમન મેગ્સેસે ફાઉન્ડેશને જણાવ્યું હતું.

અર્થરાઇટ્સ નામના નફો ન કરતા એક જૂથનો તે સહસ્થાપક હતો, જેણે 1996માં અમેરિકાસ્થિત ઓઈલ કંપની યુનોકલ સામે માનવહકના કહેવાતા ઉલ્લંઘન બદલ તથા યદાના ગેસપાઈપલાઈન શરૂ કરવા માટે મ્યાનમારના લશ્કર દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ દાખલારૂપ કેસ કર્યો હતો અને 10 વર્ષ સુધી ખટલો ચાલ્યા પછી યુનોકલ 11 અરજદારને વળતર ચૂકવવા સંમત થઈ હતી.

ક્રીસાના ક્રઇસિન્તુ નામની થાઈ ફાર્માકોલોજિસ્ટનું એચઆઈવી-એઇડ્સ સામે લડત આપવા માટે ખૂબ જ જરૂરી એવા જેનેટિક ઔષધના ઉત્પાદન બદલ સન્માન કરવામાં આવ્યું છે. ફિલિપિન્સના ધારાશાસ્ત્રી અને પર્યાવરણ ચળવળકાર એન્ટોનિયો ઓપોસાની દેશવાસીઓને પર્યાવરણના રક્ષણ માટે કાનૂની લડત દ્વારા મદદ કરવા બદલ ઍવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ સન્માનના પ્રતિભાવ આપતા દીપ જોશીએ નવી દિલ્લીમાં કહ્યું હતું કે, આ ઍવૉર્ડ મેળવીને હું ખૂબ ખુશ થયો છું, પરંતુ હું એટલું તો જરૂર કહીશ કે આ ઍવૉર્ડ મારા એકલાનો નથી, પરંતુ એક વિચારનો છે, એક ચળવળનો છે અને તેની પ્રગતિનો છે. શિક્ષિત લોકો ગામડાંઓમાં જઇને તેમના વિકાસ અને પ્રગતિ માટે કામ કરે એની આપણને જરૂર છે.

62 વર્ષી જોશીએ અમેરિકાની માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજીમાંથી એન્જિનિયરિંગની અને સોલાન સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી માસ્ટર મેનેજમેન્ટની ડિગ્રી મેળવી હતી. જોશીએ સિસ્ટમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ફોર્ડ ફાઉન્ડેશન માટે કામ કર્યું હતું અને તેમની પાસે ગ્રામીણ વિકાસ અને સેવાનો 30 વર્ષનો અનુભવ છે.
(જુદાજુદા અખબારોમાંથી સંકલન)