વિકાસલક્ષીલ મુદ્દાઓને ઉજાગર કરવા માટે 'ચરખા'ની એક સ્વતંત્ર ટીવી ચેનલ હોવી જોઈએ

- ધીમંત પુરોહિત
બ્યુરો ચીફ, આજતક ગુજરાત

દેશ અને દુનિયાને ગાંધીજીનું જો કોઈ સૌથી મૌલિક પ્રદાન હોય તો તે ચરખો છે. સત્ય અને અહિંસા, ગાંધી પહેલા અને બાદમાં પણ ઘણા મહાત્માઓએ પ્રબોધ્યા, પણ ચરખો એ એવી ચીજ છે કે જો ગાંધી ના હોત તો ચરખો એના આ સ્થાને ના હોત એ નિર્વિવાદ વાત છે.

ચરખો કાંતણનું એક યંત્ર માત્ર નથી, એ આપણી મનોશારીરિક ચેતનાને સ્પર્શતું એક એવું તત્વ છે જેણે આખા સ્વતંત્ર સંગ્રામનો આખો સંદર્ભ બદલી નાખ્યો. આ વાત સમજવા માટે તો ચરખો કાંતવો પડે, એનું સંગીત માણવું પડે. એ કોઈ યોગથી કમ નથી. ચરખામાં ગતિ છે અને પ્રગતિ પણ છે. મને લાગે છે કે 'ચરખા' સંસ્થામાં પણ આ બધું જ છે. અને એથી જ સંજયનો 'ચરખો' મને ગમે છે. ચપ્પા ચપ્પા ચરખા ચલેની જેમ એ સંવાદ અને સમૂહપ્રત્યાયનનો ચરખો છે. તેની સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજ સેવા અને સમૂહમાધ્યમોમાં અનિવાર્ય આવશ્યકતા છે.

રૂની પૂણીના રેસે રેસાને જોડીને બનતા તારની જેમ જ માહિતી-સમાચાર-સંસ્થાઓ-સમૂહમાધ્યમો અને સમાજ વચ્ચે આદાન-પ્રદાનનના અતૂટ તારનું કામ ચરખાનું પાયાનું કાર્ય છે. જે મને લાગે છે કે તે સુપેરે પણ નીભાવે છે. તેના આ કામના કેન્દ્રમાં સ્વાભાવિક રીતે જ માનવ-સમાજ અને તેનો વિકાસ છે.

મિડિયાના પ્રતિનિધિ તરીકે મને 'ચરખા'નો આ અનુભવ પણ છે. 'ચરખા'ને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ કરવા પ્રિન્ટ ઉપરાંત ટેલિવિઝન અને ઇલેક્ટ્રોનિક મિડિયા ક્ષેત્રે પણ તેનું પ્રદાન શરૂ કરીને વધારી શકાય. 'ચરખા' વિકાસલક્ષી લેખોને જે રીતે રેગ્યુલર ડિસ્પેચ કરે છે તે રીતે ટેલિવિઝન માટે પણ વિડિયો ફોર્મમાં ટીવી સ્ટોરી કેમ ન બની શકે? આદર્શવાદ તો એ જ કહેવાય કે ન્યૂઝ ચેનલોની માફક વિકાસલક્ષી મુદ્દાઓ અને સમાચારોની 'ચરખા'ની એક સ્વતંત્ર ચેનલ જ હોય. આજના ટેકનોલોજીના વિકાસના યુગમાં આઈપી ટીવીની સંભાવનાઓ જોતા આ સ્વપ્નું અશક્ય નથી અને અઘરું પણ નથી.