'લખેલું વંચાય' એ ઉક્તિ યથાર્થ છે

- વિપુલ પંડ્યા
કોઈ પણ ક્ષેત્રમાં કામની ઓળખ ત્યારે જ મળે કે જ્યારે તે વિશે લખાયું હોય. લખાયેલું કોને, ક્યારે, કઈ રીતે ઉપયોગી નીવડશે એ ખબર હોતી નથી. દસ વર્ષ પહેલાં અમે બાંધકામ કામદારોની સાઇકલ રેલી યોજી હતી. આ રેલી દરમિયાન અમે ઠેર-ઠેર કામદાર જાગૃતિને લગતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. કેટલીક પત્રિકાઓ સિંગ-ચણા વેચનાર એક ફેરિયા પાસે પહોંચી ગઈ. એ પત્રિકાનો ઉપયોગ પડીકાં વાળવા માટે કરવાને બદલે એ ફેરિયાએ એ પત્રિકા સાચવી રાખી. આ પત્રિકા કોઈ મજૂરને કામ લાગશે એમ માનીને એણે સાચવી હતી. એક દિવસ કામદારોનું એક જૂથ પોતાને થયેલા અન્યાયની વાત લઈને અમારા કાર્યાલયે આવ્યું. એમને અમારી ઑફિસનું સરનામું કેવી રીતે મળ્યું એમ મેં તેમને પૂછ્યું. તેમણે સૌએ પોતાના ખિસ્સામાંથી પત્રિકા બહાર કાઢીને બતાવી. પેલા સિંગ-ચણાવાળા ફેરિયાએ આ કામદારોને પેલી પત્રિકા આપી હતી. પત્રિકાના માધ્યમથી અમારા સુધી પહોંચેલા કામદારોને અમે કૉન્ટ્રાક્ટરો પાસે બાકી નીકળતી વેતનની રકમ અપાવી.


બીજો દાખલો, વટવામાં ચાલતી બાલવાડીનો છે. અમારા સંગઠન દ્વારા સ્થળાંતરિત આદિવાસી મજૂરોનાં બાળકો માટે વટવામાં એક બાલવાડી ચાલે. બાલવાડીમાં જોડાયા પછી એ બાળકો નજીકની મ્યુનિસિપલ શાળામાં પણ પ્રવેશ મેળવવા લાગ્યાં. આ સફળતા અંગેનો એક લેખ લખીને અમે 'ચરખા'માં મોકલ્યો હતો. એ લેખ અનેક અખબારોમાં પ્રકાશિત થયો. તે લેખ વાંચીને દૂરદર્શનમાં કામ કરતાં નિરાલીબહેનને અમારી એ બાલવાડી ઉપર એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી. એમણે એ ફિલ્મ બનાવી અને દૂરદર્શનના 'દીવાદાંડી' કાર્યક્રમમાં એ રજૂ થઈ. આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ જોઈને આદિવાસી બાળકોનાં મા-બાપ ખૂબ રાજી થયાં અને જે લોકોએ તેમનાં બાળકોને ભણવા મૂક્યાં નહોતાં તે લોકો પણ એમનાં બાળકોને નિશાળમાં દાખલ કરવા તૈયાર થયા. એક લેખ લખવાને કારણે આવી સફળતા મળી.

જ્યારે કોઈ એક પ્રસંગ, ઘટના કે કાર્ય અંગે આલેખન થાય છે અને તે ક્યાંક પ્રગટ થાય છે ત્યારે એ લખાણનું મહત્ત્વ વધી જાય છે. લખવાથી કામની પારદર્શિતા વધે છે. કામ કરવાની દૃષ્ટિ સ્પષ્ટ બને છે. આપણે કરેલાં કામોનું મૂલ્યાંકન કરી વધુ સારું આગોતરું આયોજન થઈ શકે છે.
(શ્રી વિપુલભાઈ પંડ્યા, 'બાંધકામ મજદૂર સંગઠન'ના વડા છે.)