મોતી મહાસાગરનાં....

ઇન્ટરનેટ !! આપણે કઈ રીતે તેને ઉપયોગમાં લેવું છે તે આપણા હાથમાં છે.તેમાં તો દુનિયાની દરેક પ્રકારની માહિતી છે.ઘણીવાર એવું પણ થાય કે આપણી સામે કોઇ ઉદાહરણ આવે ત્યારે આપણને એમ થાય કે અરે ! આનો ઉપયોગ આવી રીતે પણ થઈ શકે!!

આવું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, શ્રી ડો.આઈ.કે.વીજળીવાળાએ. ઈન્ટરનેટના મહાસાગરમાંથી તેમણે ત્રણ મોતી આપણને ભેટ આપ્યાં છે.મોતીચારો,મનનો માળો અને અંતરનો ઉજાસ. ખૂબ જ હ્રદયસ્પર્શી ઘટનાઓથી સભર આ ત્રણે પુસ્તકો આંખ ભીની કર્યા વિના વાંચી શકે એને કહો તેટલું ઇનામ !!

ઘણી ઘટનાઓ કદાચ ક્યાંક વાંચેલી લાગે તો પણ એનો આસ્વાદ કરાવવાની શ્રી વીજળીવાળાની આગવી શૈલી તે ઘટનાને નવી તાજગી પૂરી પાડે છે.દિલને સ્પર્શી જાય તેવો સંદેશ એ દરેક વાતની ખૂબી છે.સરળ શબ્દો,ભારતીય સ્પર્શ અને મોટેભાગે એક પાનાંમાં સમાઈ જતી આ દરેક વાત જીવનને,સંબંધોને જોવાનો નવો દ્રષ્ટિકોણ આપે છે.
પ્રિયજનને કોઈપણ પ્રસંગે ભેટ આપી શકાય એવાં આ પુસ્તકો ઘરે વસાવવાથી જીવનમાં આવી જતી હતાશાથી બચી શકાશે..