રાતોરાત એપીએલ થઈ ગયાં બીપીએલ રૅશનકાર્ડ

ભાવનગર જિલ્લાના વળાવડ ગામના ગરીબોને સપનામાંય નથી મળતું 'સસ્તું અનાજ'
સરકાર અમને ફક્ત કેરોસીન જ આપે છે, જેથી અમે સળગીને મરી શકીએઃ ગ્રામજનોની વ્યથા
- અજય કાનાણી
રૅશનકાર્ડ ન હોવું તે તો ઠીક છે, પણ હોવું અને કંઈ ન મળવું તે એક વિડંબણાં છે. હકારાત્મક વિકાસલક્ષી પત્રકારત્વનું ખેડાણ કરતી સંસ્થા 'ચરખા' દ્વારા અપાતી ફૅલોશિપ અંતર્ગત ફેલો અજય કાનાણી દ્વારા તાજેતરમાં થયેલા એક સંશોધનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આવી વિડંબણાના દર્શન થયાં છે. તેમાંય, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામના મોટા ભાગના ગરીબ પરિવારો માટે સસ્તું અનાજ સપનામાંથીય નીકળી ગયું છે. આ ગામમાં મોટા ભાગની વસ્તી હરિજનોની છે. આ બધા જ પરિવારો છૂટક મજૂરી કરીને જિંદગી જીવે છે.

આજથી 6 વર્ષ પહેલાં આ તમામ પરિવારો પાસે બીપીએલ રૅશનકાર્ડ હતાં અને તમામ પરિવારોને સસ્તા દરે અનાજ મળી રહેતું, પણ એક દિવસ આ તમામ બીપીએલ કાર્ડમાં એપીએલનો સિક્કો લાગી ગયો અને તમામ કાર્ડ 'સ્વર્ગસ્થ' બની ગયાં. આજે આ તમામ પરિવારોની આર્થિક સ્થિતિ જેમની તેમ જ છે. છતાં, સરકારે તેમને ગરીબી રેખા ઉપરના માની લીધાના પાપે આ પરિવારો અનાજથી વંચિત રહે છે.

ગામમાં ગોરધનભાઈ ખીમસુરિયાના ઘરમાં નવ જણાં છે. એ છૂટક મજૂરી મેળવી પોતાનું જીવન ગુજરાતન માંડમાંડ ચલાવે છે. એમનું રૅશનકાર્ડપણ રાતોરાત બીપીએલમાંથી એપીએલ કરી દેવામાં આવ્યું છે. પરિણામે, આજે છ વરસથી એમને સસ્તું અનાજ નથી મળતું. ગોરધનભાઈ જેવા દાખલા તો આ ગામમાં દરેક ઘરે છે. નવાઈની વાત તો એ છે કે આ તમામ પરિવારોના નામ બીપીએલ યાદીમાં છે, પણ એમની પાસે રૅશનકાર્ડ બીપીએલનું નથી. ગામલોકો ભારે આક્રોશપૂર્વક કહે છે કે, "અમે આ ગામમાં વર્ષોથી રહીએ છીએ અને જે બહારથી આવેલાં છે એ લોકોની પાસે બીપીએલ રૅશનકાર્ડ છે. એટલું જ નહીં, અમારા ગામમાં જેની પાસે મેડી છે એવા લોકો પાસે પણ બીપીએલ કાર્ડ છે અને અમારા ઝૂંપડાવાળાને એપીએલ કાર્ડ પધરાવી દીધાં છે."

આ ઉપરાંત ગામમાં અનાજ ઓછું અને અનિયમિત મળતું હોવાની રાવ પણ લોકો પાસેથી સાંભળવા મળે છે. ગામમાં જે 80 બીપીએલ રૅશનકાર્ડ છે એમાંથી લગભગ અરધોઅરધ પરિવારોને દર મહિને ક્યાં તો અનાજ મળતું નથી ક્યાં ઓછું મળે છે.

રેખાબહેન ઘનશ્યામભાઈ સરતેજા એક વિધવા મહિલા છે. કેન્સરની બીમારીને કારણે પતિ છ વરસ પહેલાં ગુજરી ગયા હતા. એમને નાના-નાના ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ગામમાં એ 150 રૂપિયાના ભાડાના મકાનમાં રહે છે અને ભીખ માંગીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જોવા જેવી વાત તો એ છે કે એમની પાસે ગરીબી રેખા ઉપરનું (એપીએલ) રૅશનકાર્ડ છે. ગામની આવી ખોટી મોજણી બાબતે ઉપસરપંચ સુરાભાઈ કરમટિયા કહે છે કે, પંચાયત આ બાબતે જાગૃત છે.

પંચાયત ગમે તેટલી જાગ્રત ભલે હોય, પણ ગામના મોટા ભાગના દલિત ગરીબ પરિવારોને કાળા બજારનું મોંઘા ભાવનું અન્ન ખાવું પડે છે. એ ગુજરાતમાં અન્નસુરક્ષા સામે મોટો સવાલ છે. ભારે આક્રોશ અને નિસાસા નાંખતાં ગામલોકો 'ચરખા'ને જણાવે છે કે, સરકાર અમને ખાલી કેરોસીન આપે છે, જેથી અમે સળગીને મરી શકીએ...!