ભૂગર્ભ ટાંકાએ કાઠિયાવાડી મહેમાનગતિની ભાવના ફરી પ્રગટ કરી

માંગરોળ સહિતના દરિયાકાંઠે આવેલાં શહેરો અને ગામોમાં
ભૂગર્ભ ટાંકાની પ્રાચીન પદ્ધતિ ફરી અપનાવાઈ રહી છે
- અશોક અદેપાલ
આપણે ત્યાં ભૂગર્ભ ટાંકા એ પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિ છે. આજે પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠે આવેલાં દ્વારકા, પોરબંદર, માંગરોળ, ભાવનગર વગેરે શહેરો અને ગામોમાં રહેણાંક મકાનમાં ભૂગર્ભ ટાંકા બનાવેલા જોવા મળે છે, પણ ઓછી જગ્યામાં વધુ બાંધકામ કરવાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આપણે આપણી આ પ્રાચીન પદ્ધતિથી વિમુખ થઈ ગયા છીએ. જોકે, જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ફરી આ પદ્ધતિ અપનાવાઈ રહી છે. એટલું જ નહીં, થોડી નવી ટેકનિક પણ તેમાં ઉમેરાઈ છે.

'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ-ભારત' નામની માંગરોળની સંસ્થાના કાર્યકરોએ આ દિશામાં પણ લોકોમાં જાગૃતિ લાવી દીધી છે. આજે ચણતર, પ્લાસ્ટર, સ્લેબ, તળિયું, સિમેન્ટ, પથ્થર, રેતી, લોખંડ, લાકડું વગેરેની મૂળભૂત કામગીરીથી માંગરોળ પંથકના ગ્રામવાસીઓ જાણકાર છે.

આમાં પણ રહેણાંક મકાનની છત કે છાપરાનું પાણી જમીન પર ઉતારવામાં આવે છે. જોકે, આ પાણીનો સંગ્રહ ભૂગર્ભમાં નહીં, પણ રહેણાંકના ફળિયામાં કે આંગણામાં બનાવેલા ભૂગર્ભ ટાંકામાં જ કરવામાં આવે છે.

રહેણાંક મકાનની દીવાલથી પાંચ કે છ ફૂટ દૂર, મોટાં વૃક્ષનાં મૂળિયાં અડે નહીં તે રીતે, જાજરૂ અને ઉકરડાથી પણ દૂર ભૂગર્ભ ટાંકા બનાવાય છે. 20 હજાર લિટરની ક્ષમતાના ટાંકા માટે ગોળાઈ 12 ફૂટ અને ઊંડાઈ 10 ફૂટ રાખવામાં આવે છે. આવા ટાંકાના લાભાર્થી પૈકીના પરસોતમભાઈ કહે છે કે, "અમારે ત્યાં જ્યારે ભૂગર્ભ ટાંકો નહોતો ત્યારે ઘરે મહેમાન આવે તો ચાનો પણ આગ્રહ કરી શકતા નહીં. કારણ કે, ખારા પાણીમાં ચા ફાટી જતી હતી, એટલું જ નહીં દાળ પણ ચડતી ન હોવાથી અમે તો વર્ષોથી દાળનો સ્વાદ પણ ભૂલી ગયા હતા. પણ, જ્યારથી ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે ત્યારથી અમારા ઘરે આવતા મહેમાનોને ચા પીધા વગર જવા દેવાતા નથી."

આમ કહીને પરસોતમભાઈએ તેમની દીકરીને કહ્યું, 'બેટા મહેમાનો માટે ચા બનાવ.'