માંગરોળ પંથકમાં 'પાળા'એ ખેતર અને ખેડૂતોમાં નવો સંચાર કર્યો છે

'પાળા' બાંધવાથી ચોમાસાનું પાણી દરિયામાં જવાના બદલે જમીનમાં ઉતર્યું,
તો ક્યાંક કૂવામાં ઉતરતાં, તળ ઊંચા આવ્યાં
- અશોક અદેપાલ
ભારતનો કુલ દરિયા કિનારો 4800 કિલોમીટરનો છે, જેમાં પશ્ચિમ બાજુએ અરબી સમુદ્રનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકિનારો ગુજરાતમાં છે. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ 1125 કિલોમીટરની લંબાઈને આવરી લે છે. આ દરિયા કિનારાના તટ પ્રદેશમાં લગભગ 10થી 15 કિલોમીટર સુધી જમીનના અંતઃસ્તરમાં ખારું પાણી પ્રવેશી ગયું છે. તેના કારણે 500થી પણ વધારે ગામો ખારાં પાણીની અસરમાં આવી ગયાં છે.

આ ક્ષારીય સમસ્યા કૂવાની ઊંડાઈમાં અને સંખ્યામાં વધારો થતાં વકરી છે. માંગરોળ પંથકમાં નારિયેળી, કેળ, શેરડી જેવા પાકોને પાણીની જરૂર વધારે પડતી હોઈ ખેડૂતો ભૂગર્ભ જળનું તળ ઊંડું ઉતારવા ગયા, પરિણામે પણ ખારાશ વધવા લાગી હતી.

આ સમસ્યાનો હલ કૂવા રિ-ચાર્જ કરવાથી થઈ શકે એટલે 'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)' સંસ્થાએ ખેતરે-ખેતરે જઈ ખેડૂતોને સમજાવ્યા અને જ્યાં ચોમાસાનું પાણી ખેતરમાંથી વહીને દરિયામાં વહી જતું હતું તેવાં ખેતરોમાં 'પાળા' બનાવાયા. બેલાના પથ્થરમાંથી બનાવાયેલા આ પાળાના કારણે બે ફાયદા થયા. એક તો, પાણી રોકાઈને સીધું જમીન તથા કૂવામાં ઉતરવા લાગ્યું. બીજું, 'પાળા' બની ગયા હોવાથી ભેલાણ થવાના પ્રશ્નોનો પણ ઉકેલ આવ્યો. આ ઉપરાંત, શેઢાની તકરાર પણ બંધ થઈ.

રામશીભાઈ નામના યુવાન ખેડૂત કહે છે, "અમે જ્યારથી પાળો બનાવ્યો છે ત્યારથી કૂવામાં મીઠાં પાણી આવવા લાગ્યાં છે, જમીનમાં પણ મીઠાં પાણી ઉતરતાં ફળદ્રુપતા વધી છે અને એક સમયે વર્ષમાં એક વખત જ પાક લઈ શકતા હતા તે જ જમીન પર હવે અમે મોસમ પ્રમાણે તમામ પાક લઈ શકીએ છીએ."

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કરેલા એક સર્વે દરમિયાન પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના 185 કૂવામાં પાણીની ખારાશ વર્ષ 1995-96માં સરેરાશ 18.2 ટકા હતી. રિ-ચાર્જ પછીના એક વર્ષ બાદ તેમાં 32.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આમ, 'પાળા' એ પણ જમીન, કૂવા, ખેતર, ખેડૂત એમ તમામમાં નવો સંચાર કર્યો છે. આ સંચાર ક્યાંક વિવિધ પાક રૂપે, ક્યાંક પાણીયારા પર ગોઠવાયેલા સુંદર મજાના માટલાઓમાં, તો ક્યાંક કૂવામાંથી ધોધ રૂપે બહાર નીકળીને ચાસમાં પહોંચતા પાણી રૂપે માંગરોળ પંથકમાં જોવા મળી રહ્યા છે.