સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવીને બનાસકાંઠાના એક ખેડૂતે પાણી બચાવ્યું અને મબલખ પાક લણ્યો

- અલ્પા દવે
દિન પ્રતિદિન પાણીનો વપરાશ વધે છે અને પાણી મેળવવાના સ્રોત ઘટે છે. તળાવ, નદી-નાળા સુકાઈ રહ્યાં છે અને ભૂગર્ભજળ વધુ ઊંડા ગયાં છે. ત્યારે સૂક્ષ્મ પિયત પદ્ધતિ ઉજ્વળ ખેતીનો ઉત્તમ પર્યાય બની રહ્યો છે એવું દૃઢપણે માનતા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રામપુરા ગામના ફલજીભાઈ જીતાભાઈ ચૌધરીએ આ પદ્ધતિ ખેતીમાં અપનાવી ધાર્યું પરિણામ મેળવ્યું છે. તેમણે દોલતપુરા કંપા અને બાંટાવાડામાં ટપક પદ્ધતિથી ખેતી થતી જોઈને આ વિશે જાણકારી મેળવી હતી, પરંતુ તેમાં આગળ વધવા બાબતે તેઓ અવઢવમાં હતાં.

રામપુરા ગામમાં 'ઈન્ટરનેશનલ વૉટર મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ' કે જે હવે 'સોસાયટી ફોર ઈન્ટીગ્રેટેડ લેન્ડ એન્ડ વૉટર મેનેજમેન્ટ' તરીકે ઓળખાય છે તેના દ્વારા બહેનોનાં બચતમંડળો ચાલતાં હતાં. ફલજીભાઈનાં પત્ની આ મંડળમાં જોડાયેલાં હતાં. સંસ્થાએ બહેનોને રજકા વાવેતર માટે ડ્રીપ કીટ આપવાની વાત કરી. ત્યારે તરત જ તેમણે પોતાના ખેતરમાં આ કીટ લગાવવાની તૈયાર બતાવી અને લાભાર્થી ફાળાની રકમ બધી બહેનો વતી પહેલાં તેમણે ભરી દીધી. ડ્રીપ કીટથી રજકાનો વિકાસ અને પાણીનો ઓછો વપરાશ જોઈ પોતાના ખેતરમાં ટપક પદ્ધતિ અપનાવવાનું નક્કી કર્યું. તેઓ સંસ્થાની દરેક મિટિંગમાં જતાં અને સતત સંપર્કમાં રહેતાં.

ફલજીભાઈએ સૌ પહેલાં તેમની પાંચ વિઘા જમીનમાં ડ્રીપ ગોઠવી. ડ્રીપ કર્યા પછી તેમણે પાક ફેરબદલી કરી અને પાંચ ફૂટે વવાય એવા એરંડા, શાકભાજી, તરબૂચ, કપાસ અને વરિયાળી જેવા પાકો વાવ્યા. શિયાળામાં બટાકા, ઉનાળામાં બાજરી અને ચોમાસામાં મગફળીનું વાવેતર કર્યું. શાકભાજીમાં રીંગણ વાવ્યા. તેમણે અનુભવ્યું કે, ઘઉં એક વીઘામાંથી બે બોરી વધારે થયા. પહેલા એરંડા વીઘે 40 મણ થતાં જેના બદલે ડ્રીપ લગાવ્યા બાદ 60 મણ થયાં. શાકભાજી લગભગ બમણાં ઉતર્યાં. શાકભાજીની આવકને તેમણે પશુપાલનની આવક સાથે સરખાવી.

તેમના મતે ડ્રીપથી ખેતી કરવી ખૂબ જ સરળ છે. ડ્રીપ વસાવ્યા પછી પાણી વપરાશ બીલકુલ ઓછો થઈ જાય છે. જમીનનું પોત જળવાય છે. ખેડાણ ખર્ચ ઘટી ગયો છે. રાતે પિયત કરવાનું થાય તો આરામ કરતાંકરતાં ક્યારે પિયત થઈ જાય છે તેની ખબરેય નથી પડતી. ઉનાળામાં તેમના ખેતરમાં પહેલા 6થી 7 વીઘા જ પિયત થતું બાકીની જમીન ખાલી પડી રહેતી. હવે 15 વીઘા જમીન લીલી રહે છે. છૂટું પાણી આપતાં ત્યારે આઠ કલાકના પાવરમાં 1 વીઘામાં પિયત થતું. આખા ખેતરમાં પિયત થતાં આઠ દિવસ લાગતાં જ્યારે હવે ડ્રીપથી આઠ કલાકના પાવરમાં 5 વીઘામાં પિયત થાય છે. ડ્રીપ વસાવવા માટે લીધેલી લોન એક વરસની ખેતીની આવકમાંથી રીકવર થઈ ગઈ.

ફલજીભાઈએ બાજુના ગામમાં પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેલા તરબૂચનું સારું પરિણામ જોઈને પોતાના ખેતરમાં પણ અખતરા રૂપે 1 એકરમાં તરબૂચ વાવ્યા. હીમ પડવાને કારણે ધાર્યું ઉત્પાદન ન મળ્યું, તેમ છતાંયે 9 ટન તરબૂચ વેચ્યા. 70થી 80 દિવસના પાકમાંથી રૂ. 1,50,000 કમાયાં. આ વખતે શિયાળામાં તેમણે 2 એકર જમીનમાં ડ્રીપથી બટાકા વાવેલા. તેમનો આ અનુભવ પણ સારો રહ્યો. તેમના મતે ફુવારાથી બટાકા કરવાથી પાણી બટાકાના પાન પર પડતાં પાન કોહવાઈ જાય છે. વળી, રાતે ઝાકળ પડે ત્યારે પણ પાન ભીંજવાઈ જાય છે. પૂરતો સૂર્યપ્રકાશ ના મળવાથી ફુગજન્ય રોગો આવે છે. જ્યારે ડ્રીપ કરવાથી આવી કોઈ મુશ્કેલી નડતી નથી અને ઉત્પાદન પણ ફુવારાની સરખામણીમાં 10 ટકા વધારે થાય છે.

ટપક પદ્ધતિથી સમય બચે તેનો ઉપયોગ ફલજીભાઈ પશુપાલન, પાકની જાળવણી અને સામાજિક વ્યવહારો સાચવવામાં કરે છે. સૂક્ષ્મ પિયત પદ્ધતિથી પાણી, ખાતર, દવાના ઓછા વપરાશે સારી ગુણવત્તા અને વધુ માત્રામાં પાક લઈ શકાય છે. વળી, નિંદામણ ઓછું આવે છે અને ઓછા માણસની જરૂર પડે છે. આવા ફાયદા જોઈ ફલજીભાઈના વેવાઈએ પોતાની વીસ વીઘા જમીનમાં ડ્રીપ લગાવી છે. પોતાની જેમ અન્ય ખેડૂતોને સૂક્ષ્મપિયત પદ્ધતિના સાધનો સહેલાઈથી મળી રહે અને સૌને લાભ થાય તે હેતુથી તેમના દીકરાએ સૂક્ષ્મ પિયત પદ્ધતિના સાધનોની ડીલરશીપ લીધી છે. બમણી ઊપજ અને મબલખ આવક મેળવવા ખેડૂમિત્રોએ સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવી જ રહી, કારણ કે આ પદ્ધતિ દ્વારા ખેડૂત ઓછા સમયમાં, ઓછા ખર્ચે, ધાર્યું પરિણામ મેળવી શકે છે.