આદિવાસી મહિલાઓએ ઇંટો બનાવવાની શરૂઆત કરી

માત્ર પુરુષો માટે જ મનાતો એક વ્યવસાય હવે મહિલાઓ પાસે સરકી રહ્યો છે. માનવામાં આવતું ન હોય તો પહોંચી જાવ ડાંગનાં જંગલોમાં જ્યાં આદિવાસી મહિલાઓ ઇંટો બનાવીને વેચે છે. કેટલીક મહિલાઓએ ભેગા મળીને એક મંડળી બનાવી હતી અને ઇંટોનું ઉત્પાદન કરીને માત્ર એક જ વર્ષમાં છ લાખ કરતાં વધુ ઇંટો વેચી હતી. એટલું જ નહીં, આ સાહસિક મહિલાઓએ 5000 ઉપરાંત લોકોને રોજી આપી હતી.

ઇંટોના ઉત્પાદન પછી 'સખી મંડળ'ની સભ્ય બહેનોએ શ્વેતક્રાંતિ કરીને દૂધ પણ વેચવાની શરૂઆત કરી હતી. આવી પ્રવૃત્તિઓમાં જોડાયેલી મહિલાઓ માત્ર વ્યસ્ત જ નથી રહેતી, પરંતુ તેઓ નાણા પણ કમાય છે અને પગભર પણ થઇ છે. કેટલીક મહિલાઓ તો એટલી સમૃદ્ધ થઇ ગઈ છે કે પોતે તો કમાય છે જ. પરંતુ સાથેસાથે અન્ય મહિલાઓને કામે રાખીને એમને પણ પગભર થવામાં મદદ કરે છે. દસ મહિના પહેલા જ્યારે 'જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી' દ્વારા ડાંગના 'સખી મંડળ'ની બહેનો માયા દેવી, ચેતના અને નિર્મળાને ઇંટો બનાવવાનું અને વેચવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. 'સખી મંડળ'ની બહેનોને તાલીમ આપ્યા પછી તેમને ઉત્પાદન શરૂ કરવા માટે કાકરડા ગામે જમીન આપવામાં આવી હતી.

છેલ્લા દસ મહિનામાં આ મંડળે છ લાખ કરતાં વધુ ઇંટો બનાવીને વિવિધ ગામોની 5000 બહેનોને રોજગારી પૂરી પાડી હતી. આ પ્રવૃત્તિ એટલી તો લોકપ્રિય બની હતી કે હાલમાં છ સખી મંડળો પણ એજન્સીમાં ઉત્પાદન અને વેચાણની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

'તેમનો વેપાર શરૂ કરી શકાય એટલા માટે અમે તેમને 'સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના' હેઠળ સહાય આપી રહ્યા છીએ. અમે બે હેતુસર આ યોજના શરૂ કરી હતી, એક તો ગ્રામીણ મહિલાઓને રોજી પૂરી પાડવી અને બે ગેરકાયદે બનાવવામાં આવતી ઇંટોની પ્રવૃત્તિને રોકવી. અમારી યોજનાના પ્રારંભિક અહેવાલ ખૂબ સારા છે અને આ યોજનામાં વધુ મહિલાઓ જોડાય અમે એવા પ્રયાસો કરી રહ્યા છીએ' એમ ડાંગ જિલ્લાના અધિકારી બિપીન ભટ્ટે કહ્યું હતું. આ યોજનામાં લોકો પણ તેમને ઘણો સારો સહકાર આપી રહ્યા છે. (ગુજરાત ટાઇમ્સ, નડિયાદમાંથી સાભાર)