એક અમદાવાદી ભારતીય નાગરિકને પાકિસ્તાનમાં થયેલો ધારણાથી અલગ અનુભવ

- રાજેન્દ્ર-રૂપલ દેસાઈ
ઘણા લાંબા સમયનું પાકિસ્તાન જવાનું મારું સપનું ઈન્ટરનેશનલ કૉન્ફરન્સને લીધે સાકાર થયું. સ્કૂલ સેફ્ટી પરની કૉન્ફરન્સ ઈસ્લામબાદમાં હતી, જેમાં હાજરી આપીને હાલમાં જ હું પરત ફર્યો. ત્યાં રહેવાનું ફક્ત બે દિવસ અને ત્રણ રાત જ મળ્યું, તે પણ હૉટલ સેરેના ઈન્ટરનેશનલ અને હોલીડે ઈન જેવામાં અને ખાસ કરીને ઘણા ભણેલા ચુનંદા લોકોના સાથમાં. બહુ ભરચક કાર્યક્રમ અને ખૂબ જ ઓછો સમય હોવા છતાં મને હૉટલરૂપી કેદમાંથી બહાર જવાનો મોકો મળી ગયો.

ત્યાંના કોઈ પણ ઐતિહાસિક સ્થળ કે પછી યાદગીરી માટેની વસ્તુઓ ખરીદવા જવાનો સમય નહોતો, પરંતુ મારા સ્વભાવની વિરુદ્ધ મેં થોડાઘણા ભણેલા અને સામાન્ય લોકો સાથે વાતો કરવાનો મોકો ઝડપી લીધો. જો તમે મને પૂછશો કે મારી ટ્રીપ બાબત હું શું વિચારું છું, તો જરૂરથી કહીશ કે એ ખૂબ જ સરસ આંખ ઊઘાડે એવી અને લાગણીસભર રહી. અને એટલે જ લોકો શાંતિની વાતો કરી રહ્યા છે અને બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ અને શંકાનું વાતાવરણ ઘટે એ માટે લોકોથી લોકોનો સંપર્ક વધે એ વાતની હિમાયત કરતા આવ્યા છે.

મને ત્યાંના લોકો ખૂબ જ વિવેકી લાગ્યા. વિમાનમથકમાં જમીન પર અને વિમાનમાં કર્મચારીઓ ખૂબ જ નમ્ર હતા. લાહોરમાં હું અને મારા સાથીદાર ભૂલથી ખોટી ફ્લાઈટમાં ચઢી ગયા હતા અને અમારી સીટ પર બીજાને બેઠેલા જોયા ત્યારે અમે એકને ઉઠાડી શક્યા હતા અને મેં બીજી જ સીટ પર જમાવી દીધું. પરંતુ, થોડીવારમાં જ અમને અમારી ભૂલ સમજાઇ ગઈ હતી. આ ભૂલ કરવા છતાં વિમાનના કર્મચારીઓ એકદમ શાંત અને નમ્ર હતા. જ્યારે અમારી ફ્લાઈટ માટે જાહેરાત થઈ ત્યારે પણ બહાર જવાના દરવાજા તરફ જવામાં અહીં હોય છે એમ જરા પણ ભાગંભાગ જોવા ન મળી. એ જ રીતે એરપોર્ટ પર અને વિમાનમાં જવા માટેની લાઈન પણ જોવા ન મળી. લાહોરનું નવું એરપોર્ટ પણ મેં જોયેલાં બીજાં ઘણાં એરપોર્ટ કરતાં જુદું જ છે. એમાં ઘણો ઓછો કાચ વપરાયો છે. અને એ લાહોર જેવા ગરમ પ્રદેશ માટે ખરેખર જ ઇચ્છનીય છે. લાહોરનું એરપોર્ટ મોટા રેલવે સ્ટેશન જેવું લાગે છે. એરપોર્ટનું છાપરું 20 ફૂટ ઉપર હોવા છતાં ફક્ત 8 ફૂટ ઊંચાઈ સુધી જ કાચ વાપરવામાં આવ્યો છે. આખું એરપોર્ટ અને ત્યાંનાં બધાં બાથરૂમ એકદમ ચમકતા સાફ નજરે પડ્યાં, જે બીજાં ઘણાં વિદેશી એરપોર્ટની સાથે સરખાવી શકાય. આપણે ત્યાં હોય છે એમ મેં કશે પણ વાયર લટકતા ન જોયા કે ન જોયું તૂટેલું ખરાબ હાલતનું કશું જ. ટી.વી. સ્ક્રીન પર કોઈ મુલ્લા પ્રાર્થના કરતા નજરે પડવાને બદલે પાકિસ્તાનના પ્રખ્યાત પોપ ગાયક નજરે પડ્યા. એરપોર્ટ પર ઘણી મહિલાઓ નજરે પડી, જેમણે બુરખા નહોતા પહેર્યા. પરંતુ, ઘણાનું માથું ઢાંકેલું હતું.

ઈસ્લામબાદમાં એરપોર્ટથી ગામમાં જતા ઍક્સપ્રેસ રસ્તા પર ટ્રાફિક સરળ હતો. આપણે ત્યાં ઘણી વખત ડ્રાઇવર બે લેનની વચમાં લાઈન પર જ ચલાવતા નજરે પડે છે. ત્યાં એવું નહોતું. ત્યાં રસ્તા પર હોર્ન વગાડવાનું પણ નહીવત્ હતું.

અમને બધાને સુરક્ષાનાં કારણોસર જયાં સુધી હોટલમાં હોઈએ ત્યાં કૉન્ફરન્સનો બેજ પહેરી જ રાખવાની સૂચના આપવામાં આવી હતી. છેલ્લાં થોડાં વરસોમાં જે જાતના ત્રાસવાદી હુમલાઓ થયા છે એ કારણોસર આવો સુરક્ષાપ્રબંધ જરૂરી હશે એવું માની શકાય.

કમનસીબે આપણી બાજુના કશ્મિરમાં લોકોએ ભૂંકપ સુરક્ષિત બાંધકામની પદ્ધતિ સમજ્યા વગર બહારની સામગ્રી અને ટેકનોલૉજી વાપરીને ઘરો બનાવ્યાં, જેમાંથી ઘણાં બધાં ઘરો આજે નબળાં ગણી શકાય. ત્યાંનાં શહેરોમાં હું જેમને મળ્યો એમાંથી ત્રણ જણા કારાકોરમ પહાડો તરફના ઉત્તરપશ્ચિમ પ્રોવિન્સના ગીલગીટ અને હુંઝામાંથી આવેલા હતા. એ ત્રણે જણા 'આગા ખાન પ્લાનિંગ અને બિલ્ડીંગ સર્વિસ' સાથે સંકળાયેલા છે. આ કૉન્ફરન્સનું એમણે જ આયોજન કર્યું હતું. આ લોકો ભવિષ્યમાં પાંચ સ્કૂલોની ધરતીકંપ સામેની અસુરક્ષા ઓછી કરવા માટે રેટ્રોફિટિંગ કરવાનું વિચારી રહ્યા છે એટલે એમણે હું એ ભાગમાં પાછો આવું એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. મારા આઈઆઈટીના દિવસોમાં આ કારાકોરમ વિસ્તારના પર્વતારોહણનાં વર્ણન હું હંમેશાં વાંચતો હતો. એ વખતે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો, કે હું આ પ્રદેશમાં કોઈ દિવસ જઈ શકીશ. ફક્ત ચમત્કાર જ આ આમંત્રણ સાકાર કરી શકે, કારણ કે આજે તો કોઈ પણ ભારતવાસીને ત્યાં જવાની પરવાનગી મળતી જ નથી, કારણ કે આ ભાગ ભારત સાથેની સરહદ પાસેનો છે. ફક્ત પહેલા અને છેલ્લા સત્ર વખતે કુરાનમાંથી વાંચીને પ્રાર્થના કરવામાં આવી હતી અને કોઈ કોઈ પાકિસ્તાનના વક્તાએ ઈસ્લામિક ગ્રિટિંગ્સથી પોતાની વાત શરૂ કરી હતી. એ સિવાય આ કૉન્ફરન્સ પાકિસ્તાનમાં હોય એવું જરા પણ લાગતું નહોતું. બધા જ ભાગ લેનારાએ પશ્ચિમી ઢબનાં કપડાં અથવા પારંપરિક પાકિસ્તાની કપડાં પહેર્યાં હતાં. અહીં ઘણી પાકિસ્તાની મહિલાઓ પણ હતી. એક બે જણને છોડીને દરેક મહિલાએ પારંપરિક વસ્ત્રો પહેર્યાં હતાં. બધાએ માથું ઢાંક્યું નહોતું.

કૉન્ફરન્સ પતી ગયા પછી અમે પાસેની એક માર્કેટમાં ગયા હતા. અહીં એક જ એવી દુકાન હતી, જ્યાં થઈ અમે ભારત લઈ જવા માટે કંઈ ખરીદી શકીએ. આ એકદમ સાધારણ સાદી કપડાંની દુકાન હતી જેમાં સલવાર-કમીઝ માટેનું કપડું મળતું હતું. આ ખરીદવામાં અને ભાવતાલ કરવામાં અમે સાદા પઠાણી ડ્રેસ પહેરેલા જુવાન દુકાનવાળા સાથે સરસ વાતોમાં પડ્યા. અમે ક્યાંથી આવ્યા છીએ તે જાણવા માટે એ ઈચ્છુક હતો. એને ખબર પડી કે અમે ભારતથી આવ્યા છીએ ત્યારે એણે તરત જ કહ્યું, તમે તો અમારા મહેમાન છો, અને ઠંડું પીણું લીધા વગર હવે જઈ નહીં શકો. એણે જણાવ્યું કે એનાં થોડાં સગાં દિલ્લીમાં રહે છે અને 'ઈન્શાઅલ્લાહ' કોઈ દિવસ એ એમની મુલાકાત લેશે. આ દુકાનદાર બહુ ભણેલો અને ઊંચા વર્ગનો નહોતો, પણ એક સામાન્ય માણસ હતો.

હું જાણું છું કે મારું અવલોકન એક ખૂબ જ નાના ભાગની પ્રજા અને પ્રદેશને આવરે છે. ખૂબ જ થોડા લોકોના કટ્ટરવાદી વિચારોને બાજુ પર મૂકીએ તો મને હજુ એમ લાગે છે કે મોટાભાગના લોકોમાં સામાન્ય બુદ્ધિ હજુ છે અને આવા લોકો સરહદની બંને બાજુ માટે સારી લાગણીઓ ધરાવે છે.

છેલ્લે તારણમાં હું કહીશ કે સરહદની બંને બાજુ ધાર્મિક કટ્ટરવાદીઓ હોવા છતાં આપણા ઉપખંડમાં શાંતિ આવશે એવી હજુ પણ આશા છે અને આ આશા જીવિત રાખવામાં એ જુવાન દુકાનદાર જેવાનો ઘણો મોટો ફાળો છે.