'આખું ભલે હો ગામ અભણ, છોડવું નથી, શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી'

- કિશોર પાઠક
દસેક વર્ષ પહેલાં 'ચરખા' સાથે પરિચય થયો ત્યારે આવી જ લાગણી એની આખી ટીમમાં દેખાઈ હતી. સતત મહેનત કરતી આ સંસ્થાના લેખકો, પત્રકારો અને સંશોધકોએ કામને પૂજાની માફક પવિત્ર ગણ્યું છે ને એટલે જ 'ચરખા' એના જેવી બીજી સંસ્થાઓથી નોખી તરી આવે છે.

હંમેશા કંઈક નવી જ વાત, નવી સમસ્યા અને હૃદયસ્પર્શી રજૂઆત લઈને આવવામાં તેઓ અગ્રેસર રહ્યા છે. એમના મોટા ભાગના અહેવાલો વાચવાની તક મળી છે ને એના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે, 'ચરખા'ના કાર્યકરોને ક્યારેય સ્થળ કે સમયનાં બંધનો નડ્યાં નથી. શું કહેવું છે એ વિશે તેઓ હંમેશાં સ્પષ્ટ અને નિર્ભય રહ્યા છે ને એ જ તેમનું મોટામાં મોટું જમા પાસું છે.

'ચરખા'ના યોગદાનને ફૂટપટ્ટીથી માપવાનું શક્ય નથી. જ્યાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા નથી પહોંચી શક્યા ત્યાં એ પહોંચી શક્યું છે. બંને માધ્યમોએ મોટેભાગે ક્રિમિન્લ્સ, પોલિટિશિયન્સ અને બૉલિવુડના એક્ટર્સને ગ્લોરીફાય કર્યા છે ત્યાં 'ચરખા'એ સમાજના શોષિત અને ઉપેક્ષિત નાના માણસને વધુ મહત્ત્વ આપ્યું છે. ટુકડે ટુકડે કચડાતા, મરતા માનવીઓની હૃદયદ્રાવક વાતો રજૂ કરી છે. એમના શોષણની, સમસ્યાઓની, પીડાઓની અને ઇચ્છાઓની અસરકારક રજૂઆત કરી છે.

આટલું પૂરતું નથી. આ સંસ્થાએ એના અહેવાલો પ્રગટ કરીને એ પણ સાબિત કર્યું છે કે, સમાજમાં બધા ખરાબ નથી. મીડિયાએ હંમેશા સમાજનો વિકૃત ચહેરો જ લોકોને બતાવ્યો છે ત્યારે 'ચરખા'એ એવા અનેક લોકોની કહાણીઓ રજૂ કરી છે જેમણે વિપરિત સંજોગોમાં એકલે હાથે સમાજ કલ્યાણનું કામ કર્યું છે ને બીજાને પણ પ્રોત્સાહિત કર્યા છે. 'ચરખા'એ ગરીબી, બેકારી, બાળમજૂરી, બીમારીઓ, શોષણ સહિત અનેક સમસ્યાઓનું વાસ્તવિક ચિત્ર સમાજ સમક્ષ રજૂ કર્યું છે.

દલિતો, મહિલાઓ, બાળકો, વિકલાંગો અને પ્રજ્ઞાચક્ષુઓ વિશે તો ઘણી વાસ્તવિક વાતો રજૂ કરી છે. સંઘર્ષ કરીને સફળતા મેળવનારી આવી વ્યક્તિઓના અનેક કિસ્સા એણે રજૂ કર્યા છે. પાંખ વિનાનાં પારેવાં જેવા વિકલાંગોની સંઘર્ષ કથા હોય કે મહિલાઓનાં આંદોલનો હોય, 'ચરખા'એ એ બધું જ અસરકારક ભાષામાં રજૂ કર્યું છે. એના દ્વારા સમાજને અનેક રેતીનાં રતન વિશે જાણવા મળ્યું છે.

આ સંસ્થાની એક બીજી ખાસિયત પણ ગમી જાય એવી છે. કોઈ પણ મુદ્દો કે સમસ્યા હોય એને જરાય અતિશયોક્તિ કે આડંબર વિના સમાજ સામે મૂકવા. સદનસીબે આ બધી વાતો સરકાર અને પ્રજાના પ્રતિનિધિઓ સુધી પહોંચતી હોય છે જેના કારણે એક સંનિષ્ઠ પ્રયાસ સફળ થાય છે.

કારકિર્દી દરમ્યાન વિકાસ-ગોષ્ઠિ કે 'ચરખા'ના કાર્યકરો સાથે પ્રવાસ ખેડવાનું શક્ય નથી બન્યું, પણ એક-બે યાદગાર કિસ્સા યાદ છે- 'ચરખા'ની ટીમે ઘણાં વર્ષો પહેલાં 'સકલી' નામની એક ગરીબ ગ્રામીણ યુવતીનો કિસ્સો મને આપ્યો હતો જેને મેં અખબારમાં રજૂ કર્યો હતો. 'સકલી'ની એ હૃદયદ્રાવક ઘટના વાંચ્યા પછી અનેક વાચકોએ ફોન કરીને એના પ્રત્યે હમદર્દી દાખવી હતી.

થોડાં વર્ષો પૂર્વે એક બીજો કિસ્સો બન્યો હતો- 'ચરખા'એ અંબાજી વિસ્તારના આદિવાસી વિસ્તારની ગરીબ મહિલાઓ પરિવારનું ગુજરાન ચલાવવા દેહવિક્રય કરે છે જેના કારણે એઇડ્સનો ખતરનાક ફેલાવો થાય છે એવો અહેવાલ આપ્યો હતો. આના આધારે અખબારમાં એક વિસ્તૃત ન્યૂઝ સ્ટોરી અમે છાપી હતી જેના કારણે અંબાજી વિસ્તારના કેટલાક આદિવાસી અગ્રણીઓ અને ગરીબ આદિવાસી મહિલાઓને અનૈતિક ધંધામાં ધકેલનાર દલાલોની ધમકીઓ મળી હતી. "કેસ કરીશું... અખબારનો બહિષ્કાર કરીશું... નકલો બાળી નાખીશું..." એમ કહીને ડરાવવાના નિષ્ફળ પ્રયાસો થયા હતા, પણ અંતે કશું ન થયું.

વિકાસલક્ષી પત્રકારત્વનો વ્યાપ વધારવા કે એના મુદ્દાઓને મુખ્ય પ્રવાહનાં માધ્યમોમાં યોગ્ય/નિયમિત સ્થાન મળે એ માટે સૌ પહેલાં તો મુખ્ય પ્રવાહોનાં માધ્યમોનો દૃષ્ટિકોણ બદલાય એ જરૂરી છે. નેગેટિવિટી એટલી હાવી થઈ ગઇ છે કે, પ્રથમ એનો ઇલાજ કરવો જરૂરી છે. મુખ્ય પ્રવાહનાં માધ્યમોમાં જે વ્યક્તિઓ સૌથી ઉપર બેઠા છે એમને કન્વીન્સ કરવા પણ જરૂરી છે. વિકાસલક્ષી પત્રકારત્વની અત્યારે ખૂબ જરૂરી છે, પણ કમર્શિયલ ફિલ્મો સામે એક્સપેરિમેન્ટલ ફિલ્મોની અને ખાનગી ન્યૂઝ ચેનલો સામે દૂરદર્શનની થઈ તેવી હાલત એની ન થઈ જાય તે જોવું જરૂરી છે.

'ચરખા'ની ટીમ અને સંચાલકો નિડર અને સાહસિક છે. આ બાબતે તેઓ કંઇક વિચારતા જ હશે એવી આશા છે. અત્યારના સંજોગો જોતાં 'ચરખા'એ ગ્રામ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, કેટલાક અહેવાલોમાં જે-તે જગ્યાના અગ્રણીઓ, શિક્ષિતો, સમાજ સેવકો, સરકારી અધિકારીઓ, લોકપ્રિય સંતો વગેરેના વિચારો પણ રજૂ કરવા જોઈએ. આ પ્રયત્ન અહેવાલની સત્યતા સાબિત કરવા માટે નહીં, પણ સમાજના બહોળા વર્ગને અહેવાલ પ્રત્યે આકર્ષવા માટે ઉપયોગી નીવડી શકે.