'ચરખા' ફેલોશિપ અંતર્ગત થયું સંશોધન - રેશનિંગની પારાવાર સમસ્યાઓ ભોગવી રહ્યા છે સૌરાષ્ટ્રના લોકો

છેલ્લા બે મહિના દરમ્યાન સૌરાષ્ટ્રના સાત તાલુકાઓમાં 'ચરખા' ફેલોશિપ હેઠળ થયેલા એક અભ્યાસમાં સૌરાષ્ટ્રના લોકોની અન્ન સુરક્ષા જોખમમાં હોવાનું તારણ નીકળ્યું છે. મોટા ભાગના તમામ ગામોમાં તંત્રની ખોટી મોજણીના કારણે અનેક ગરીબ પરિવારો રેશનના લાભથી વંચિત હોવાનું જાણવા મળ્યું છે. ઘણાં ગામોમાં રેશનકાર્ડ વિનાના પરિવારોની સંખ્યા પણ હજારોમાં છે. દુકાનોના ભ્રષ્ટાચારને કારણેય ગરીબો સુધી પૂરતું રાશન પહોંચતું નથી.

દરેક લોકોને પૂરતું અન્ન મળી રહે અને કોઈ ભૂખ્યું ન રહે એવા હેતુથી દરેક પરિવારને સરકાર રેશનકાર્ડ આપે છે, પણ સૌરાષ્ટ્રમાં આ રેશનકાર્ડ જ એક સમસ્યા બની ગયું છે. વિકાસલક્ષી પત્રકારત્વનું ખેડાણ કરતી સંસ્થા 'ચરખા' દ્વારા દર વર્ષે પત્રકારત્વના વિદ્યાર્થીઓને અપાતી ફેલોશિપ અંતર્ગત રાજકોટના વિદ્યાર્થી અજય કાનાણીએ કરેલા અભ્યાસમાં સૌરાષ્ટ્રના લોકોની અન્ન સલામતી ભારે જોખમમાં હોવાનું તારણ નીકળ્યું છે. રેશનિંગની દુકાનોની ગેરરીતિના અહેવાલો છાશવારે અખબારોમાં ગાજતાં રહે છે, પરંતુ આ સંશોધનમાં રેશનકાર્ડ ન હોવાના અને હોવા છતાં અન્ન ન મળવાના તેમ જ ગરીબોને એપીએલ કાર્ડ પધરાવી દીધાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના કુલ સાત તાલુકાઓનાં 17 ગામોમાં 'ચરખા'ના ફેલો દ્વારા દિવસો સુધી ફરીને જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, તે જોતાં અન્નસુરક્ષા અને 'બધું બરાબર' હોવાના ઘણાય દાવાઓના ચીથરાં ઊડ્યાં છે. મોરબી-વાંકાનેર જેવા ઉદ્યોગધામોની પાડોશમાં વસેલાં ગામોમાં પણ લોકો રેશનિંગની પારાવાર સમસ્યાઓ ભોગવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના ગુંગણ ગામમાં લોકોને મળતું અનિયમિત અને અપૂરતું રેશન તેમ જ ગામલોકોના રેશનકાર્ડમાં આગામી બે-બે મહિનાની કરવામાં આવતી એન્ટ્રી ભયંકર ભ્રષ્ટાચારનો પુરાવો આપે છે. વાંકાનેર તાલુકાના નવા-ધમલપર ગામમાં ખોટી મોજણીના કારણે આખું મજૂર ગામ એપીએલ બની ગયું છે. આ તમામ પરિવારોને કાળા બજારનું મોંઘા ભાવનું અનાજ ખરીદવાની ફરજ પડે છે અને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે.

'ચરખા'ના ફેલોએ અભ્યાસમાં જણાવ્યા મુજબ, આ સંશોધનમાં લગભગ તમામ ગામોમાં તંત્રની આવી ખોટી મોજણીનો ભોગ ગરીબ પરિવારો જ બન્યાં છે. ગામેગામ ગરીબ અને મજૂર પરિવારો, ઝૂંપડાવાળા લોકોને પણ ગરીબી રેખા ઉપરનાં રેશનકાર્ડ આપવામાં આવ્યાં છે. આ પરિવારને કેરોસિન સિવાય કોઈ વસ્તુ નથી મળી શકતી. પરિણામે, આ ગરીબ પરિવારને કાળ બજારનું અનાજ ખરીદવું પડે છે.

આ ઉપરાંત, ગામેગામ 'બંગલાવાળા લોકો' પાસે પણ બીપીએલ રેશનકાર્ડ હોવાના અનેક કિસ્સા આ સંશોધન દરમિયાન જાણવા મળ્યા છે. કેટલાંક ગામોમાં તો સમૃદ્ધ પરિવારો બીપીએલમાં મળતું અનાજ ગરીબોને બમણાં કે ત્રણગણાં ભાવે વેચી મારે છે એવું પણ જોવા મળ્યું છે. તો, આવા કેટલાય સમૃદ્ધ બીપીએલ કાર્ડવાળા પરિવારો રેશન ખરીદતાં જ નથી, પરિણામે તે અનાજ દુકાનદારને કામ આવે છે. પ્રસ્તુત અભ્યાસમાં માળિયા(મિયાણાં) તાલુકાના વીર વિદરકા, ખાંભા તાલુકાના ભાવરડી, જાફરાબાદ તાલુકાના બાબરકોટ અને ભાંકોદર તેમ જ શિહોર તાલુકાના વળાવડ, ચોરવડલા અને ઉસરડ ગામમાં આવી ખોટી મોજણીના ભોગ બનેલા ઘણા પરિવારો જોવા મળ્યા છે. સંશોધનમાં ધારી તાલુકાના કરમદડી ગામમાં એક વિચિત્ર સમસ્યાનો લોકો ભોગ બનતા હોવાનું બહાર આવ્યું છે. આ ગામમાં વીસ જેટલા પરિવારોના રેશનકાર્ડમાં 'ગેસ છે' લખી દેવામાં આવ્યું છે, આ પરિવારો કહે છે કે, 'અમે ગેસ જોયો સુધ્ધાં પણ નથી.' એટલે આ પરિવારોને કેરોસિન પણ મળતું નથી. આ પરિવારો માટે રેશનકાર્ડ મૃતપાય બની ચૂક્યાં છે.

આ અભ્યાસમાં સરકાર દ્વારા લોકોને અપાતા લોહતત્ત્વથી ભરપૂર એવા ફોર્ટિફાઇડ લોટ વિશે પણ તપાસ કરવામાં આવી છે. આ બધું જ લોહતત્ત્વ ગામડાંઓના ઘેટાં-બકરાં અને ઢોરને ઉપયોગી થઈ રહ્યું છે. કારણ કે, આ લોટ એટલો સડેલો, દુર્ગંધ મારતો અને ભૂંસાથી ભરપૂર જોવા મળ્યો કે, ગરીબ માણસો પણ એની રોટલી નથી બનાવતા અને ઢોરને ખવડાવી દે છે.

આ ઉપરાંત, સુપ્રિમ કૉર્ટે રેશનિંગની દુકાનો માટે જાહેર કરેલા નિયમો પણ આ અભ્યાસ હેઠળનાં ગામોમાં ક્યાંય પળાતા જોવા નથી મળ્યા. મોટાં ભાગનાં ગામોમાં દુકાનને બૉર્ડ જ નથી લાગેલાં, તેમ જ અન્ય વિગતો દર્શાવતાં બૉર્ડ પણ ગાયબ છે. આ ઉપરાંત, અઠવાડિયાના છ દિવસ રોજના 8 કલાક દુકાન ખુલ્લી રાખવાના નિયમને પણ દુકાનદારો ઘોળીને પી જાય છે. આ ગામોમાં આખા મહિનામાં માત્ર બે-ત્રણ દિવસ જ દુકાન ખુલતી હોવાનું ગામલોકોએ જણાવ્યું છે. જેના કારણે લાંબી લાઇનો જામે છે અને કેટલાય પરિવારો રેશન વિનાના પણ રહી જાય છે.