આગમી 26મી જુલાઈના રોજ 'મેન્ગ્રુવ્ઝ આપણો કુદરતી વારસો' એ સૂત્ર સાથે નવસારી જિલ્લાના ધોલાઈ બંદર ખાતે 'આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ્ઝ દિવસ'ની ઉજવણી કરવામાં આવશે

ચેર કે તવર તરીકે ઓળખાતી આ વનસ્પતિનું વાવેતર ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા
6000 હૅક્ટર કરતાં પણ વધારે વિસ્તારમાં કરવામાં આવ્યું છે


આજે આખી દુનિયામાં 'ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ' જેવી સ્થિતિની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા થઈ રહી છે. તેવા સંજોગોમાં દરિયાકાંઠામાં વસતા માનવ સમુદાય,માલમિલકત અને પશુધનને વિનાશકારી દરિયાઈ વંટોળ તેમ જ સુનામી જેવી ઘટનાઓ સામે મેનગ્રુવ્ઝ રક્ષણ આપે છે. આપણી સ્થાનિક ભાષામાં મેન્ગ્રુવ્ઝને 'ચેર' કે 'તવર' તરીકે ઓળખવામાં આવે છે.

સ્થાનિક લોકસમુદાયો તેમ જ જનસમાજમાં મેન્ગ્રુવ્ઝ વનસ્પતિના રક્ષણ બાબતે લોકજુવાળ ઊભો થાય અને દરિયાકાંઠા પર ઉગતી આ વિરલ વનસ્પતિના સંવર્ધન-સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ આવે એ માટે 'ગુજરાત ઇકોલોજી કમિશન' કાર્યરત છે. મેન્ગ્રુવ્ઝના મહત્ત્વને સમજીને દર વર્ષે 26મી જુલાઈનો દિવસ 'આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યનો 1650 કિમી લાંબો દરિયાકિનારો આખા ભારતમાં સૌથી વધારે લંબાઈ ધરાવે છે. તે રીતે ગુજરાતમાં આ દિવસની ઉજવણીનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. એટલે જ 'ગુજરાત ઇકોલોજી કમિશન' દ્વારા 26મી જુલાઈ રવિવારના રોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠા પર વસેલા ધોલાઈ બંદર ખાતે 'મેન્ગ્રુવ દિવસ'ની ઉજવણી યોજાવાની છે. રાજ્યના વન મંત્રીશ્રી મંગુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમીઓ, ગ્રામજનો, સરકારી અધિકારીઓ અને આમ નાગરિકો ભાગ લેશે.

અત્રે એ નોંધનીય છે કે 'ગુજરાત ઇકોલોજી કમિશન' દ્વારા ગુજરાત રાજ્યમાં છેલ્લાં 7 વર્ષમાં 6,000 હૅક્ટર કરતાં પણ વધારે વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. વર્ષ 2009-2010 દરમ્યાન કમિશન દ્વારા લગભગ 2000 હૅક્ટરથી વધુ વિસ્તાર ચેરના વાવેતરથી આવરી લેવામાં આવશે. આ વાવેતર ખંભાતના અખાતના વિસ્તારમાં સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી કરવામાં આવશે. નવસારીના ધોલાઈ બંદર ખાતેના ઉજવણી સમારંભમાં 'મેન્ગ્રુવ આપણો કુદરતી વારસો' શીર્ષક હેઠળ મેન્ગ્રુવનું મહત્ત્વ સમજાવતી ગોષ્ઠિ રચવામાં આવશે. ગુજરાત ઇકોલોજી કમિશન' દ્વારા જાહેર જનતાને ધોલાઈ બંદર ખાતે સવારે 10 વાગ્યે યોજનારા આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.