સાભાર

પુસ્તક મિત્ર છે
આપણા એકાંતનું,
તે વડીલ છે સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણા બાળકનું.

પુસ્તક તમે ખોલો છો તેની સાથે જ
ખૂલવા લાગે છે તમારું હ્રદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તમને અરીસાની જેમ જોઇ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઇને
ઊભું હોય છે અજવાળું પાથરવા.
અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રધ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે.
પુસ્તક હૂંફ છે,ટેકો છે.
પુસ્તક બહાર અને ભીતરને જોડતો સેતુ છે.
પુસ્તક વિનાનો કોઇ માણસ ફરીપાછો કોઇ આરંભકાળનો
આદિવાસી બની જાય
તે પહેલાં ચાલો,
પુસ્તક્નાં જગતમાં પ્રવેશ કરીએ.
રાજેશ વ્યાસ ’મિસ્કીન’
’ઉદ્દેશ’ માસિક