મુશ્કેલીઓને આંબીને ગામને વિકાસના પંથે લઇ જતા માલંગદેવ ગામના એકલવીર છગનભાઈ

- નેહા પંડ્યા
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાથી 45 કિમી દૂર આવેલું માલંગદેવ નામનું ગામ સરેરાશ ભારતીય ગામડાની છાપને ઉજાગર કરે છે. ગામમાં વીજળી, પાણી, આરોગ્ય જેવી માળખાગત સુવિધાનો અભાવ જોવા મળે. વર્ષોથી એક જ ઘરના વ્યક્તિઓ સરપંચ તરીકે ચૂંટાય તેવો વણલખ્યો નિયમ. બંદૂકની ધાકથી ગ્રામવાસીઓને ડારો આપનારા સરપંચથી લોકો હંમેશાં ફફડતા હતા. આ વાત છે આપણા એક ગામડાની. આ સમગ્ર પરિસ્થિતિમાંથી પસાર થયેલા છગનભાઈએ પોતાના ગામની રોનક કઈ રીતે બદલી તે જાણવામાં આપણને સૌને રસ પડશે.

છગનભાઈનો ઉછેર અને અભ્યાસ સોનગઢમાં જ થયો હતો. 10 ધોરણ સુધી ભણેલા છગનભાઈ ગામડાની પીડિત અને શોષિત પ્રજા માટે કંઈક કરવા માંગતા હતા. પ્રજાને લાચારીમાંથી મુક્તિ અપાવવા માંગતા હતા. પોતાના આ વિચારોને સાકાર કરવા તેઓએ ચોક્કસ દિશામાં લક્ષ્યબદ્ધ બનીને ડગ માંડ્યા. પ્રથમ તો તેમણે ગ્રામવાસીઓના વિકાસમાં નડતર રૂપ પાયાના પ્રશ્નો શોધી કાઢ્યા અને સોનગઢમાં ચાલતા 'કાનૂની સહાય અને માનવઅધિકાર કેન્દ્ર' તથા 'આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ' જેવી સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લઈ તેના સભ્ય બનીને તાલીમાર્થી પણ બન્યા. સંસ્થામાંથી જુદાજુદા મુદ્દા અંગેની તાલીમો પણ મેળવી.

ગામલોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે સતત બહાર રહેતા છગનભાઈને એક દિવસ તેમની માતા દ્વારા જાણ થઈ કે ગામમાં ડેમ બંધાવાનો છે અને તેની માપણીનું કામ પણ શરૂ થઈ ગયું છે. છગનભાઈએ આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે ગામનાં 50 ટકા ખેતરો ડેમ માટેની જગ્યામાં જતાં હતાં. તેની નોટિસ પણ મૂકાઈ ગઈ હતી, પણ અભણ ગામવાસીઓ આ ઘટનાક્રમથી અજાણ હતા.

છગનભાઈએ સંસ્થાના કાર્યકરોનો સાથ લઈને ગામલોકોને આ બધી બાબતોથી માહિતગાર કરાવવાનું નક્કી કર્યું. ખેતરના માલિકોને પૂછતાં જાણ થઈ કે સરપંચે કોઈ કાગળ પર અંગૂઠા પડાવ્યા હતા. ખેતમાલિકો એ બાબતથી બિલકુલ અજાણ હતા કે તેમની મિલકતના સોદા બારોબાર થઈ રહ્યા છે. એ વાતથી ખેતમાલિકો બિલકુલ અજાણ હતા. જે લોકોની જમીન કપાતમાં જઈ રહી છે તે લોકોને વળતર મળે તે માટે છગનભાઈએ સરપંચ સામે રજૂઆત કરી. જ્યારે ગામ લોકોએ પણ રજૂઆત કરી ત્યારે 'હવે બધું થઈ ગયું છે તમારો આમાં કઈ ભાગ નથી.' એમ કહીને અપમાનિત કરીને સરપંચે ધૂત્કારી દીધા. છગનભાઈને પણ મારી નાખવા સુધીની ધમકીઓ આપવામાં આવી.

પરંતુ, આમ હારી કે ડરી જાય તો છગનભાઈ શાના? તેમણે ધાક ધમકીને વશ થયા વગર ફરી એક વાર મિટિંગ બોલાવી અને ગામની બહેનો પણ આ કાર્યમાં સાથ આપે તેવી વાત રજૂ કરી. અન્ય જગ્યાઓએ બનેલા ડેમનું ઉદાહરણ આપી, ડેમના લાભાલાભ, વિસ્થાપિતોની પરિસ્થિતિ અને મળતી મદદ વિશે લોકોને જાગૃત કર્યા. વાતમાં તથ્ય હોવાથી કરવંદા અને લાંગડ નામનાં ગામડાં પણ આ કાર્યમાં જોડાયાં. બસ, પછી તો પૂછવું જ શું? સંસ્થાએ ગામલોકો તરફથી અરજી લખીને તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી અને સિંચાઈ વિભાગમાં મોકલી આપી. જ્યાં સુધી તેમને વળતર નહીં મળે ત્યાં સુધી ડેમનું કામ શરૂ નહિ થાય તેવા નિર્ધાર સાથે ગ્રામવાસીઓએ સરપંચ મનુભાઈની ધમકીને પણ ગણકારી નહીં.

સરકાર તરફથી ચોક્કસ જવાબ ન મળતાં ગામની બહેનો જ્યાં ડેમનું કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગઈ અને કામ અટકાવી દીધું. આ ઘટનાક્રમ સતત 3-4 દિવસ સુધી ચાલ્યો. આખરે કલેક્ટરે ગામલોકોને મળીને લેખિતમાં બાંયધરી આપી કે એક જ મહિનામાં વળતર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, છગનભાઈએ અન્ય પડતર પ્રશ્નોની રજૂઆત કરીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું. બહેનોએ સરપંચના કાળા કરતૂતો વિશે માહિતી આપી. આથી કલેક્ટરે મનુભાઈને કચેરીએ બોલાવીને છેલ્લી નોટિસ આપીને બધાં જ કામો સાથ-સહકાર આપીને પૂર્ણ કરવાની તાકીદ કરી. 'સંપ ત્યાં જંપ' એ ન્યાયે મનુભાઈ પણ સરળ બન્યા, પરંતુ છગનભાઈ માટેની કડવાશ તો યથાવત જ રહી. આથી છગનભાઈને હેરાન કરવામાં તેમણે કોઈ કસર રાખી નહોતી, પરંતુ પરોપકારના યશની ધૂણી ધખાવીને બેઠેલા છગનભાઈએ આ મુશ્કેલીઓને ગણકારી જ નહીં ને મક્કમ પગલે આગળ વધતા રહ્યા.

આજે છગનભાઈનું ગામ બધી જ માળખાગત સુવિધાઓ ધરાવે છે. એ બધું જ છગનભાઈના અથાગ પ્રયત્નોને આભારી છે. જો ભારતના દરેક ગામમાં એકાદ વ્યક્તિ પણ છગનભાઈ જેવી 'એકલવીર' થાય તો છેવાડાના લોકોનો વિકાસ થતા કોઈ અટકાવી શકે નહીં. છગનભાઈને આ તમામ કાર્ય માટે ધન્યવાદ આપવા જ પડે, કારણ કે તેમના પ્રયત્નોથી ન કેવળ માલંગદેવ પણ આજુબાજુનાં ગામડાઓમાં પણ લોકો જાગૃત થયા. આજે આ ગ્રામીણ વિસ્તારના લોકો વિકાસનાં મીઠાં ફળ પણ માણી રહ્યાં છે.