બાળમજૂરી નાબુદી માટે અને શિક્ષણનો મૂળભૂત કાયદો બનાવવા બાળકોનો સંસદસભ્યોને ખુલ્લો પત્ર

બાળમજૂરી નાબુદીનો સૌથી સારો વિકલ્પ સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ છે તેવું વિશ્વ બાળમજૂરી નાબૂદીના દિવસે બાળમજૂરી વિરોધી ઝુંબેશ (સીએસીલ) યોજાયેલા એક કાર્યક્રમમાં બાળકોએ નવા ચૂંટાયેલા લોકસભાના સભ્યોને જાહેર પત્ર લખીને જણાવ્યું છે. બાળમજૂરી અને પ્રાથમિક શિક્ષણ એક સિક્કાની બે બાજુઓ છે.

જો બધાં જ બાળકો ભણવાનો મૂળભૂત અધિકાર ભોગવતાં હશે તો મજૂરીના સ્થળે કોઈ પણ બાળક હશે નહીં, તેવા સંદેશા સાથે બાળકોએ માગણી કરી હતી કે લોકસભામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો તાત્કાલિક પસાર કરાવવો જોઈએ. યુપીએ સરકારનાં છેલ્લાં પાંચ વર્ષમાં કોમન મિનિમમ પ્રોગ્રામમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો છતાં પણ, તેનું પાલન કરવામાં આવ્યું નથી. જ્યારે ફરીવાર યુપીએ સરકારને સત્તા મળી છે ત્યારે બાળકોનાં હિતોને પ્રાધાન્ય આપીને ઝડપથી નિર્ણયો લેવાવા જોઈએ. તાજેતરમાં 'આંતરરાષ્ટ્રીય બાળમજૂરી વિરોધી દિવસ' નિમિત્તે અમદાવાદમાં સરદાર બાગ ખાતે યોજાઇ ગયેલા નવતર કાર્યક્રમમાં એકત્ર થયેલાં બાળકોના પ્રતિનિધિઓએ જાહેરમાં પત્રો લખીને સંસદસભ્યોને આગ્રહ કર્યો છે.

ગુજરાતની સ્થાપનાનાં પચાસ વર્ષની ઉજવણી વખતે એક પણ બાળક નિશાળમાં ભણ્યા વગર ન રહે, તો ગુજરાતમાં સંપૂર્ણ બાળમજૂરી નાબૂદી થાય, તો સ્વર્ણિમ ગુજરાતની આ સિદ્ધિ ગણાવી જોઈએ. ગુજરાતની પહેલી વિધાનસભાએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961 બનાવ્યો છે, જેનું પાલન થવું જરૂરી છે. કાયદાનું અસ્તિત્વ હોવા છતાં તેનો બિલકુલ અમલ ન થવાની ચિંતા કરતાં બાળકોએ ગુજરાતના તમામ રાજકીય પક્ષોના ધારાસભ્યોને પણ જાહેર પત્ર લખીને મોકલ્યો છે.

પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેલાં બાળકો સૌથી વધુ પછાત રહી ગયેલા સમાજના હોવાથી તેમના માટેની દરકાર ઓછી લેવાય છે, તેવી લાગણી વ્યક્ત કરતાં બાળકોએ આવતા મહિનામાં લોકસભાના સભ્યો અને ગુજરાતના ધારાસભ્યોને રૂબરૂ મુલાકાતનો ફૉલો-અપ કાર્યક્રમ બનાવ્યો છે. રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહીને ગુજરાત સરકાર અને ભારત સરકારે બાળકોના તમામ કાર્યક્રમો કરવા જોઈએ. બાળકોનું પ્રાથમિક શિક્ષણ એ આવતીકાલના રાષ્ટ્રનિર્માણનો પાયો છે.

'બાળમજૂરી વિરોધી ઝૂંબેશ' સાથે જોડાયેલી સંસ્થાઓના કાર્યકરો ઉપરાંત, સમાજનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાળકોએ ગીતોના માધ્યમથી બાળઅધિકારોની તેમ જ તેમનાં સપનાઓની રજૂઆત કરી હતી. શિક્ષણ જેવા માનવ વિકાસના મુદ્દાઓથી દૂર રહીને ઓછા મહત્ત્વના મુદ્દા પર ખેલાતા રાજકારણ તરફ લોકોની નારાજગી વધતી જાય છે. શિક્ષણના ખાનગીકરણ અને બજારીકરણને કારણે ગરીબ બાળકોને સારું શિક્ષણ નહીં મળે તો અસમાનતા વધશે, જે ગુજરાતની શાંતિ અને સમૃદ્ધિની મુશ્કેલીઓમાં વધારો કરશે તેવો મત કાર્યક્રમ દરમ્યાન લોકોએ વ્યક્ત કર્યો હતો.