પત્રકારે સ્ત્રીઓ વિશેની વિપરીત માનસિકતામાંથી બહાર નીકળવું જોઈએ

ઇલા પાઠક
પત્રકારો સ્ત્રીઓને કેવી રીતે જુએ છે તેના પર સ્ત્રી વિશેના તેમના આલેખનનો આધાર છે. પુરુષની સમકક્ષ માનવી તરીકે સ્ત્રીને જોનાર પત્રકાર સ્ત્રીના વિકાસ વિશે કશું પણ લખી શકે. અત્યારે મોટે ભાગે જે કાંઈ વિકાસલક્ષી મુદ્દાઓ કે પ્રયાસો આલેખાયેલા જોવા મળે છે તેમાં કેન્દ્રમાં પુરુષોનો વિકાસ હોય છે અને તેને પૌરુષેય દૃષ્ટિથી જોવામાં આવે છે. સ્ત્રીઓને લગતા વિકાસલક્ષી મુદ્દા હંમેશાં જુદા પાડીને જોવાતા નથી. જેને પુરુષલક્ષી વિકાસ કહેવાય તેને જ સ્ત્રીલક્ષી વિકાસ કહી શકાય તેવું હંમેશાં બનતું નથી. ઉદાહરણ તરીકે, કોઈ એક નહેર દ્વારા કેટલાંક ગામોને પાણી મળતું થશે તેવા સમાચાર હોય તો તે સર્વલક્ષી સમાચાર કહેવાય તેવી સમજ હોય. સર્વમાં સ્ત્રી સમાઈ ગઈ તેમ વિચારાય, છતાં સ્ત્રીઓને લગતો એક પ્રશ્ન અનુત્તર રહે. નહેરનાં પાણી સીધાં ખેતરમાં વાળવાની સગવડ હોય, પણ સ્ત્રીઓને ઘરકામ માટે, કપડાં ધોવા માટે પાણી જોઈએ તેની કોઈ સગવડ કરાઈ છે ખરી કે કેમ તેવા સવાલ ગ્રામીણ સ્ત્રીઓ ભલે ન ઉઠાવે, પણ ભણેલોગણેલો પત્રકાર ઉઠાવે ખરો? એવા પ્રશ્નો ઊઠતા થશે ત્યારે સ્ત્રીઓને લગતી વિચારણા શરૂ થશે અને ત્યારે જ પત્રકારોની કલમે તે પ્રતિબિંબિત થશે.

સ્ત્રીઓના મુદ્દાઓને જુદા પાડી જોવા પણ જરૂરી છે. તે જુદા પાડ્યા પછી મળેલી માહિતીનું વિશ્લેષણ કરવું પણ તેટલું જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, સૌરાષ્ટ્રમાં સરપંચ તરીકે ચૂંટાયેલી સ્ત્રીઓ સરપંચ તરીકે પંચાયતની સભાઓમાં જતી નથી, કેમ કે તેઓ ઘૂમટો કાઢે છે અને તેથી મિટિંગમાં તેમની હાજરીનો કોઈ અર્થ રહેતો નથી. આ કારણ દેખીતું છે અને વારંવાર રજૂ કરાયું છે. સંવેદનશીલ પત્રકાર ભાળ મેળવી શકે કે મોટી ઉંમરની સ્ત્રીઓ જ સરપંચ તરીકે હોય અને તેમણે ઘૂમટો ખેંચવાનો હોતો નથી તો તેઓ સરપંચ તરીકે પંચાયતની સભાનું અધ્યક્ષપણું કરે છે કે નહીં. આ મુદ્દામાં થોડી ખણખોદ કર્યાથી સમજાય કે સ્ત્રીઓ અધ્યક્ષતા કરતી નથી, કેમ કે પુરુષો દ્વારા તે કરવા દેવામાં આવતી નથી. એક વાર પત્રકાર આ વિચારણા સુધી પહોંચે પછી તેનાં રહસ્યો ઉકેલી શકે, નહીં તો સ્ત્રીઓ વિશેના બીબાઢાળ અહેવાલો તે લખતા રહે.

સ્ત્રીઓ પ્રત્યે આચરાતા ગુનાઓ વિશે પત્રકારોનો અભિગમ પીડિત સ્ત્રી પ્રત્યે હમદર્દીનો હોય તે જરૂરી છે. બળાત્કારનો ગુનો બને ત્યારે તેને સનસનીખેજ સમાચારમાં પલટાવવાને બદલે હકીકતો રજૂ કરવામાં આવે તે જરૂરી છે. આવું જ અન્ય ગુના સંદર્ભે છે. પોતાનો અહેવાલ 'મસાલેદાર' બનાવવાના લોભમાં પત્રકાર જુગુપ્સાકારક વિગતો આલેખે કે સ્ત્રી પર આચરાતા ગુનામાં તેનો પોતાનો જ અભિગમ શંકાસ્પદ હતો તેમ વારંવાર કહે છે. વિશ્વામિત્રને મેનકાઓ જ ચળાવે, એક વાર રાવણની નિશ્રામાં રહી આવેલી સીતાને રામ ન જ સ્વીકારે એવા ખ્યાલોથી ભરેલી માનસિકતામાંથી પત્રકારે બહાર નીકળવું ખૂબ જરૂરી છે.

વિકાસમાં સ્ત્રીની ભાગીદારી કઈ કઈ રીતે હોય તે વિચારવા માંડીએ તે પહેલાં વિકાસ સ્ત્રીઓને આવરી લઈને થાય છે કે કેમ તે પૂછવાની જરૂર છે. સ્ત્રી વિશે અમારી એવી સમજ છે કે સ્ત્રીને જીવતા રહેવા સામે જ એટલા બધા અંતરાયો નડે છે કે તેને વિકાસ તરફ કૂચ કરવા મળતી જ નથી. આમ છતાં, સ્ત્રીની વિકાસમાં ભાગીદારી હોય તે જરૂરી છે તેથી તેના અનેક આયામો થયા કરે છે. વિકાસના મુદ્દાઓમાં શિક્ષણ અને આરોગ્ય મુખ્ય છે. કન્યાકેળવણી રથ ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી ફરતો કરાયો છે, પણ કન્યાકેળવણી વધતી નથી તેવું આંકડાઓની મદદથી કહી શકાય તેમ છે. સ્ત્રીઓના આરોગ્યની ચિંતા સરકાર કરે છે એમ કહેવાય છે, પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દાક્તર, નર્સ, દવા વગેરે હોતાં નથી તે વિશે અથવા તાલુકાના નગરમાંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકોલૉજિસ્ટની નિમણૂક જ નથી કે નિમાયેલા દાક્તરો હાજર રહેતા નથી કે ગરીબ સ્ત્રીઓના ઇલાજ કરવા દાક્તર સક્રિય થતા નથી એવી વિગતો તપાસ કરીને મેળવી શકાય અને તે માહિતી અખબારો-સામયિકો દ્વારા પ્રસારી શકાય. સ્ત્રીઓના વિકાસમાં, ખાસ કરીને તેમના સ્વાસ્થ્યને અનુલક્ષીને બાધક હોય તો તે અંધશ્રદ્ધાને પોષતી જમાત. આ બધા વિશે પત્રકારો સક્રિય થઈ જાય તો ગુજરાતમાં સ્ત્રીઓનો વિકાસ હરણફાળે થાય. તો ઉઠાવીશું આવા મુદ્દા? આવા મુદ્દે સક્રિય થઈને અનેક સંસ્થાઓ પ્રયત્નશીલ હોય છે. તેમના પ્રયાસોને પ્રકાશમાં લાવવા મથીશું? અમે સ્ત્રીઓ આ બંને પ્રશ્નોના ઉત્તરો હકારમાં જ આપીશું. હવે જવાબ તમારે આપવાનો છે.
(શ્રી ઇલાબહેન પાઠક, 'અવાજ' સંસ્થાનાં વડાં છે.)