કચ્છના નાના રણમાં યોજાઈ ગયેલી લઘુ શોધયાત્રાએ સૌને નમકનું ઋણ યાદ કરાવ્યું

'સૃષ્ટિ' અને 'ગણતર' સંસ્થા દ્વારા યોજાઇ ગયેલી લઘુ શોધયાત્રા દરમ્યાન 23 વિશિષ્ટ જ્ઞાનધારકોનું બહુમાન થયું
- સંજય દવે
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામમાં રહેતાં 34 વર્ષનાં ભાનુબહેન ચાવડા વૈદ્ય છે. દસમું ધોરણ ભણેલાં ભાનુબહેન ઘણા બધા ઉપચારો વિશે જાણકારી ધરાવે છે. ગામ-પરગામના લોકો સારવાર માટે તેમની પાસે આવે છે. પેટનો દુખાવો, આંખ આવવી, શ્વાસની બીમારી, વા જેવા રોગોનો તેઓ ઉપચાર કરે છે.

ઝીંઝુવાડાના જ જગદીશભાઈ ગજ્જર મીઠા ઉદ્યોગને વધુ ને વધુ ઉત્પાદક બનાવવા માટે મથી રહ્યા છે. ડિઝલ અને ઓઈલના ભાવ વધવાની સામે મીઠાનું ઉત્પાદન મળે નહીં અને વેચાણમાં તેના ભાવ પણ ન મળે ત્યારે ગાંઠના રૂપિયા ખોવાનો વારો આવે. મીઠા ઉદ્યોગ છેલ્લાં બે-ત્રણ વર્ષથી બંધ થવાને આરે હતો. એ મુશ્કેલીના સમાધાન માટે જગદીશભાઈએ એક સાથે 10 મોટર ચાલે એવું મશીન બનાવ્યું છે. પહેલાં એક મશીનથી એક મોટર ચાલતી હતી. હવે ખર્ચ વહેંચાઈ જવાથી સસ્તું પડશે.

પાટડી તાલુકાના જ જૈનાબાદ ગામના રસુલભાઈ વ્હોરા વૈદ્ય છે. 60 વર્ષના રસુલભાઈ આજુબાજુનાં 45 ગામો તેમ જ પાટણ, મહેસાણા, અમદાવાદ અને કચ્છ જિલ્લાનાં ગામો સુધી પોતાની વૈદ્યકીય સેવાઓ વિનામૂલ્યે પહોંચાડે છે. દેશી દવા બનાવવાના તેમના કૌશલ્ય બદલ તેમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયો છે. તેઓ જૈનાબાદ ગામની હાઇસ્કૂલના સંચાલક મંડળમાં પણ છે. રસુલભાઈ હાડવૈદ્ય, પશુવૈદ્ય અને માનવવૈદ્ય તરીકે ખૂબ જાણીતા છે.

જૈનાબાદથી જઇએ ખારાખોડા (જૂના ગામ). ત્યાં અંબુભાઈ પટેલ રહે છે. મીઠાના અગરમાં કાળી મજૂરી કરતા અગરિયાઓની મુશ્કેલીઓને અખબારોના માધ્યમથી વાચા આપવાનું કામ તેઓ કરી રહ્યા છે. પોતે પણ અગરિયાના પુત્ર છે એટલે અગરિયાઓના પ્રશ્નોને સારી રીતે સમજે છે. પત્રકારત્વની સાથેસાથે તેઓ અદ્ભૂત ફોટોગ્રાફી પણ કરે છે. અગરિયાઓની વેદનાને તેમણે કચકડે કંડારી છે.

ઉપરોક્ત વ્યક્તિઓ જેવી કુલ 23 ખાસ જ્ઞાનધારક વ્યક્તિઓનું હમણાં બહુમાન કરવામાં આવ્યું. બહુમાન ક્યાં અને કયા નિમિત્તે થયું એ પણ જાણવા જેવું છે. અમદાવાદ સ્થિત જાણીતી સંસ્થા 'સૃષ્ટિ' અને અગરિયાઓનાં બાળકોનાં શિક્ષણ માટે કાર્યરત 'ગણતર' દ્વારા સંયુક્ત રીતે એક 'લઘુ શોધયાત્રા' યોજાઇ ગઇ. આમ તો 'સૃષ્ટિ' દ્વારા અત્યાર સુધીમાં આખા દેશમાં 22 શોધયાત્રા યોજાઇ ચૂકી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વચ્છરાજ બેટ - ઝીંઝુવાડાથી ખારાખોડા સુધી તા. 11થી 14 મે, 2009 દરમ્યાન યોજાઇ ગયેલી 'લઘુ શોધયાત્રા'માં ઉપરોક્ત જ્ઞાનધારકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિષમ પરિસ્થિતિમાં કાળી મજૂરી કરતા અગરિયાઓના સામાજિક-આર્થિક વિકાસના વિકલ્પો વિચારવા અને અગરિયાઓની સાંસ્કૃતિક જીવનશૈલી અને જીવનસંઘર્ષને સમજવાના ખાસ હેતુથી આ શોધયાત્રા યોજાઇ હતી.

શોધયાત્રામાં 'સૃષ્ટિ'ની ટીમ સાથે સંસ્થાના મોભી પ્રૉફેસર અનિલભાઈ ગુપ્તા (આઈઆઈએમ) અને 'ગણતર'ની ટીમ સાથે, સંસ્થાના અગ્રણી-બાળ અધિકાર ક્ષેત્રે કાર્યરત સુખદેવભાઈ પટેલ પણ સતત જોડાયેલા રહ્યા હતા. યાત્રામાં કુલ મળીને સોએક યાત્રીઓ હતા. યાત્રીઓમાંના એક જ્ઞાનધારક અંબુભાઈ પટેલ કહે છે કે, "અત્યંત કપરી સ્થિતિમાં મીઠું પકવતા અગરિયાઓના સાથીઓ કૂતરું, કબૂતર અને સાઇકલ છે. આ ત્રણેય અગરિયાઓને વિષમ પરિસ્થિતિમાં કામ કરતા રહેવા માટે ખૂબ સધિયારો પૂરો પાડે છે." તેમની વાતને સમર્થન આપતા પ્રૉફેસર અનિલ ગુપ્તાએ ખૂબ રસપ્રદ વાત કરી. આ શોધયાત્રા દરમ્યાન કોમી એખલાસની અને કબૂતરની અગરિયાના રક્ષક તરીકેની ભૂમિકા અંગે તેમણે સરસ વાત કરી. કચ્છના નાના રણના મીઠાના અગરો પાસે અગરિયાઓ ખારું પાણી મેળવવા કૂવા ખોદે. એ કૂવામાં ખોદનાર ઉતરે ત્યારે કૂવામાંથી નીકળતા ઝેરી કાર્બન મોનોક્સાઇડ વાયુનો ભય રહે. પરંતુ, અગરિયાના સાથી એવાં કબૂતર તરત જ કાર્બન મોનોક્સાઇડને પારખી જાય અને કૂવાની બહાર ઉડવા લાગે. પરિણામે કૂવો ખોદવા ઉતરનાર અગરિયાને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે દોઢ મિનિટ જેટલો સમય મળી જાય.

'ગણતર'ના સુખદેવભાઈ કહે છે, "સતત વિટંબણાઓની વચ્ચે જીવતા આ વિસ્તારના લોકોએ ક્યારેક પ્રસંગોપાત તેમની અમીરાઈ અને ઉશ્કેરાટને પ્રગટ કર્યો છે પણ વિદ્રોહ કર્યો નથી. અહીં પીવાનું પાણી નથી, દૂધ નથી, દવા નથી, વીજળી નથી, નિવાસ નથી." આ તમામ 'નથી' વચ્ચે તેમના જીવનનો આગવો સંઘર્ષ છે. આ મીઠા કામદારો કુદરતના સથવારે ઝઝુમીને જગત આખાને સ્વાદ પ્રસરાવે છે.

અગરિયાઓની સમસ્યાઓ ઉકેલવા અનેક સંવેદનશીલ લોકોએ નોંધપાત્ર પ્રયત્નો કર્યા છે. ભૂપતરાય દેસાઇ, વજુભાઈ મહેતા, ડૉ. કુરિયન, દિલીપભાઈ રાણપુરા, સનતભાઈ મહેતાએ ઘણાં વર્ષો પહેલાં કંઈક મથામણ કરી હતી. જ્યારે છેલ્લાં દશ વર્ષ દરમ્યાન પ્રૉ. અનિલ ભટ્ટ, ડૉ. વસંત પરીખ, હરવિલાસબહેન-કાંતીભાઈ, ઇલાબહેન ભટ્ટ, અરવિંદભાઈ આચાર્ય, ઇન્દુભાઈ જાની, ભવાનસિંહ ઝાલાની હૂંફથી આજે અગરિયા જાતે સંગઠિત થયા છે. સુખદેવભાઈની આગવી દૃષ્ટિ અને સંવેદનશીલતાથી રણમાં 'ગણતર'ની શાળાઓ શરૂ થઇ છે. કાચાં ઝૂંપડાં જેવાં માળખામાં ચાલતી આ શાળાઓમાં બહારનો કોઈ શિક્ષક આવે નહીં અને આવે તો ટકે નહીં. એટલે 'ગણતર' દ્વારા અગરિયા કુટુંબના યુવાનોને જ તાલીમ આપીને શિક્ષક તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. આવા નિષ્ઠાવાન શિક્ષકોનું પણ શોધયાત્રાના સમાપન પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું હતું.

લઘુ શોધયાત્રાએ ફરી વાર આપણને સૌને 'નમકનું ઋણ' યાદ કરાવ્યું છે. આપણે ત્યાં કહેવત છે ને: 'જેનું નમક ખાધું હોય એનું ખરાબ ન કરાય." તો ચાલો, આપણે પણ અગરિયા બંધુઓના વિકાસમાં યથાશક્તિ પ્રયાસ કરીને મીઠાનું ઋણ ઉતારીએ.