ગુજરાતની એક સ્વૈચ્છિક સંસ્થાએ નોખો ચીલો ચાતર્યો

નાણાકીય સહાય-ખર્ચ અને વહીવટી બાબતો ખુલ્લેઆમ જાહેર કરવાનો એક સંસ્થાનો સરાહનીય પ્રયોગ
'પર્યાવરણ મિત્ર' સંસ્થાએ લોકસુનાવણી યોજીને પોતાની 10 વર્ષની કામગીરી, નાણાં, વહીવટ વગેરેનો હિસાબ આપ્યો

- સંજય દવે
પંચમહાલ જિલ્લામાં આવેલી એક ફેક્ટરી દ્વારા ખૂબ પ્રદૂષણ ફેલાતું હતું. પ્રદૂષણથી ત્રાસેલા સ્થાનિક લોકોએ એ ફેક્ટરી સામે આંદોલન શરૂ કર્યું, સાથે ગુજરાતની વડી અદાલતમાં તે અંગે એક જાહેર હિતની અરજી કરવામાં આવી. કાયદાકીય અને ટેકનિકલ જ્ઞાનના અભાવે આ કિસ્સામાં લોકોને ન્યાય ન મળ્યો. પરિણામે અમદાવાદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા 'જનવિકાસ'ના એક ઘટક 'સામાજિક ન્યાય કેન્દ્ર'માં એન્વીરો લિગલ સેલ સ્થાપવાનું વિચારવામાં આવ્યું. પ્રદૂષણ રોકવા માટે કેવા પ્રકારની ટેકનિકલ માહિતી મેળવવી અને તેનો કાયદાકીય ઉપયોગ કેવી રીતે કરવો તેની મથામણ એ સંસ્થાના મોભીઓએ શરૂ કરી. એ મથામણોના અંતે વર્ષ 1998માં કામની દિશા મળી અને એક મહત્ત્વનું ઘટક રચાયું. બે વ્યક્તિઓથી શરૂ થયેલું એ ઘટક આજે 'પર્યાવરણ મિત્ર' નામની સંસ્થા તરીકે ગુજરાતમાં ખૂબ જાણીતું છે.

પર્યાવરણને લગતા કાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવી, અદાલતોના ચૂકાદાઓ અને નિર્દેશોનું અસરકારક અમલીકરણ કરાવવું જેવાં અનેક કાર્યો 'પર્યાવરણ મિત્ર'ના નેજા હેઠળ થઈ રહ્યાં છે. પર્યાવરણ ઇજનેર યુવાન મહેશ પંડ્યાના નેતૃત્વમાં સંસ્થાની ટીમ ગ્રામીણ વિસ્તારોની પર્યાવરણીય પરિસ્થિતિનું નિરીક્ષણ કરતી રહે છે. પર્યાવરણીય શિક્ષણ-જાગૃતિ, મોસમ પરિવર્તન (ગ્લોબલ વૉર્મિંગ), લોકપેરવી જેવી પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણની સમતુલા જાળવવાનું અત્યંત મહત્ત્વનું કામ ખૂબ ઓછાં સંસાધનોથી થઈ રહ્યું છે એ 'પર્યાવરણ મિત્ર'ની એક મોટી સિદ્ધિ ગણવી જોઈએ.

ગુજરાતમાં પર્યાવરણીય લોકસુનાવણીને સાચા અર્થમાં સક્રિય અને અસરકારક બનાવવામાં 'પર્યાવરણ મિત્ર'નું ખૂબ મોટું યોગદાન છે. પર્યાવરણ સુરક્ષા ધારા-1986 હેઠળ પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન કરવા અંગેનું જાહેરનામું 1994માં બહાર પડ્યું હતું. તેમાં નવા સ્થપાતા કે વિસ્તૃત થતા અને પ્રદૂષણ ફેલાવી શકે તેવા ઉદ્યોગો માટે પર્યાવરણીય સંમતિ ફરજિયાત બનાવાઈ હતી. તેનાથી આગળ વધીને ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયે પર્યાવરણીય સંમતિમાં લોકભાગીદારી આવે તે હેતુથી 1997માં પ્રદૂષણ ફેલાવી શકે તેવા 28 પ્રકારના ઉદ્યોગો માટે પર્યાવરણ સંમતિ ફરજિયાત બનાવી. એટલે કે દરેક ઉદ્યોગે 'રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ' દ્વારા આયોજિત પર્યાવરણીય લોકસુનાવણીની પ્રક્રિયામાંથી ફરજિયાત પસાર થવું પડે. આ નિયમ અમલમાં આવ્યા પછી 'પર્યાવણ મિત્ર'એ 20 લોકસુનાવણીઓમાં હાજરી આપી. અનુભવોના પરિપાક રૂપે સંસ્થાએ લોકસુનાવણીમાં રહેલી અનેક ત્રૂટીઓ પ્રકાશમાં લાવી અને તે દૂર કરવા માટે ગુજરાતની વડી અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરી. વડી અદાલતે સંસ્થાની અરજી પર ખાસ ધ્યાન આપીને મહત્ત્વના નિર્દેશો આપ્યા. પરિણામે લોકસુનાવણીઓ તો અસરકારક બની જ, સાથેસાથે વંચિતો-પીડિતોને જે-તે પ્રોજેક્ટથી થયેલા અન્યાય સામે ન્યાય મળ્યો. આ તો થઈ લોકસુનાવણીઓને અસરકારક બનાવવાની થોડીક વાત. સંસ્થાએ પેરાલિગલ તાલીમ, પુસ્તક પ્રકાશન વગેરે જેવી પ્રવૃત્તિઓ આદરીને સરકારી વિભાગો તથા ઔદ્યોગિક એકમોને જવાબદેહી બનાવવાની દિશામાં મહત્ત્વની પહેલ કરી છે.

હવે જવાબદેહિતા દાખવવાનો વારો હતો સ્વૈચ્છિક સંસ્થાઓનો. 'પર્યાવરણ મિત્ર'એ એમાં પણ પહેલ કરીને સામાજિક સંસ્થાઓને ઉત્તરદાયી અને પારદર્શી બનવાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું. છે. 'પર્યાવરણ મિત્ર' દ્વારા પર્યાવરણીય લોકસુનાવણીમાં સહભાગી બનીને પર્યાવરણીય પ્રશ્નોમાં લોકભાગીદારીના મુદ્દાને મહત્ત્વ આપવામાં આવતું. એ અનુભવના આધારે 'પર્યાવરણ મિત્ર'ની છેલ્લાં દશ વર્ષની કામગીરીને મૂલવવા માટે લોકસુનાવણીનું માધ્યમ પસંદ કરાયું. સંસ્થાકીય પ્રવૃત્તિઓ, તમામ હિસાબો, નિયામક સહિતના સ્ટાફનો પગાર, ટ્રસ્ટીમંડળના સભ્યોની યાદી સંસ્થાને મદદ કરનાર નાણાકીય સંસ્થાઓનાં નામ, મિલકતો વગેરેની લગતી તમામ વિગતો એક જાહેર કાર્યક્રમ યોજીને રજૂ કરવામાં આવી. આવા સાવ જુદા અને જરૂરી કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો, સરકારી અધિકારીઓ, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ, પર્યાવરણીય સલાહકારો, વકીલો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, જાગૃત નાગરિકો વગેરે મળીને 300થી વધુ નિસ્બતધારકોએ ભાગ લીધો હતો.

આ લોકસુનાવણીની નિર્ણાયક સમિતિમાં રાજ્ય સરકારના 'વન અને પર્યાવરણ વિભાગ'ના અગ્ર સચિવ ડૉ. એસ. કે. નંદા, 'ગૂજરાત વિદ્યાપીઠ'ના કુલનાયકશ્રી સુદર્શન આયંગાર, 'આનંદી' સંસ્થાનાં નીતા હાર્ડીકર, 'નરોડા એન્વીરો પ્રોજેક્ટ લિમિટેડ'ના ચેરમેન શૈલેષ પટવારી સભ્યો તરીકે, તેમ જ અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્ય માહિતી આયુક્ત શ્રી આર. એન. દાસ ઉપસ્થિત હતા.

'પર્યાવરણ મિત્ર'એ પોતાની સામાજિક જવાબદારી તેના વહીવટ, કામગીરીની પારદર્શકતા અને નિસબતધારકો પ્રત્યેની નિષ્ઠા તથા ખુલ્લાપણાથી સાર્થક કરી. લોકસુનાવણી પછી પણ 'અભી સંઘર્ષ જારી હૈ'ના નાતે ટીમના સભ્યો મહેશ પંડ્યા, અરૂણ સોલંકી, મહેશ પરમાર, ભૂપત સોલંકી, ધારા ગજ્જર, આજ્ઞા પંડિત, પ્રવિણ વાઘેલા, ફાલ્ગુની જોષી અને હિરલ મહેતા પોતાની ખાસ ક્ષમતા સાથે પર્યાવરણ જતન માટે મથી રહ્યા છે. હિંમતવાન, પારદર્શક, ઉત્તરદાયી એવા આ પર્યાવરણ મિત્રોને ઘણી ખમ્મા!!!