સ્થાપિત હિતોની ઐસીતૈસી કરીને ગરીબો-વંચિતોને ન્યાય અપાવનાર હાઇ કૉર્ટના પ્રખર ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલ

- સંજય દવે
ગુજરાતની વડી અદાલતનું દૃશ્ય છે. નામદાર ન્યાયાધીશ સમક્ષ એક વિખ્યાત ઍડવોકેટ ગરીબોને ન્યાય અપાવવા માટે દલીલો કરી રહ્યો છે. ગરીબો, વંચિતો, પીડિતોના હામી એવા આ ઍડવોકેટને નામદાર ન્યાયાધીશે પૂછી જ લીધું: 'આવા કેસો લાવીને તમે શું કરવા ધારો છો? તમારો ઇરાદો શું છે?' ઍડવોકેટે એક ક્ષણનો વિલંબ કર્યા વગર તરત જ કહ્યું, "નામદાર સાહેબ, હું તમારી ઉંઘ હરામ કરવા માંગુ છું.ગરીબોનો ચિતાર રજૂ કરીને તેઓ નામદાર ન્યાયાધીશને પરિસ્થિતિથી વાકેફ કરવા અને સંવેદના જગાવવા માંગતા હતા. માનવ અધિકારના પુરસ્કૃતા આ ખ્યાતનામ ઍડવોકેટ એટલે શ્રી ગિરીશભાઈ પટેલ. ગિરીશભાઈ એટલે મહેણાં-ટોણાં સહન કરીને, પૈસાની ખેવના રાખ્યા વગર શોષિતો અને વંચિતો માટે આજીવન લડતા રહેનાર એક ઉમદા વકીલ. એટલે જ એમના જમાઈ અને જાણીતા ગાયક સંજયભાઈ ઓઝાએ તેમના માટે ગાયેલું ગીત ગિરીશભાઈ માટે બંધબેસતું છેઃ
"સરવૈયાની ઐસીતૈસી, સરવાળાની ઐસીતૈસી,
જીવની સાથે જીવી લીધું, ધબકારાની ઐસીતૈસી."

ગુજરાતની મજૂર ચળવળના કાર્યકર્તાઓ, કર્મશીલો તેમ જ મહિલાઓ, નબળા વર્ગો, દલિતો, આદિવાસીઓ, મજૂરો વગેરે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો વચ્ચે કાર્યરત એવા સૌ કોઇ માટે ગિરીશભાઈ પટેલ એક સ્વજનનું સ્થાન ધરાવે છે. 'લોક અધિકાર સંઘ'ના નેજા હેઠળ ગિરીશભાઈએ ન્યાયી સમાજરચના માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. 'ગુજરાત લૉ કમિશન'ના સભ્ય તરીકે અને સિટી લૉ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે પણ તેમણે ઉમદા ફરજ બજાવી છે. વિકાસના નામે થતાં આદિવાસીઓનાં વિસ્થાપનો, ઝૂંપડપટ્ટીના વિસ્થાપિતો, આદિવાસીઓ, દલિતો, મહિલાઓ, લઘુમતીઓ ઉપર થતા બેરહમ અત્યાચારો વખતે ગિરીશભાઈ હાઇ કૉર્ટ-સુપ્રિમ કૉર્ટમાં તેમ જ શેરીઓમાં સૌ પીડિતોના પક્ષમાં ખભેખભા મિલાવીને ઊભા રહ્યા છે. સત્તાના રાજકારણથી અલિપ્ત રહીને, હાઇ કૉર્ટ અને સુપ્રિમ કૉર્ટ સુધી ગાંઠના ખર્ચે કેસ લડીને ગરીબોને ન્યાય અપાવનાર, આંગળીના વેઢે ગણી શકાય એવા થોડા વકીલોમાં ગિરીશભાઈનું નામ અગ્રહરોળમાં લેવું પડે. સ્થાપિત હિતોની કશી જ શેહશરમ રાખ્યા વગર ગિરીશભાઈ ખુમારીથી જીવ્યા છે અને લડ્યા છે.

વંચિતોના અનેક કેસોમાં તેમણે વંચિતો તરફી ન્યાય અપાવ્યો છે. હજુ હમણાં જ સાબરમતી રીવર ફ્રન્ટથી વિસ્થાપિત થનારા 30,000 ઝૂંપડાવાસી પરિવારોને તેમના થકી ઘર મળી રહ્યાં છે. ગિરીશભાઈએ હાઇ કૉર્ટમાં કરેલી સચોટ દલીલોને કારણે ગુજરાત સરકારે 'જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન' હેઠળ બે રૂમ-રસોડાના મકાન આપવાની શરૂઆત કરી છે. ગરીબોને ન્યાય અપાવવાના આવા અનેક કિસ્સા મોજૂદ છે. એમાંનો એક કિસ્સો અમદાવાદના જૂના વાડજ વિસ્તારના રામાપીરના ટેકરાનો છે. ત્યાં જિતેન્દ્ર ડાભી અને તેમનાં પત્ની મંજુલાબહેન રહે. દસેક વર્ષ પહેલાં બાંધકામ સ્થળ ઉપર કામ કરતી વખતે સિમેન્ટ ભરેલી બેગ માથા પર પડતાં મંજુલાબહેનનું મૃત્યુ થયું. પત્નીના મૃત્યુનો આઘાત લાગતા જિતેન્દ્રભાઈને પણ જીવલેણ હૃદય રોગનો હુમલો થયો. હવે ઘરમાં 13 વર્ષની ભાવના અને 10 વર્ષનો અજય નિરાધાર બન્યાં. બાળકો દિવંગત પિતાની મરણોત્તર ધાર્મિક વિધિ કરતા હતા ત્યારે જ લાકડીઓ લઇને ત્રાટકેલા ગુંડાઓએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા અને ઘરને તાળું મારી દીધું.

ડાભી પરિવારના એક સ્વજન લક્ષ્મીબહેન બાળકોને લઇને નારણપુરા પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસે ફરિયાદ લેવાની ઘસીને ના પાડી દીધી. ચાર દિવસ પછી ગુંડાઓ ફરી ધસી આવ્યા અને નિરાધાર બાળકોને ધમકાવ્યા. ફરી એક સંબંધી પોલીસ સ્ટેશને ગયા. પોલીસે તેમની ફરિયાદ પણ ન જ લીધી અને ધમકાવ્યા એ જુદું. ત્યારપછી પોલીસ કમિશનર અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને પણ મળ્યા. અનેકવાર ધક્કા ખાધા પછી તેમની ફરિયાદ લેવાઈ. એ પણ એટ્રોસિટી ઍક્ટ હેઠળ નહીં, પણ આઇપીસી હેઠળ. પીડિતોને એફઆઈઆરની નકલ પણ આપવામાં ન આવી. દરમ્યાન ગુંડાઓએ નિરાધાર બાળકોનાં ઘરનો કબજો લઈ લીધો હતો.

'કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટિસ'ના વાલજીભાઈ પટેલે હાઇ કૉર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી દાખલ કરી. કૉર્ટે પોલીસ કમિશનર અને પોલીસ ઇન્સ્પેક્ટર એ બંનેને નોટિસો પાઠવી. વળી, અદાલતે બંને બાળકોના પુર્નસ્થાપનનો, તેમના નામે બૅંક એકાઉન્ટ ખોલાવીને રૂ. 5000/-ની ડિપોઝિટ જમા કરાવવાનો અને તેમના ઘરનો કબજો અપાવવાની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. 'કાઉન્સિલ ફૉર સોશ્યલ જસ્ટિસ' વતી હાઇ કૉર્ટમાં લડનાર વકીલ હતા ગિરીશભાઈ.

76 વર્ષના ગિરીશભાઈએ અત્યાર સુધીમાં ગુજરાત હાઇ કૉર્ટમાં કરેલી જાહેર હિતની અરજીઓ વિશે કોઈ લખવા બેસે તો દળદાર પુસ્તક તૈયાર થાય. શેરડી કામદારો, ઇંટભઠ્ઠાના કામદારો, ખંભાતના અકીકના કારખાનાઓના સિલિકોસિસનો ભોગ બનેલા કામદારોના સવાલો હોય કે દલિતોના શોષણ કે તેમની ઉપર થતા અત્યાચારોમાં ન્યાય અપાવવાનો હોય, ગિરીશભાઇ સતત લડતા રહ્યા છે.

હમણાં 10મી મેના રોજ ગુજરાતના કર્મશીલો, વકીલો, શિક્ષણકારો, નાગરિકો, કલાકારો વગેરે વતી 'શ્રી ગિરીશભાઈ પટેલ સન્માન સમિતિ' દ્વારા ગિરીશભાઈનું જાહેરમાં બહુમાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજસ્થાનના જાણીતા કર્મશીલ શ્રી અરૂણા રૉય મુખ્ય મહેમાન પદે હાજર હતા અને શોષિતો-પીડિતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ એ. પી. સવાણી સાહેબ અને જસ્ટિસ આર. એ. મહેતા સાહેબ સન્માન સમિતિના મોભી હતા.

આજે જ્યારે માળખાગત અને આર્થિક વિકાસની દોટમાં માનવ કોરાણે મૂકાઈ ગયો છે ત્યારે ગિરીશભાઈએ માનવ અધિકારોનું જતન કરવાની હઠ છોડી નથી. ગિરીશભાઈ જેવા ખૂબ ઓછા લોકો છે જેઓ આજે પણ શોષિતો, પીડિતો, વંચિતો માટે શ્રદ્ધાના દીવા સમાન છે.

છેલ્લે 'શૂન્ય' પાલનપુરીના ગીતમાંથી બે પંક્તિશ્રી ગિરીશભાઈને અર્પણઃ

"જ્વાળા ઉઠાવશું ને ફૂલો ખીલાવશું,
જગ ને અમારા પ્રેમનો પરચો બતાવશું."