એ ન ભૂલીએ કે આપણી આજુબાજુ સારું પણ ઘણું થઈ રહ્યું છે

- રમેશ તન્ના
ઘણા લોકો એવી માનસિકતામાં જીવતા હોય છે કે હવે વિશ્વમાં કશું સારું રહ્યું નથી. લગભગ બધું બગડી ગયું છે. મોટા ભાગનું સડી ગયું છે. કોઈના પર વિશ્વાસ મૂકવા જેવો નથી કે સારાં કાર્યો કરવા જેવાં નથી. ખરેખર સ્થિતિ જુદી છે. વિશ્વમાં એવું પણ બની રહ્યું છે જે જોઈ-જાણી આપણને નવાઈ લાગે અને સારપ નામની સ્થિતિ હજી વિશ્વમાં પ્રવર્તે છે તેવો વિશ્વાસ પણ દૃઢ થાય. ઘણી વખત તો આપણને ખબર જ નથી હોતી કે રચનાત્મક, હકારાત્મક અને માનવતાલક્ષી કાર્યો મોટાપાયે થઈ રહ્યાં છે.

પ્રિય વાચકમિત્રો, હું તમને એક જુદું અને નવું ઉદાહરણ આપું. શિક્ષણમાં આજકાલ સ્પર્ધાની અને દેખાડાની (હિંસક કહી શકાય તે હદે) બોલબાલા છે. જે વધુ ગુણ કે ટકાવારી લાવે તે શ્રેષ્ઠ! બધા વિદ્યાર્થીઓ કંઈ ટોપમાં ના આવી શકે. આપણે કદી એવો વિચાર કર્યો છે ખરો કે જે વિદ્યાર્થીઓ નબળા છે તેમનું શું? ભણવામાં થોડા કાચા હોય તેવા વિદ્યાર્થીઓનું કોણ? આપ જાણો છો કે ખેડા જિલ્લાના હરિયાળા ગામમાં એક એવું ગુરુકુળ છે જ્યાં ફક્ત ઠોઠ, નાપાસ થતા, ખેપાની, તોફાની હોય તેવા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. ધોરણ છમાં ભણતો વિદ્યાર્થી કક્કો ન લખી શકતો હોય. શું કરીશું તેનું? અહીં લઈ આવો.

છોકરો ખૂબ જ તોફાની હોય, કહ્યામાં ન રહેતો હોય, ચિંતા ના કરો. અહીંના ગુરુકુળમાં પ્રવેશ અપાવી દો. આ ગુરુકુળનું એસએસસીનું રિઝલ્ટ મોટા ભાગે 100 ટકા આવે છે. જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ગુંડા થઈ શકે તેવી શક્યતા હોય છે તે વિદ્યાર્થીઓને અહીં આદર્શ નાગરિક બનાવવાનો યજ્ઞ ચાલે છે. અનેક વિદ્યાર્થીઓના નામનું શિક્ષકો અને વાલીઓએ નાહી નાખ્યું હોય છે તેવા વિદ્યાર્થીઓ અહીં આવીને સુધરી જાય છે. ગુજરાતમાં જ નહીં, ભારતમાં વિશિષ્ટ કહી શકાય તેવું આ શૈક્ષણિક ધામ છે. બોલો, આપનામાંથી કેટલા લોકોને તેની ખબર હતી? આપણાં ગુજરાતમાં આવું સારું અને માનવતાલક્ષી તથા વિકાસલક્ષી કહી શકાય તેવું તો ઘણું બની રહ્યું છે. છતાં આવું બહાર ઓછું આવે અથવા નહિવત્ આવે.

સમાજમાં થતાં વિકાસકાર્યોને લોકો સુધી મૂકવાનું કામ, છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી 'ચરખા' નામની સંસ્થા કરી રહી છે. (આ માહિતી પણ ખાસ ક્યાં બહાર આવી છે?) આ સંસ્થા દ્વારા ગુજરાતમાં વિકાસક્ષેત્રે-રચનાત્મક ક્ષેત્રે જે કંઈ સારું અને પ્રેરક બની રહ્યું છે તે લોકો સમક્ષ મૂકવામાં આવે છે. તેના સ્થાપક હતા યુવા કર્મશીલ સંજય ઘોષ. તેમનું સ્વપ્ન હતું કે, એક એવો સેતુ રચાય જે સમાજમાં થતાં સારાં કાર્યોને લોકો સુધી મૂકે. ટૂંકમાં, સુવાસનો વધુ ને વધુ પ્રસાર કરવો. આવું થાય તો દુર્ગંધ ઘટે. તેમણે પોતાના કેટલાક મિત્રો સાથે મળીને 'ચરખા' નામની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા અત્યારે દેશના કેટલાંક રાજ્યોમાં કામ કરી રહી છે તેમાં સંજય દવેના કન્વીનર પદે ગુજરાતમાં નોંધપાત્ર રીતે તે કામ કરી રહી છે.

શું શું કરે છે આ સંસ્થા? તેનો મૂળ હેતુ છે જે લોકો વિવિધ રીતે વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ખૂંપેલા છે, રોકાયેલા છે તેઓ હકારાત્મક આલેખન કરે.

આપણી આજુબાજુ સારું તો ઘણું બની રહ્યું છે, પણ તે લોકો સુધી પહોંચતું જ નથી. વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરતા સમાજલેખકો કે કાર્યકરો પોતે પોતાના અનુભવો લખતા થાય અને એ બધી વાર્તા લોકો સમક્ષ મૂકાય તે અત્યંત જરૂરી છે. આ કામ છેલ્લાં દસ વર્ષમાં નોંધપાત્ર રીતે થયું. અંતરિયાળ ગામોમાં કામ કરતા કે અન્ય સંસ્થાઓમાં જોડાયેલા કાર્યકરોને લખતાં આવડે? ના આવડે તો શીખવવાનું. 'ચરખા' દ્વારા આ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ. આવા કાર્યકરો માટે લેખન તાલીમ શિબિરોનું આયોજન કર્યું. વળી, આવી શિબિરો જે-તે વિસ્તારમાં યોજાય. વિકાસલક્ષી કાર્યોનું આલેખન કઈ કઈ રીતે કરવું તે જે-તે વિષયના નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવ્યું. એવું નહીં જ બન્યું હોય કે બધા કાર્યકરોએ આલેખનમાં રસ લીધો હોય, પણ ઘણા કાર્યકરોને લાગ્યું કે આપણે આપણા અનુભવો અને મથામણો લોકો સમક્ષ મૂકવા જોઈએ. તેઓ પદ્ધતિસર લખતા થયા અને સારાં કાર્યોના આલેખનનો 'ચરખો' શરૂ થયો.

આપણે ગુજરાતીઓ દસ્તાવેજીકરણમાં કાચા અને મોળા છીએ. સંશોધન કે દસ્તાવેજીકરણનું મહત્ત્વ આપણે ખાસ સમજતા જ નથી. આપણે ભલા અને આપણો વેપાર ભલો! પરંતુ તેવું ના ચાલે. દસ્તાવેજીકરણનું મૂલ્ય અનેક રીતે હોય છે. 'ચરખા' દ્વારા ગુજરાતમાં આ કામગીરી ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે તેની ઘણા ઓછા લોકોને ખબર છે. હકારાત્મક વિકાસલક્ષી પ્રયાસોનું દસ્તાવેજીકરણ કરીને તેનો પ્રસાર થાય તેવા પ્રયત્નો-સફળ પ્રયત્નો થઈ રહ્યા છે.

ગુજરાતના મહત્ત્વના પ્રશ્નો ઉકેલવા કયા કયા પ્રયત્નો થઈ રહ્યા છે તેની માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. આપણે પ્રશ્ન વિશે, પરિસ્થિતિ અંગે ફરિયાદો કર્યા કરીએ, પણ એ ફરિયાદો ઉકલે કઈ રીતે તેનો વિચાર મોડો કરીએ. આ સંસ્થા એ દિશામાં નક્કર પ્રયત્નો કરી રહી છે.