જળસંગ્રહ થકી ગ્રામપુનરુત્થાનના સફળ પ્રયોગવીર પ્રેમજીભાઈ

- સંજય દવે
"રાજકોટ જિલ્લાના જામકંડરણા તાલુકાના વાવડી (સાતોદડ) ગામના
દશરથસિંહ બાપુએ 18000 રૂપિયામાં ચેકડેમ બનાવ્યો. પહેલા જ વર્ષે રૂ. 50,000ની ઉપજ થઈ. એટલું જ નહીં, એમના પાડોશી ખેડૂતને 2 0 0 મણ કપાસ વધારે થયો. વળી, આસપાસના અનેક ખેડૂતોને પણ ચેકડેમનું પાણી મળવાથી લાભ થયો એ જુદું! પહેલાં બાપુનું ખેતર ખેડવા માટે રાખવા કોઈ તૈયાર થતું નહીં. ડેમથી કૂવાનાં તળ ઊંચા આવ્યાં એટલે હવે કેટલાય ખેડૂતો ખેતર ખેડવા રાખવાનું પૂછી ગયા."

દશરથસિંહ બાપુ જેવા અનેક ખેડૂતોના જીવનમાં આવેલું આવું હકારાત્મક પરિવર્તન, 'વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ'ના પ્રેમજીભાઈ પટેલને આભારી છે. સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં પ્રેમજીભાઈને લોકો આદરપૂર્વક 'પ્રેમજીબાપા'ના હુલામણા નામથી ઓળખે. વૃક્ષપ્રેમી પ્રેમજીબાપા 1995થી 'વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ'ના નેજા હેઠળ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર અને બીજાં જિલ્લાઓનાં ગામોમાં વૉટરશેડ, વનીકરણ, ભૂગર્ભ ટાંકા વગેરે અંગેનાં કાર્યો કરે છે. 'વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ' દ્વારા થતી પ્રવૃત્તિઓ રાજકોટ જિલ્લાના જામકંડોરણા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી તથા જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, વેરાવળ, માળિયા, તાલાલા, માણાવદર, વિસાવદર તેમ જ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વ્યાપી છે.

પ્રેમજીબાપા એક મોટા ટેક્સટાઈલ એકમના વિતરક તરીકે કામ કરતા. 1975માં તેમની બદલી રાજકોટ જિલ્લાના ઉપલેટાથી મુંબઈમાં થઈ. મુંબઈમાં 1986 સુધી રહેવાનું બન્યું. તે પછી તેઓ જાન્યુઆરી 1987માં નિવૃત્ત થઈને ઉપલેટા આવી ગયા. ઉપલેટા આવીને તેમણે વૃક્ષ-બીજ વાવેતર, કૂવા રિચાર્જ અને ખેડૂતોને ચેકડેમ બનાવવા માટે 'સિમેન્ટ-ટેકો' આપવાનાં કાર્યો શરૂ કર્યાં. જોકે, એ પહેલાંની વાત પણ રસપ્રદ છે. 1960ના અરસામાં પ્રેમજીબાપા કૂવા ઊંડા ઉતારવા માટે ટોટા ફોડવાનું અને ટોટા વેચવાનું કામ કરતા. ત્યારે નજીકના કોલડી ગામનો ખેડૂત આવીને પ્રેમજીબાપાને કહે, "શેરડી વાવી છે, કૂવામાં પાણી ખૂટ્યાં છે, શું કરવું?" પ્રેમજીબાપાએ એ ખેડૂતને ટોટા આપીને કૂવો ઊંડો ઉતારવાનું કહ્યું. કૂવો આશરે દશેક ફૂટ ઊંડો ઉતારીને જોયું તો બે મશીનથી પાણી ખૂટે નહીં એટલું પાણી કૂવામાં હતું. જોકે, એ પછી તો દર વરસે એ ખેડૂત કૂવો વધુ ને વધુ ઊંડો ઉતારવા માટે પ્રેમજીબાપા પાસે ટોટા લેવા આવતો. પ્રેમજીબાપાથી રહેવાયું નહીં. એમને થયું કે આમ ને આમ કૂવા ઊંડા ઉતારતાં-ઉતારતાં શું છેક અમેરિકાવાળા સાથે કૂવામાં હાથ મિલાવીશું? બસ, એ ઘડીને આજનો દિવસ, એમણે કૂવા રિચાર્જની વણથંભી ઝુંબેશ આદરી.

નોખો ચીલો ચાતરવા જનારાને લોકો ધૂની કહે અને સહયોગ ન કરે એ સર્વવિદિત છે. પ્રેમજીબાપા સાથે પણ એવું જ થયું. એ વર્ષોમાં કૂવો રિચાર્જ કરવા માટે કોઈ તૈયાર થતું નહોતું, કારણ કે કૂવો ઊંડો ઉતારવાથી પાણી મળતું હતું. જ્યારે કૂવા રિચાર્જ કરીને તો પાણી કૂવા થકી ભૂગર્ભમાં ઉતારવાનું હતું. એટલે પ્રેમજીબાપાએ દાખલો બેસાડવા 1969માં ઉપલેટાની પોતાની વાડીમાં કૂવો રિચાર્જ કર્યો. ધીરેધીરે સ્થાનિક ખેડૂતો પણ એમણે કંડારેલી પગદંડી ઉપર ડગ માંડવા લાગ્યા. એટલે પ્રેમજીબાપાએ તેમને સિમેન્ટ પાઈપ આપવાનું શરૂ કર્યું. પ્રેમજીબાપાના 'વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ' દ્વારા અત્યાર સુધીમાં 50 હજાર ફૂટ સિમેન્ટ પાઈપ સ્થાનિક ગામોમાં વિનામૂલ્યે આપીને કૂવા રિચાર્જના કામને વેગ આપવામાં આવ્યો છે.

હવે વારો આવ્યો વરસાદી પાણીના સંગ્રહનો. પાણીની અછત હોય ત્યારે પાણીના સંગ્રહ માટે વરસાદી પાણી જ ઉપલબ્ધ હોય છે. વળી, સામાન્ય રીતે વરસાદી પાણી વહી જઈને નદી-નાળા મારફતે દરિયામાં જતું રહે છે. તેથી જ પ્રેમજીભાઈએ છાપરા, ધાબા, અગાસી અને ફળિયાનું પાણી સંગ્રહ કરવાના વિચારનો અમલ 1973માં પોતાના ઘરથી જ શરૂ કર્યો. પ્રેમજીભાઈએ એ રીતે જનસમાજને એક આગવું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.

કૂવા રિચાર્જ માટે જેમ ખેડૂતોને સિમેન્ટ પાઈપની જરૂર રહે છે એ રીતે ચેકડેમ બનાવવા માટે સિમેન્ટની જરૂર રહે છે. ખેડૂતને ચેકડેમ બનાવવા માટે પથ્થર, રેતી અને પાણી તો મળી રહે, પણ સિમેન્ટ ખરીદવા માટે દેવું કરવું પડે. પોતાના બાવળાના બળે મજૂરી કરીને ચેકડેમ બનાવે એટલે મજૂરીનો ખર્ચ પણ ન થાય. પ્રેમજીભાઈના ધ્યાનમાં આ વાત આવી એટલે એમણે દરેક ખેડૂતને સિમેન્ટની થેલી ટેકા રૂપે આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો એ ખેડૂતને 100 થેલી સિમેન્ટ આપતા, પછી તે ઘટાડીને 25-30 થેલીનો ટેકો પણ તેમણે ચાલુ રાખ્યો. એ રીતે ગણતરી માંડીએ તો પ્રેમજીભાઈએ વર્ષ 1987થી 2004 સુધીમાં આશરે 400થી વધુ નાના ચેકડેમ બનાવવામાં ખેડૂતોને સિમેન્ટ-ટેકો પૂરો પાડ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે આ ચેકડેમો થકી થયેલા જળસંગ્રહએ સ્થાનિક વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં હરિયાળી ર્સજી છે.

1987માં નિવૃત્ત થઈને મુંબઈથી ઉપલેટા આવ્યા પછી પ્રેમજીભાઈએ જોયું કે મોટાભાગનાં વૃક્ષો બળતણ માટે કપાઈ ગયા છે. એટલે એમણે બળતણનો વિકલ્પ ઊભો કરવા માટે પડતર જમીનો અને ડુંગરાઓ ઉપર વરસાદ પહેલાં બીજ વાવેતર કરવાનું શરૂ કર્યું. 1987થી 2005 સુધીમાં પ્રેમજીભાઈએ 550 ટનથી વધુ ગાંડો બાવળ, દેશી બાવળ, આવળ, આમલી, અરીઠા, લીંબોળી, ખાખરો, પેલ્ટા ફોરમ, ધામણ ઘાસ જેવા સહેલાઈથી ઊગી શકતાં વૃક્ષોનાં બીજનું વાવેતર કર્યું છે. પ્રેમજીભાઈના 'ગાંડા બાવળના વાવેતર'ને કારણે અને વૉટરશેડમાં એમણે કરેલા નવતર પ્રયોગોને કારણે ગુજરાતમાં તેમની આગવી ઓળખ ઊભી થઈ.

ભારત સરકારની વૉટરશેડની યોજના સ્વીકારીને પ્રેમજીભાઈએ વૉટરશેડમાં નવી ભાત પાડી છે. વૉટરશેડની સરકારી ગાઈડલાઈનમાં 10 ટકા લોકભાગીદારી લેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ, પ્રેમજીભાઈની વિચારધારા એકદમ સ્પષ્ટ. પાણી રોકાણથી લાભાર્થી ખેડૂતને અનેકગણો લાભ થવાનો હોય તો પછી ખેડૂત 10 ટકાને બદલે 20 ટકા લોકભાગીદારી શા માટે ન આપે એવું એમણે વિચાર્યું. એ પછી તો પ્રેમજીભાઈ ખેડૂતો પાસેથી 33 ટકા સુધી લોકભાગીદારી મેળવવામાં પણ સફળ રહ્યા. અગાઉ તો પ્રેમજીભાઈએ ખેડૂતોને 50 ટકા લોકભાગીદારી આપીને પણ ચેકડેમનાં કામો કરવા રાજી કર્યા હતા. આમ, સરકારી સહાયથી થતા કામોમાં સાચા અર્થમાં લોકભાગીદારી ઊભી કરીને એ કામોમાં પોતીકાપણાની ભાવના સર્જવામાં પ્રેમજીભાઈની ખૂબ મોટી ભૂમિકા છે.

પ્રેમજીભાઈએ 'વૃક્ષ-પ્રેમ સેવા ટ્રસ્ટ'ના નેજા હેઠળ વૉટરશેડ યોજનામાં ચેકડેમોની હારમાળા ર્સજી છે. પરિણામે, દુષ્કાળ નિવારણની નોંધપાત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિક 20 ગામોના નાના-નાના 1200 ચેકડેમોની સાંકળથી 15 કરોડ રૂપિયાનું ખેતઉત્પાદન થયું છે એ નાનીસૂની વાત નથી. એટલું જ નહીં, સ્થાનિક લોકોને તેમ જ સ્થળાંતર કરીને સૌરાષ્ટ્રમાં જતા આદિવાસી ખેતમજૂરોને આખા વર્ષની રોજગારી ઉપલબ્ધ થઈ છે એ ખૂબ મહત્ત્વની વાત છે.

પ્રેમજીભાઈએ સ્થાનિક કોઠાસૂઝ અને જ્ઞાનને ઉજાગર કરીને બંધ પડેલા રસ્તા અને નાના પુલને પણ ચેકડેમમાં ફેરવી જળસંગ્રહની એક પણ તક છોડી નથી. પ્રેમજીભાઈ કહે છે એમ પાણીના વિકેન્દ્રિકરણની સાથેસાથે આર્થિક વિકેન્દ્રીકરણ પણ આપોઆપ થાય છે. એટલે જ એમણે મોટા બંધ બાંધવાની ઘેલછા છોડીને વરસાદનું પાણી જ્યાં પડે છે ત્યાં રોકી લેવાનું ભગીરથ અભિયાન વ્યાપક બનાવ્યું છે.

આજે ગોંડલ અને જામકંડોરણા તાલુકાના બરડીયા, ચાવંડી, મેસપર, બોરિયા, આંબરડી, રામપર, સાજાડિયાળી જેવાં ફોફળ અને રસનાળ નદીના કાંઠાનાં ગામોમાં પાણીનું સુખ વર્તાય છે. એ પ્રેમજીભાઈની નિષ્ઠા, મહેનત અને દૃઢનિર્ધારનું પરિણામ છે.

લાંબાગાળા સુધી ટકી રહે એવો વિકાસ જ સાચો વિકાસ છે એ વાત પ્રેમજીભાઈએ બરાબર પચાવી જાણી છે એટલે જ એમણે પોતાની સંસ્થા 'વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ' દ્વારા પૂરાં થયેલાં તમામ કામોનો વહીવટ સંસ્થાને હસ્તક રાખવાને બદલે ગ્રામ પંચાયતને સોંપ્યો છે. આજે ઉપભોક્તા કે લાભાર્થી જૂથ પોતે જ દરેક કાર્યની જાળવણી જાતે જ કરે છે એ સાચી દિશાના અને ટકાઉ વિકાસનો મોટો માપદંડ છે.

'ગ્રામપુનરુત્થાન' બદલ પ્રેમજીભાઈની આદરપૂર્વક નોંધ લેવાઈ રહી છે એ વ્યાપક જનસમાજ માટે ખરેખર પ્રેરણારૂપ બની રહેશે.