દૂધ મંડળીના નેજા હેઠળ અન્ન-સલામતી અને સક્ષમતા સુધીની ટીકર ગામની મહિલાઓની સફર

- ઋચિ સોની
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાનું ટીકર ગામ સ્ત્રીઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ છે. ટીકર ગામમાં કેટલીક સ્ત્રીઓ એવી છે જે કંઇ કમાણી નથી કરતી તો પણ આખા ગામની કમાણી પર તેમનું નિયંત્રણ છે. ટીકર ગામમાં મોટાભાગના લોકોના ઘરે ગાય છે. ગામની સ્ત્રીઓ ગાયો દોહે છે અને પછી તેમાંથી નીકળતા દૂધમાંથી છાશ બનાવવામાં જ પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે.

આ ગામના લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેમ છતાં, ગાય માતા કહેવાય અને તેનું દોહેલું દૂધ વેચાય નહીં તેવા જૂના રૂઢિચૂસ્ત ખ્યાલને કારણે આ ગામની સ્ત્રીઓ કે ખેડૂતો દૂધને ડેરીમાં વેચતા નહોતા. તેમને બીક હતી કે તેમ કરવાથી આપણે પણ એક દિવસ દૂધ વગરના થઇ જઇશું. સાથે જ દૂધના ઉત્પાદન અને તેનું માર્કેટિંગ કરવાની અણઆવડત પણ તેમાં જવાબદાર. વર્ષમાં એવા દિવસો પણ આવતા જ્યારે આ ગામની સ્ત્રીઓ તેમનાં બાળકોને મુઠી ધાન પણ ખવડાવી શકતી નહીં. ભૂખ્યા ટળવળતાં બાળકોની શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત પણ અહીં પૂરી કરી શકાતી નહીં.

આ સંદર્ભમાં 'કેર(ઇન્ડિયા)-ગુજરાત'ના ડેરી અંગેના વેલ્યૂ ચેઇન સાહસે વર્ષોથી પુરુષ પ્રધાન સમાજમાં પુરુષોના કહ્યામાં જ કામ કરતી સ્ત્રીઓના જીવન પર મોટી અસર કરી. તેમનો સમાજ નવો આકાર લેવા માંડ્યો. શરૂઆતમાં જ્યારે આ પ્રોજેક્ટ માટે 'કેર'ની સાથી સંસ્થા 'દીપક ચેરિટેબલ ટ્રસ્ટે' ગામની મહિલાઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ ઘણો સંકોચ અનુભવતી અને ખચકાતી. 'દીપક ચેરીટબલ ટ્રસ્ટે' તેમને સમજાવ્યું કે આટલી જ ગાયો સાથે અને ઓછી મહેનતે તેઓ નિયમિત આવક ઊભી કરી શકે છે. તેમને સજાવ્યું કે એક સહકારી મંડળી ઊભી કરી, દૂધ વેચીને સ્ત્રીઓ સંયુક્ત રીતે સારી એવી આવક ઊભી કરી શકે છે. આ આવક-જૂથ બચત અને લોન આપવાના કામમાં લગાડી શકાય.

એક વાર સહમત થયા પછી આ સ્ત્રીઓને ડેરી માર્કેટિંગ અને ઉત્પાદન વિશે વધુ જાણકારી આપવામાં આવી. સાથે જ ગામની સ્ત્રીઓ દ્વારા સંચાલિત એક સહકારી મંડળી સ્થાપવા પણ તેમણે તૈયારી દર્શાવી. શરૂઆતમાં ગામના પુરુષોએ તેનો વિરોધ પણ કર્યો હતો. જોકે, આજે પાંચ વર્ષ પછી આ સહકારી મંડળીના 328 સભ્યો છે. આ ગામની સ્ત્રીઓ કૉમ્પ્યુટર અને ઇલેક્ટ્રિક વજનકાંટાનો ઉપયોગ કરે છે. તેની મદદથી તેઓ રોજનું 800 લીટર દૂધ ભેગું કરે છે. તેમને દર મહિને ત્રણ વાર નાણાં ચૂકવાય છે. શરૂઆતમાં તેમને મહિને માત્ર 405 રૂપિયા મળતા. જ્યારે હાલ તેઓ મહિને 1862 રૂપિયા કમાય છે. શરૂઆતમાં તેમનું દૂધ માત્ર રૂ.5 પ્રતિ લિટર વેચાતું હતું. હવે સહકારી મંડળીની સક્ષમતા અને વાટાઘાટો કરવાની આવડતને કારણે તેઓને લિટર દીઠ રૂ.13 મળે છે.

'ટીકર ડેરી સહકારી મંડળી'નું બધું જ નાણાકીય, આંકડાકીય અને વ્યવસ્થાપન અંગેનું કામ ગામની મહિલાઓ જ સંભાળે છે. તેમને આ સ્તર પર લાવવા અને સક્ષમ કરવા 'કેર'ના 'સ્નેહલ પ્રૉજેક્ટ' હેઠળ તાલીમો યોજાઈ હતી. સાથે જ સ્ત્રીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટેના પ્રયત્નો પણ તેણે કર્યા છે. દૂધને શીતાગાર સુધી લઇ જતા ટ્રક ડ્રાઇવરો સાથે પણ આજે આ સ્ત્રીઓ જાતે જ રકઝક કરી શકે છે તે 'સ્નેહલ'ની તાલીમનો પ્રતાપ છે. 'દીપક ચેરિટેબલ ટ્રસ્ટ'નો એ વિચાર હતો કે ગામની સહકારી મંડળીમાંથી દૂધ એકઠું કરીને તેને જિલ્લા સહકારી મંડળી સુધી લઇ જતાં પહેલાં શીતાગારમાં મૂકવું. મહિલાઓને દર 10 દિવસે પૈસા મળી જતા હોવાથી હવે તેમની ખોરાક સલામતી પણ વધી છે. જે રકમ ભેગી થાય તેમાંથી મહિલાઓને લોન અપાય છે. તેથી મહિલાઓ હવે વધારે ગાયો ખરીદવા તરફ પણ લક્ષ આપી રહી છે.

શારદાબહેન કોચરોલા, ટીકર ગામની સહકારી મંડળીનાં સભ્ય છે. ગામની મંડળીનું સફળતાથી સંચાલન અને દેખરેખ રાખ્યા બાદ હવે શારદાબહેન 'જિલ્લા દૂધ-સહકારી એસોસિયેશન'ના પ્રમુખ તરીકે ચૂંટાયાં છે. ગામમાં કરેલી કામગીરીએ તેમને ચૂંટણીમાં ઉભા રહેવા પ્રેર્યા. સ્ત્રીઓને ભાગ્યે જ આવી તક મળતી હોય છે. 'સુરેન્દ્રનગર દૂધ સહકારી એસોસિયેશન'ની 12 બેઠકોમાંથી શારદાબહેનને ત્રીજા નંબરના સૌથી વધુ મત મળ્યા. જિલ્લા બૉર્ડનાં તે સૌપ્રથમ સ્ત્રી-સભ્ય છે. તેઓ કહે છે, "મેં કેન્દ્રની બેઠકમાં સ્ત્રી-ડેરી સહકારી મંડળીઓને નડતાં મુદ્દા ઉઠાવ્યા હતા. મેં આણંદમાં 'ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન'ની બેઠકમાં પણ ભાગ લીધો હતો."

એક નાનકડા ગામથી શરૂ કરવામાં આવેલી આ પહેલ અત્યારે ખૂબ મોટા પાયે ચાલી રહી છે. વિવિધ ગામોમાં મળીને 22 મહિલા ડેરી-સહકારી મંડળીઓ ચાલે છે. તેના 3254 સભ્યો નિયમિત આવક મેળવી રહ્યા છે. મહિલાઓ તેમની આવક તો રળી જ રહી છે સાથે મેનેજર, વહીવટકાર અને નિર્ણયકર્તા તરીકેની પોતાની ભૂમિકા પણ ભજવી રહી છે.