વિકાસલક્ષી આલેખન એ સમાજપરિવર્તનનું સાધન છે

મિરાંઈ ચેટરજી

મુક્ત રીતે બોલવું-લખવું એ લોકશાહી સમાજનાં ખાસ અને અનિવાર્ય લક્ષણો છે. સદ્નસીબે આપણા દેશમાં 'સમૂહમાધ્યમો'નો ઘણો વિકાસ થયો છે. છાપાંઓ, મેગેઝિનો તથા ટીવી દ્વારા સમાચાર, માહિતી, નવા-જૂના વિચારો અને મૂલ્યો દિવસે દિવસે આપણા દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યાં છે. તાજેતરમાં ભારત-અમેરિકાના અણુ કરાર અંગે વાદવિવાદ થયો તે અથવા ભાગલપુરમાં એક ચોરને લોકોના હાથે ક્રૂર સજા મળી તે સમાચાર કોણે નહીં વાંચ્યા હોય, કે નહીં જોયા હોય?

આવા સમાચારોની સાથે-સાથે ખૂબ ઓછા પત્રકારો અને લેખકો આપણા દેશની વાસ્તવિક સ્થિતિ આપણી સમક્ષ લાવે છે. આપણા ગરીબ અને શ્રમજીવી નાગરિકોની વ્યથાની સાથે-સાથે પ્રેરણાત્મક સમાચારો પણ આજનાં અખબારોમાં જોવા મળે છે. દૂરના કોઈ એક ગામનાં સરપંચ બહેને ગામમાં નિશાળ શરૂ કરીને ગામનાં છોકરાંઓને ભણવાની તક પૂરી પાડી હોય; કોઈ બહેને લોકોના ઘરનાં કામો કરતાં કરતાં પોતાની દીકરીને ડૉક્ટર બનાવી હોય કે પછી કોઈએ લોકજ્ઞાનના અનુભવથી નવી ચીજવસ્તુઓ કે યંત્રો બનાવ્યાં હોય-- એવી અનેક ગાથાઓ આપણાં અખબારોમાં ક્યારેક ક્યારેક આપણને જોવા મળે છે. આવાં લખાણો અને માહિતી દ્વારા દેશમાં ચાલી રહેલા સંઘર્ષ તથા સિદ્ધિઓ વિશેની વાતો બહાર આવે છે. જ્યારે જાણીતા પત્રકાર શ્રી પી. સાંઈનાથે ખેડૂતોના આપઘાત અંગે લખવાનું શરૂ કર્યું ત્યારે દેશના રાજકીય નેતાઓ પણ જાગ્યા. વડા પ્રધાન પોતે વિદર્ભ પહોંચી ગયા અને ખેડૂતોના કુટુંબીજનોને આશ્વાસન તથા રાહતના ચેકો અર્પણ કર્યા.

વિકાસલક્ષી લખાણથી વાસ્તવિકતાની સારી ઝલક તો મળે જ છે, તેની સાથે સાથે સમાજપરિવર્તન માટે એક જબરજસ્ત તક ઊભી થાય છે. ગાંધીજી આ વાત બરાબર સમજતા હતા તેથી તેમણે દક્ષિણ આફ્રિકામાં અને ત્યાર પછી ભારતમાં છાપું ચાલુ કર્યું હતું. લખાણો, છાપાંઓ વગેરે આઝાદીના જંગમાં અસરકારક સાધન બની ગયાં હતાં.

નવા સમાજ માટે નવા વિચારો જોઈએને! આપણી પ્રજા, આપણા સંસ્કારો, આપણી પરંપરાઓ વિશે આપણે આલેખન કરીને કદર નહીં કરીએ તો કોણ કરશે? માહિતી-જ્ઞાનથી 'પાવર' કે શક્તિ વધે છે એટલે જ 'નૉલેજ ઇઝ પાવર' એવું કહેવાય છે. એ જ રીતે આજે વિચારો, દુનિયાભરમાં ઝડપથી ફેલાય છે. તેથી જ શબ્દોની જબરજસ્ત શક્તિ હોય છે.

ગરીબ, શ્રમજીવી કામદારો - ખાસ કરીને બહેનોનો કોઈ અવાજ નથી. અવાજ ન હોય તો દૃશ્યતા ક્યાંથી હોય. દૃશ્યતા ન હોય તો અવાજ ન હોય. કામદાર બહેનો તથા ભાઈઓની વાત કોણ લખે? કોણ બહાર લાવે? કામદારોના કે વિકાસના સમાચારો એ અખબારોનો ફેલાવો કે ધંધો વધારી આપે તેવા સમાચારો નથી. એ તો પ્રજાની વાસ્તવિકતા બહાર લાવવાનું સાધન છે. ઉપરાંત, સમાજપરિવર્તનનું પણ સાધન છે. તેથી જ, આજના સમયમાં આમ નાગરિકો પોતે જ લખતા થાય અને અખબારોમાં પ્રસિદ્ધ કરાવતા થાય એ જરૂરી છે. આમ થશે તો જ બદલાવ આવશે. જ્યારે લોકો પોતે પોતાના માટે બોલતા થાય તેમ જ પોતાના શબ્દોમાં જ લખતા થાય ત્યારે જ ખરેખર તેમની શક્તિ કે પાવર વધશે.

'ચરખા' એ દિશામાં કામ કરી રહી છે. લેખન-કૌશલ્ય કાર્યશિબિરો ગોઠવે છે. તેમ છતાં આ દિશામાં હજી ઘણું કરવાનું બાકી છે. જ્યારે ગામનાં ચંચીબહેન અથવા મહોલ્લાનાં રહીમાબહેન લખતાં થાય, પોતાનાં વાત-વિચાર રજૂ કરતાં થાય, આપ-લે કરતાં થાય ત્યારે જ સ્વરાજ તરફ અને નવા સમાજની રચના તરફ આપણે આગળ કદમ વધારીશું.

(શ્રી મિરાંઈબહેન ચેટરજી, 'સ્વાશ્રયી મહિલા સેવા સંઘ' (સેવા)ના સામાજિક સુરક્ષા વિભાગનાં વડાં છે.)
Type rest of the post here