વેઠિયા મજૂર તરીકે જીવન વેંઢારતા ઈંટ ભઠ્ઠાના સ્થળાંતરિત કામદારો

- સંજય દવે
મજૂર યુવાન સની ટંડન છત્તિસગઢ રાજ્યના એક ગામનો રહેવાસી છે. તે છેલ્લાં આઠ વર્ષથી ગુજરાતમાં મજૂરી મેળવવા માટે પોતાના આખા પરિવારને લઈને આવે છે. અમદાવાદ અને ગાંધીનગરના ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કરીને તે પોતાનું અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. તેના જ ગામનો તેનો સાથી લક્ષ્મણ બંજારે પણ પત્ની અને બાળકો સાથે ઈંટ ભઠ્ઠીમાં મજૂરી કરીને અસ્તિત્વ ટકાવી રાખવા મથ્યા કરે છે. સની અને લક્ષ્મણ જેવા એક લાખથી વધારે મજૂરો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના ઈંટ ભઠ્ઠાઓમાં ઑક્ટોબરથી જુન મહિના સુધી આકરી મજૂરી કરતા હોય છે.

બીજા વ્યવસાયો કરતાં ઈંટ ભઠ્ઠાના વ્યવસાયમાં સૌથી વધારે મજૂરોની જરૂર પડે છે, કારણ કે ઈંટ ભઠ્ઠાના કામમાં મશીનનો ઉપયોગ થતો નથી. એક-એક ઈંટ હાથથી જ બનાવવામાં આવે છે. મોટાભાગના મજૂરો છત્તિસગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી સ્થળાંતર કરીને આવેલા હોય છે. બધા જ મજૂરો હંગામી ધોરણે કામ કરે છે અને એમને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી નથી. કામના સ્થળે નથી ટોઈલેટ કે નથી એમનાં બાળકો માટે આંગણવાડી. પરિણામે, ત્યાં આરોગ્ય કેન્દ્રની સુવિધા હોય એવી તો કલ્પના પણ કેવી રીતે કરી શકાય! ઈંટ ભઠ્ઠા કામદારોની સ્થિતિનો તાગ મેળવવા સ્વૈચ્છિક સંસ્થા 'પ્રયાસ' દ્વારા હાલમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. અભ્યાસનો સમગ્ર અહેવાલ તૈયાર થાય એ પહેલાં પ્રાથમિક તબક્કામાં જ જે તારણો મળ્યાં છે એ ખૂબ ચોંકાવનારા છે. 'પ્રયાસ'ના અભ્યાસ દરમ્યાન જોવા મળેલી બાબતો અનુસાર ઈંટ ભઠ્ઠાના મજૂરો ગુજરાત રાજ્યમાં ચાલતી કોઈ પણ કલ્યાણકારી યોજનાનો લાભ લઈ શકતા નથી. બીજી બાજુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું લઘુતમ વેતન ખૂબ જ ઓછું છે.


'પ્રયાસ' દ્વારા અભ્યાસ હેઠળ અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના 1046 ઈંટ ભઠ્ઠા કામદારોને મળીને સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. અભ્યાસ અંતર્ગત 80 મજૂરોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. અભ્યાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે મોટાભાગના સ્થળાંતરિત મજૂરો અનુસૂચિત જાતિના છે. 85 ટકા કામદારો પોતાનાં કુટુંબ સહિત આવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તમને, છેલ્લાં 35 વર્ષથી મજૂરીએ આવતા મજૂરો જોવા મળે. તેમ છતાં મોટા ભાગના કામદારો એક જ ભઠ્ઠા ઉપર સતત 12 વર્ષથી વધુ કામ કરતા નથી.


ઈંટ ભઠ્ઠાના મજૂરોના સ્થળાંતર અને કામના પ્રકાર વિશે પણ જાણવા જેવું છે. સ્થાનિક મુકાદ્દમ કહો કે ઠેકેદાર કહો, તે મજૂરોને તેમનાં ગામોમાંથી લાવે છે. ઈંટ ભઠ્ઠાના માલિકો દ્વારા મજૂરોને ઍડવાન્સ રકમ ચૂકવવામાં આવે છે. એક નજરે સારી લાગતી ઍડવાન્સ રકમ જ મજૂરોને એક જ માલિક સાથે બાંધી રાખે છે. પરિણામે, મજૂરને વેઠિયા જેવું કામ કરવું પડે છે અને માલિકની મરજી વગર એ બીજે ક્યાંય મજૂરીએ જઈ શકતો નથી. ગુજરાતમાં પણ ઘણા મજૂરો અલગ અલગ પ્રકારની મજૂરીએ જાય છે તો પછી ઈંટ ભઠ્ઠામાં કેમ બહારના મજૂરો વધારે છે? એ સવાલનો જવાબ આપતા 'પ્રયાસ'ના અગ્રણી સુધીરભાઈ કટિયાર કહે છે કે, "ઈંટ ભઠ્ઠાના કામને ઉતરતી કક્ષાનું કામ ગણવામાં આવે છે. વળી, તેમાં ખૂબ જ આકરી વેઠ કરવાની હોય છે. ગુજરાતના મજૂરોને બીજી વધારે સારી મજૂરી મળતી હોય તો તેઓ ઈંટ ભઠ્ઠામાં કામ કરવાનું પસંદ કરતા નથી."


ઈંટ ભઠ્ઠામાં કાચી ઈંટ બનાવવાના કામને 'પાટલા' કહેવામાં આવે છે. પાટલાનું કામ સૌથી આકરું ગણી શકાય, કારણ કે જ્યારે બોરવેલમાંથી પાણી આવે ત્યારે તેમણે પોતાનું કામ શરૂ કરવું પડે. ક્યારેક તો અડધી રાતે પણ પાણી મળે. એ રીતે જોઈએ તો પાટલાનું કામ ચોવીસ કલાકનું કામ છે. પાટલામાં કામ કરતા મજૂરને 50થી 60 રૂપિયા મળે છે. કાચી ઈંટ તૈયાર થયા પછી ભઠ્ઠામાં તેને મૂકનારને 'જલૈયા' કહે છે. 'જલૈયા' મોટા ભાગે રાતે જ ઈંટો પકવે અને 12 કલાક કામ કરે. ક્યારેક તો રાતે 11થી સવારે 7 વાગ્યા સુધી 'જલૈયા'નું કામ ચાલે. ઈંટો પાકે તે પછી તેનો ખડકલો કરનાર 'ખડકન' પણ પરસેવો પાડીને રોજી રળે છે. ઈંટ ભઠ્ઠાના એક કામદાર કહે છે કે, "ઈંટોના ખડકલા કરવાનાં કામમાં ઘણી યુવાન છોકરીઓ પણ હોય, તેથી કેટલાક માલિકો દ્વારા તેમનું જાતીય શોષણ કરવાના અને છેડતીના બનાવો પણ નોંધાતા હોય છે."


ઈંટ ભઠ્ઠાના કામમાં રાજસ્થાનથી છેલ્લાં 32 વર્ષથી આવતા ઠેકેદાર રામનિવાસભાઈ અને હુકમાજી પણ કામદારોની સ્થિતિથી વ્યથિત છે. ગાંધીનગરના ચિલોડા પાસેના ભઠ્ઠામાં કામ કરતો યુવાન સની કહે છે કે, "ક્યારેક તો મજૂર સ્ત્રી ગર્ભવતી હોય અને ત્યાં ખુલ્લામાં જ એની ડિલીવરી થઈ જાય." કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ વગર ઉનાળામાં ભઠ્ઠાની ગરમી અને શિયાળાની ઠંડીમાં ખુલ્લામાં રહીને કામ કરવું અત્યંત કઠિન છે. આકરી મહેનત અને ઓછું વેતન તેમને કુપોષણ તરફ દોરી જાય છે. પરિણામે, મજૂરો બીમારીઓનો ભોગ બનતા હોય છે. તેમની બીમારીઓનો લાભ ઉઠાવવા છત્તિસગઢથી આવતા ડિગ્રી વગરના 'ઝોલાવાળા ડૉક્ટરો' પણ એકેય તક છોડતા નથી. આ ડૉક્ટરો દવાની ટિકડી અને ઇન્જેક્શનના 60થી 70 રૂપિયા પડાવી લે છે. જોકે, આ ડિગ્રી વગરના કહેવાતા ડૉક્ટરોને સારા કહેવડાવે એવા ડૉક્ટરો પણ છે જે મજૂરો પાસેથી ખૂબ રૂપિયા પડાવે છે. એક યુવાન મજૂર કહે છે કે, "કેટલાક સ્થાનિક ડૉક્ટરો તો તાવ જેવી બીમારીમાં પણ દવાના દોઢસો રૂપિયા પડાવી લે છે."


આ મજૂરોને ટોઈલેટ, બાળકો માટે આંગણવાડી, આરોગ્યની સુવિધા જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ કરવાની જવાબદારી રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ અને ભઠ્ઠાના માલિકોની છે. 'પ્રયાસ' દ્વારા થયેલું સર્વેક્ષણ માત્ર અમદાવાદ અને ગાંધીનગર પૂરતું મર્યાદિત છે. આખા ગુજરાતમાં 20,000 હાથ ભઠ્ઠા અને 16000 ચીમની ભઠ્ઠા મળીને કુલ 35 હજાર ભઠ્ઠા છે ત્યારે તેમાં આકરી મજૂરી કરીને આપણી ઇમારત માટે પાયાની ઈંટ બનાવતા લાખો મજૂરોની સ્થિતિ કેવી હશે એ કલ્પી શકાય છે.


કહેવાય છે કે, 'પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકી રહે.' આપણી ઇમારતોને ટકાવવા માટે મજબૂત ઈંટો બનાવનારોને બધી રીતે મજબૂત બનાવવાની જવાબદારી પણ આપણા સૌની જ ને!!