વેલેન્ટાઇન ડે

- ભાનુભાઈ મિસ્ત્રી

વેલેન્ટાઈન ડે ના દિવસે અને લગભગ અઠવાડિયા પહેલાથી વર્તમાન પત્રોમાં એ દિવસનું મહત્ત્વ સમજાવતી નોંધો વાંચતો રહ્યો અને નમૂનારૂપ અને સફળ જોડાંઓનાં પરિચયો તથા એકબીજા પ્રત્યેની ભાવના અને અપેક્ષા રજૂ કરતી વિગતો ખાસ પૂર્તીઓમાં જોવા મળી. સાથેસાથે આ પ્રસંગે ભેટ સોગાદો ક્યાંથી ખરીદશો એની મસમોટી જાહેરાતો પણ ખરી.

વાંચતાં વાંચતાં મારું મન એ લાખો જોડાંઓ તરફ ફરી વળ્યું કે જેમની જીવન શૈલી હંમેશને માટે વેલેન્ટાઈન ડેની યાદ આપતી રહી છે.

ગંગાકાકી અને જીવણકાકા વર્ષો પહેલાં ગામડેથી નીકળી શહેરમાં સ્થાયી થયેલાં. કાકા અહી મીલમાં સાળખાતામાં નોકરી કરતા. એમને કોઈ સંતાન નહીં, છતાં પોળનાં તમામ બાળકોને પોતાનાં દીકરા-દીકરી સમાન પ્રેમ આપી પોતાની ખોટ પૂરી કરતાં. લગભગ ૬૦ની આસપાસ જીવણકાકા મૃત્યુ પામ્યા અને ગંગાકાકી સાચા અર્થમાં ગંગા સ્વરૂપ બન્યાં. પોળમાં પરિવાર સમી હૂંફ મળતી તેથી તેમને વૈધવ્ય કઠતું નહીં. ક્યારેક પૂંઠાનાં ખોખાં બનાવવાં, લોજવાળાઓને રોટલી વણી આપવી, કોઈને બે ટંક રાંધી આપવું કે કોઈનાં છોકરાં ચાર-આઠ કલાક સાચવી આપવાં અને બાકીનો સમય ભક્તિભાવમાં કાઢવો. આ કાકીનો લગભગ નિત્યક્રમ.

ગંગાકાકી એકલપંડે પણ રોજ સવારે ‘લંચ’માં રોટલી, દાળ, ભાત, શાક, કચુંબર, પાપડ બધું જ બનાવતાં અને એક થાળમાં લાલજીને ધરાવતાં. થોડીવાર પછી એ જ થાળ જીવણકાકાના ફોટા આગળ પ્રસાદ સ્વરૂપે ધરાવતાં અને સમય થયે એ જ થાળીમાંથી પોતે પણ જમી લેતાં. મેં કુતૂહલવશ પૂછ્‌યું ‘કાકી, આવું તમે રોજ કેમ કરો છો, કાકા તો હવે આ દુનિયામાં છે નહીં!’ ગંગાકાકી બોલ્યાં, ‘એમને જમાડ્યા વગર આખી જિંદગી ખાધું નથી તો મારા ગળે શીદ ઉતરે.’ કાકીની આ લાગણી વેલેન્ટાઈનના દિવસે સમજવા મથી રહ્યો છું, પણ હજી એનો ઉત્તર મળ્યો નથી.

ગંગાકાકી આ દુનિયામાં નથી પણ આવાં જોડાંઓની આ ભાવના જ વેલેન્ટાઈનનો સાચો મર્મ કહી રહી છે એવું લાગે છે, પછી ભલે કોઈ અખબારો કે પૂર્તિઓમાં એમનો ફોટો છપાય કે ના છપાય!