જેમના હૈયે વિકાસની દાઝ છે એમણે વિકાસલક્ષી આલેખન કરવાં રહ્યાં

- યશવન્ત મહેતા
વિકાસ કે પરિવર્તન આમ તો નિરંતર પ્રક્રિયા છે. પ્રાકૃતિક કારણોસર જ અને પ્રગતિ કે સમૃદ્ધિ સાધવાની ઝંખના સબબ વિકાસ થયા જ કરે છે, અને જેમનું કામ પરિવર્તનની નોંધ લેવાનું છે તેઓ એનું આલેખન પણ કર્યા જ કરે છે. 'મનુસ્મૃતિ'ના કર્તાના સમય સુધીના ધાર્મિક-સામાજિક-આર્થિક વિકાસની નોંધ એ ગ્રંથમાં લેવાઈ છે. ઇસુ પૂર્વે ચોથી સદીના કૌટિલ્યના સમય સુધીના વિકાસની નોંધ 'કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર'માં મળે છે. તો ઓગણીસમી સદીના ગુજરાતને જાગેલી સામાજિક વિકાસની ઝંખનાનું આલેખન નર્મદ, કરસનદાસ મૂળજી, દુર્ગારામ મહેતાજી, મહીપતરામ રૂપરામ વગેરેના લેખનમાં મળે છે.
અલબત્ત, સ્વૈચ્છિક સમાજસેવી સંસ્થાઓના અવાજરૂપ 'ચરખા' સંસ્થા જ્યારે વિકાસલક્ષી આલેખનનો વિષય છેડે ત્યારે એને અભિપ્રેત અર્થ આર્થિક વિકાસ હોય એમ હું માનું છું; અને એ પણ ગ્રામપ્રદેશોનો આર્થિક વિકાસ, અથવા કદાચ નાનાં નગરો સુધીની વિકાસપ્રક્રિયાનો પણ આમાં સમાવેશ થાય.

હવે, આ પ્રકારનું વિકાસલક્ષી આલેખન શા માટે કરવું અથવા શા માટે કરવું પડે, એ પ્રશ્ના ઉત્તરમાં હું કેટલાક મુદ્દા રજૂ કરીશ. આ રજૂઆત સર્વગ્રાહી ન પણ હોય; પરંતુ નિર્દેશક છે.
(1) ગ્રામજનતા પાસે આગવો અવાજ નથી, માટે કોઈકે એમનો અવાજ બનવાનું છે. ગ્રામજનતાને પંચાયત, ગ્રામસભા વગેરે જેવાં સંસ્થાસ્વરૂપો મળવા લાગ્યાં છે. 1960 પછી પંચાયતી રાજ પર ખાસ્સો ભાર મુકાતો થયો છે, પરંતુ હજુ શિક્ષણનો પૂરતો પ્રસાર નથી થયો. એથી ગ્રામજનતા બોલી શકતી નથી. એવુંય નથી કે ગ્રામવિસ્તારનો અવાજ રજૂ કરવાનો દાવો કરવામાં આવતો ન હોય. જાણે એ અવાજ રજૂ કરતાં હોય એવું દાખવતાં કેટલાંક સામયિકો આપણે ત્યાં અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એમાંનાં કેટલાંક માત્ર અમુક વ્યક્તિ કે જૂથ કે સીમિત પ્રદેશ કે ગ્રામજીવનનાં અમુક જ પાસાંના હિતાર્થે પ્રગટતાં લાગે છે. આ સંજોગોમાં, સેવાલક્ષી નિઃસ્વાર્થ અને સર્વાશ્લેષી અભિગમ ધરાવનારાઓ વિકાસલક્ષી આલેખન કરે એ જરૂરી છે. આદર્શપ્રેરિત યુવા શિક્ષિતો એ કામ કરે તે વળી ઓર ઇચ્છનીય છે.
(2) ગ્રામજનતા પોતાના વિકાસના, અધિકારના અને સુખાકારીના પ્રશ્નો સમજતી નથી એવું માનવાને કારણ નથી. ઘણી વાર તો વિદેશી ડિગ્રીધારી 'નિષ્ણાતો' કરતાં ગ્રામજનોની કોઠાસૂઝ વધારે પરિણામદાયી હોય છે. મુશ્કેલી એ છે કે આ ગ્રામજનો પાસે રજૂઆતશૈલી ઓછી છે. અંગ્રેજીમાં જેને 'આર્ટિક્યુલેશન' કહે છે, એ કળા ગ્રામજનો પાસે નથી. આથી આલેખનોની તાલીમ ધરાવનારાંઓ દ્વારા એ કામ થવું જરૂરી છે. તાલીમસજ્જ યુવજનો મુદ્દાસર અને અસરકારક શૈલીમાં વાત રજૂ કરે એથી આલેખનની પરિણામ સંભાવના વધે છે.
(3) ગ્રામવિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને સમસ્યાઓનું આલેખન સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલાં આદર્શવાદી જુવાનિયાંઓ દ્વારા કરાય એ માટેનું ખૂબ જરૂરી કારણ એ પણ છે કે એ વિસ્તારોનું પ્રતિનિધિત્વ લઈ બેઠેલાં તત્ત્વો સ્વાર્થસાધુ છે. એ લોકો જાહેર જનતા સમક્ષ કે શાસન સમક્ષ જે રજૂઆતો કરશે કે યોજનાઓ ઘડશે કે અંદાજપત્રો બનાવશે, એમાં પોતાની મલાઈ એમના પ્રથમ લક્ષ્યસ્થાને હશે. આ કારણે પણ નિઃસ્વાર્થ, તટસ્થ અને ન્યાયપ્રેરિત યુવજનોએ વિકાસલક્ષી આલેખનોમાં પરોવાવું જોઈએ. સમગ્ર જનતા તેમ જ શાસનતંત્રો સમક્ષ તટસ્થ ચિત્ર તો જ રજૂ થશે.
(4) વિદ્યાર્થીઓ, કર્મશીલો અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરોએ આવાં આલેખન કરવાં પડે એનું એક કારણ એ પણ છે કે માધ્યમો વિકાસલક્ષી પ્રશ્નો સુધી આપમેળે પહોંચતાં નથી. મુદ્રિત માધ્યમો (અખબારો) હોય કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો, કાં તો એમનું તંત્ર ટૂંકું પડે છે, કાં તો એમની દૃષ્ટિ ટૂંકી પડે છે, અનુભવે જોયું છે કે એમને આપણે કશુંક આંગળી પકડીને બતાવીએ ત્યારે એ જુએ છે! ઘણી વાર તો એ પ્રકારે પણ એ જોવા માગતાં નથી. આપણને કહી દે છે કે તમે જ રજૂઆત કરો ને!

એક પાસું એ પણ છે કે આ મોટાં માધ્યમોએ બધા પ્રકારની સામગ્રી સાથે કામ પાડવાનું હોય છે. એમાં રાજકારણ અને રાજકારણીઓના પ્રસંગો અગ્રસ્થાને હોય છે. હિંસા બીજે ક્રમે હોય છે. ઉત્સવો અને સાંપ્રદાયિક ઘટનાઓ ત્રીજે ક્રમે હોય છે. આ માટે એમનો કર્મચારીગણ એ પ્રકારની તાલીમ અને એ કામનો અનુભવ ધરાવનાર હોય છે. એ બધી ઝંઝટમાં વિકાસલક્ષી પ્રશ્નો અને ગતિવિધિઓ સમજવાની પણ એમને ફુરસદ ન હોય. આથી આપણે, કે જેમને હૈયે વિકાસની દાઝ છે એમણે જ વિકાસલક્ષી આલેખન કરવાં રહ્યાં.

(શ્રી યશવન્તભાઈ મહેતા, જાણીતા બાળ-સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર છે.)