જળમાર્ગે જીવનવ્યવહાર ચલાવતું શેરૂલા ગામનું સુખસુવિધાથી વંચિત તાપી ફળિયું

- સંજય દવે
આપણે એક ગામની કલ્પના કરીએ તો એમાં હોય શું? પંચાયત ઑફિસ, મકાનો, આંગણવાડી, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કાચા-પાકા રસ્તા વગેરે વગેરે. જો કે, આ બધી જ કલ્પનાઓનો સોથ વાળી દે એવું એક ગામ ગુજરાતમાં છે. સામાન્ય રીતે આપણે કોઈ ગામમાં પહોંચવા માટે સરકારી પરિવહનની બસમાં કે જીપ જેવાં સ્થાનિક વાહનોમાં મુસાફરી કરીએ, જ્યારે આ ગામમાં સહેલાઈથી અને ટૂંકા રસ્તે પહોંચવા માટે તમારે હોડીમાં ગયા વગર છૂટકો નથી. ગામનું નામ છે શેરૂલા.
સુરત જિલ્લામાંથી અલગ પડીને નવા બનેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ પાસે આ ગામ આવેલું છે. ઉકાઈ ડેમની લગોલગ તાપી નદીના કિનારે વસેલા આ ગામના તાપી ફળિયામાં કુલ 40 ઘરો છે. વસાવા, કાથોડી, પાડવી અને કોટવાળિયા મળીને આશરે 1500 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં નદી સિવાય પીવાનાં પાણીના એક પણ સ્રોત હતા નહીં અને વીજળી તો આજે પણ નથી. ખેતીની જમીન અને અન્ય કોઈ રોજગારીનાં સાધનો ન હોવાથી સ્થાનિક લોકો માછીમારી કરીને જીવન ગુજરાન ચલાવે છે.

1968માં તાપી નદી ઉપર જ્ચારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે આ ગામના પૂર્વજો તેના બાંધકામમાં મજૂરી માટે આવ્યા હતા. ડેમનું કામ પૂરું થયા પછી ત્યાં કામચલાઉ રહેતા ગ્રામજનો ત્યાં સ્થાયી થયા અને એ રીતે શેરૂલા ગામનું આ તાપી ફળિયું અસ્તિત્વમાં આવ્યું. રસ્તાનો ઉપયોગ કરીને તાપી ફળિયામાં જવાની જીદ પકડીએ તો પાંચેક કિલોમીટર ચાલીને શેરૂલા ગામમાં થઈને ત્યાં પહોંચવું પડે. ઉકાઈ ડેમ ઉપર બાંધવામાં આવેલા પાકા રસ્તા ઉપરથી તાપી ફળિયામાં પહોંચી શકાય પણ એના માટે ત્યાંના અધિકારીઓ તમને ઓળખતા હોવા જોઈએ. વળી, ઉકાઈ ડેમના દરવાજાનું રિપેર કામ ચાલતું હોય તો રસ્તો સાવ બંધ થઈ જાય.

સુરતમાં આવેલા વિનાશક પૂર દરમ્યાન શેરૂલા ગામનું આ તાપી ફળિયું આખેઆખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જો કે, ઉકાઈ ડેમની લગોલગ હોવાને કારણે ગ્રામજનોને આવનારી આપત્તિનો અંદાજ આવી ગયો હતો તેથી બધા નજીકના ડુંગર ઉપર ચડી ગયા હતા. તેમ છતાં સમયના અભાવે તેઓ પોતાની ઘરવખરી બચાવી શક્યા નહીં. પૂરની હોનારત વખતના એ દિવસો યાદ કરતા ગામના રામાભાઈ કહે છે કે, "અમે બધા ગ્રામજનો ડુંગર ઉપર હતા. ઉપરથી વરસાદ વરસે અને નીચેથી પૂરનું પાણી ઉપર ચઢતું આવે. એવી સ્થિતિમાં અમે નજીકનાં ઝાડનાં લાકડાં કાપીને તેની ઉપર પાંદડાંની છત બનાવીને અમારાં બાળકો અને કુટુંબની મહિલાઓને રક્ષણ પૂરું પાડ્યું. આ રીતે અમે ત્રણ-ચાર દિવસ સુધી ભૂખ્યાં-તરસ્યાં કાઢ્યા છે. ડુંગર ઉતરીને શેરૂલા ગામમાં જઈએ ત્યારે કોઈક ફુડ પેકેટ આપનારું મળી જાય તેના આધારે અમે ટકી રહ્યા હતા."

આ હોનારત પછી તાપી ફળિયાના લોકો નદીથી થોડી ઊંચાણવાળી જગ્યાએ વસ્યા છે. હોનારત પછી કોઈ એમની વહારે આવ્યું હોય તો તે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા 'શક્તિ ટ્રસ્ટ' છે. ટ્રસ્ટના કાર્યકરોએ તાપી ફળિયાનું સર્વેક્ષણ કરીને તેમની તારાજીનો અંદાજ કાઢ્યો. તે પછી તેમને તેમનાં 40 ઘર ઊભાં કરી આપ્યાં. ઘર એટલે વાંસ અને ઝાડપાનથી બનેલું ઝૂપડું જ જોઈ લો. ગરીબ અને વંચિત એવા આ ગામના આદિવાસી લોકો આ રીતે જ રહેવા ટેવાયેલા છે. પહેલાં ગામમાં નહોતી આંગણવાડી કે નહોતી શાળા. 'શક્તિ ટ્રસ્ટ' દ્વારા હવે ગામમાં વાંસની બનેલી એક શાળા ઊભી કરવામાં આવી છે અને તેમાં એક શિક્ષકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દિવ્યેશભાઈ નામના યુવાન શિક્ષકને ગામના છોકરાઓ રોજ હોડીમાં લેવા જાય છે. બાળકોની આ રીત એમની ભણવાની હોંશની સાક્ષી છે. આ નિષ્ઠાવાન શિક્ષકને કારણે જ ગામનાં બાળકોનું શિક્ષણ ટક્યું છે. મઝાની વાત તો એ છે કે જ્યારે શિક્ષક અનિવાર્ય સંજોગોના કારણે ભણાવવા માટે આવવાના ના હોય ત્યારે બધાં બાળકો સ્વયંભુ બપોરે 12:00થી સાંજે પ:00 વાગ્યા સુધી શાળામાં પહોંચી જાય છે અને શિક્ષકે આપેલું ગૃહકાર્ય પૂરું કરે છે.

માછીમારીના સહાયે પોતાનું અસ્તિત્વ ટકાવનારા આ ગામના લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરવા માટે ટ્રસ્ટ દ્વારા બે હૅન્ડ પંપ બનાવી આપવામાં આવ્યાં છે. શેરૂલા ગામની પંચાયતમાં આવરી લેવામાં આવેલા તાપી ફળિયાને હજુ પણ પ્રાથમિક સુવિધાઓ નસીબ થઈ નથી. ગામના યુવાન રામાભાઈ, પંચાયતના સભ્ય હોવા છતાં હજુ સુધી કોઈ પણ સ્તરની પંચાયત મારફતે ગામને કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી. ટ્રસ્ટ દ્વારા ઘરની સવલત આપવાની સાથે સાથે વાસણો, કપડાં તથા બીજી ઘરવખરી પણ પૂરી પાડવામાં આવી છે. માછીમારી કરીને મહિને માંડ હજાર-બારસો રૂપિયા કમાઈ લેતા ગ્રામજનો બીજી કોઈ રોજગારીની શોધમાં છે. હોડીના હલેસે જીવનનૌકા ચલાવતા ગ્રામજનો સરકારી સહાયની આશ લઈને બેઠા છે.