હીરાઘસુ યુવાન પુરુષોત્તમના પર્યાવરણ-પ્રેમથી રચાયો સૌનો વિસામો

- સંજય દવે
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આજકાલ ગ્લોબલ વૉર્મિંગ એટલે કે તાપમાનમાં ફેરફાર અને જલ-વાયુ પરિવર્તન એટલે ક્લાઈમેટ ચેન્જની વાતો ખૂબ ચાલી રહી છે. એની અસરોથી કેવી રીતે બચી શકાય એ વિશેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. વિશ્વના વધતા તાપમાનની ઘણી ખરાબ અસરો વિકાસશીલ દેશો પર પડવાની છે. એમાંય ગરીબો પર તેની સૌથી વધારે માઠી અસર થશે, કારણ કે ક્લાઈમેટ ચેન્જના કારણે જે ઘોડાપૂર, દુકાળ વગેરે આવશે અને આરોગ્યના પ્રશ્નો ઊભા થશે એનો સૌથી વધુ ભોગ ગરીબો જ બનશે. એનો કોઈ ઉપાય ખરો? વિશ્વભરના વિજ્ઞાનીઓ તો એમ કહે છે કે હવે આપણે સૌ જે કંઈ પ્રયત્ન કરીએ એ થિગડાં પૂરવા જેવું હશે. કારણ? કારણ કે, પર્યાવરણને એટલી બધી હાનિ થઈ ચૂકી છે કે હવે પાછા વળાય એવું નથી. હવે જે સ્થિતિ છે તે વધુ ન બગડે તે માટે વૃક્ષારોપણ અને પ્રદૂષણ નિયંત્રણના મરણિયા પ્રયાસો કરવા પડે.

સરકાર એ દિશામાં કરશે ત્યારે, પણ એક ગ્રામીણ યુવાને તો પોતાના ગજા બહારનું કામ પણ ઉપાડી લીધું છે. પર્યાવરણના જતનમાં 'ખિસ્કોલી કર્મ' કરીને તેણે 'ટીપે ટીપે સરોવર ભરવાની દિશા' ચીંધી છે. એનું નામ છે પી. વી. ગઢિયા. પુરુષોત્તમ નામનો આ રત્નકલાકાર યુવાન અમદાવાદ-ભાવનગર હાઈવે ઉપર આવેલા રોજિદ ગામનો રહેવાસી છે. આવક એની હજારથી પંદરસો રૂપિયા, છતાં પોતાના ગામ માટે કંઈ નવું કરવાની ઇચ્છા ઘણી. તેથી એણે નવાં કપડાં પહેરવાનો અને ફિલ્મો જોવાનો શોખ થોડા વખત માટે ત્યજી દીધો. પર્યાવરણ અથવા કુદરત કહો, એના પ્રત્યે એને ખૂબ લગાવ. એટલે એણે ગામના પાદરમાં એક બગીચો બનાવવાનું નક્કી કર્યું. બગીચો હોય તો વટેમાર્ગુઓ આવીને બેસે, બાળકો રમી શકે, પશુ-પંખીઓને આશરો મળે અને પોતાનું ગામ પણ હરિયાળું લાગે.

પોતાનો આ વિચાર અમલમાં મૂકવા માટે પુરુષોત્તમને મુખ્ય હાઈવે પર સ્મશાન ભૂમિ પાસે સરસ જગ્યા મળી ગઈ. એ પડતર જમીન હતી એટલે એમાં બાવળ, આંકડા-ધતુરા વગેરે વનસ્પતિ આડેધડ ફૂટી નીકળી હતી. તેથી તેણે એ જમીનની સાફસફાઈ કરી. બગીચો બનાવવો અને એકલા હાથે જ બનાવવો એવો એણે દૃઢ નિર્ધાર કર્યો હતો. તેની આવી ધૂન જોઈને ઘણા લોકોએ એની ટીકા પણ કરી ને આ ખોટનો ધંધો છોડી દેવાની સલાહ પણ આપી. અધૂરામાં પૂરું, એણે વાવેલાં પચાસ ઝાડ, ઢોર ખાઈ ગયાં. કામચલાઉ વાડ બનાવી, પણ એમાં ઢોર ઘુસી જતાં. ત્યારપછી તારની વાડ બનાવી તો ઉનાળામાં પાણીની ખેંચ પડતાં વૃક્ષો સૂકાઈ ગયાં. મુશ્કેલીઓનો હજુ અંત આવ્યો નહોતો. વૃક્ષોની આજુબાજુનાં સૂકાં ઘાસમાં આગ લાગતાં વૃક્ષો સળગી ગયાં. છતાં તેણે હૈયામાં હામ ધરી ફરી વાર પચાસ વૃક્ષો વાવ્યાં. હવે સધિયારો એ મળ્યો કે ગામમાં નર્મદાનું પાણી પહોંચ્યું. તેનાથી તેણે સ્વખર્ચે પાણીની પાઈપલાઈન લઈને વૃક્ષોને નવજીવન આપ્યું.

મૂળે પર્યાવરણનો જીવ એટલે ન થાક્યો, ન હાર્યો. તેમ છતાં, ઉનાળામાં વૃક્ષ ઉછેર કરનારાની ખરી કસોટી થાય છે. ઉનાળામાં ઠંડક મેળવવા માટે ઢોર, બે-ત્રણ ફૂટ ઊંચી વાડ કૂદીને અંદર ઘૂસવા લાગ્યા. બહાર સૂકી-ભઠ્ઠ જમીન અને બાવળો હતા, જ્યારે બગીચાની અંદર લીલું ઘાસ દેખાય એટલે રખડતાં ઢોર અંદર આવી જતાં. હીરા ઘસવાનું કામ છોડીને ભર તાપમાં આ યુવાન પોતાની કામની જગ્યાએથી બગીચે અને બગીચાથી કામે એમ દિવસમાં ચાર-પાંચ ધક્કા ખાય. વળી, કારખાનાના માલિકની ઇચ્છા વિરુદ્ધ પણ નીકળવું પડે. ઉપરાંત, બગીચામાં રોપા લાવવા, તારની વાડ બનાવવી, પાણીની પાઈપલાઈન કરવી વગેરે પાછળ તેની બચી-કૂચી પૂંજી પણ વપરાઈ ગઈ હતી. કોઈક આને ગાંડપણ કહે, છતાં પુરુષોત્તમ એનું નામ.

આજે એની મહેનત રંગ લાવી છે. આજે એના પરિશ્રમથી રચાયેલા બગીચામાં આશરે પાંચથી વધુ વૃક્ષો અને રંગીન ફૂલો મહેકે છે. વૃક્ષોને ઘર બનાવવા પંખીઓ આવ્યાં. એટલે પુરુષોત્તમે એમના માટે બગીચામાં જ નાનકડો ચબુતરો બનાવ્યો. ત્યારપછી બન્યો ફુવારો. પંખીઓને તરસથી તરફડતાં જોઈને પુરુષોત્તમે જ એ બનાવ્યો છે. રળિયામણા બગીચામાં બાળકો રમવા આવે છે એ જોઈને પુરુષોત્તમે ભંગારના લોખંડ, લાકડાની પટ્ટીઓ, સળિયાં અને જૂનાં ટાયરો ભેગા કરીને સાત-આઠ હીંચકા બનાવી દીધાં. એક પર્યાવરણ-પ્રેમી યુવાનનું ગાંડપણ રંગ લાવ્યું. આજે આ બગીચો ગામમાં આવતા મહેમાનો માટે જોવાલાયક સ્થળ બન્યું છે. જયાપાર્વતી જેવાં વ્રતો-પ્રસંગોએ તો અહીં જાણે મેળો ભરાય છે. હવે તો ત્યાં વૃક્ષો સાથે બાંધેલાં સ્પીકર દ્વારા સુરીલું સંગીત પણ રેલાય છે. અનેક લોકોનો વિસામો બનતો આ બગીચો, પુરુષોત્તમના પરિશ્રમ અને તપસ્યાનું ઉમદા પરિણામ છે. ક્લાઈમેટ ચેન્જની આ હકારાત્મક પહેલમાંથી આપણે ક્યારે ધડો લઈશું?