સપનાંની સફળતા

જાણો વાચન વર્તુળ વિશે
- ઉત્કંઠા ધોળકિયા
'સપનાં ઊગી નીકળે તો વાવ્યાં કહેવાય, નહીં તો દાટ્યાં કહેવાય.' - મકરંદ દવેના આ શબ્દોને સાકાર કરનાર કિશોર બિયાનીની આ વાત છે. નામ અજાણ્યુ લાગશે. સારું બિગબઝાર અને પેન્ટલૂન. આ નામ જાણીતાં લાગે છે ને? તો એ છે શ્રી કિશોર બિયાનીનાં વાવેલાં અને ઊગી નીકળેલાં સપનાં.

રાજસ્થાનનાં નાનકડાં ગામના મૂળ રહેવાસી એવા શ્રી બિયાનીએ 'સંઘર્ષો અને સફળતાની વાત' પુસ્તક દ્વારા પોતાની વાત આપણી સામે મૂકી છે. સાચા અર્થમાં 'સાહસિક' કહી શકાય એવા શ્રી બિયાનીના વિચારોની સાથે તેમની પ્રગતિમાં તેમની સાથે રહેનાર બુદ્ધિવાદીઓ, પહેલાંના સાથી કાર્યકરો, ધંધામાંના ભાગીદારો, કુટુંબના સભ્યો, કૉલેજના સહાધ્યાયીઓ વગેરેના અનુભવ પણ ટાંક્યા છે. એટલે જ આ પુસ્તકમાં કહ્યું છે કે: 'એકથી વધુ લોકોના સંયુક્ત પ્રયત્નોના પરિપાકરૂપે આ પુસ્તક મળે છે. એ ઘટનાઓનો ક્રમ નથી દર્શાવતું બલકે વિચારોના સમૂહના અમલની વાત છે.'

'નિયમો ફરીથી લખો. મૂલ્યો સાચવી રાખો.' જેવો બે ઘડી વિચારતા કરી મૂકે તેવો મંત્ર આપનાર શ્રી બિયાનીની આ વાતમાં સપનાં, સંઘર્ષ, મુશ્કેલીઓ, ઉકેલો, ટીમવર્ક, સંબંધો -બધું જ છે. પોતાનાં જીવનમાં કોઈ વાસ્તવિક ગુરુ કે રોલમોડેલ નથી એમ કહીને શ્રી બિયાની જણાવે છે કે મારા માટે ભૂમિકા ભજવનારાં હતાં પુસ્તકો. આ પુસ્તકમાં આખું એક પ્રકરણ શ્રી બિયાનીનાં પ્રિય પુસ્તકો વિશે છે.

'રીટેઈલના રાજા' તરીકે ઓળખાતા શ્રી બિયાનીની એક મોટી ખૂબી છે: નિરીક્ષણની. તેઓ સતત ફરે છે અને સતત નિરીક્ષણ કરે છે પોતાના ગ્રાહકોનું. નાની જરૂરિયાતથી માંડીને મોટામાં મોટી જરૂરિયાત કેમ પૂરી કરવી તે વિશે સતત વિચારે છે. નવા નવા પ્રયોગો કરીને ગ્રાહકોને આકર્ષવા, યુવા પેઢી સાથે તાલ મિલાવીને ચાલવું, બ્રાન્ડનેઈમ તથા જાહેરાતનું મહત્ત્વ ધ્યાનમાં લેવું, અલગ-અલગ શૉપિંગ મોલ્સ અને દુકાનોની મુલાકાત લઈને નોંધ તૈયાર કરવી, નેતૃત્વ અને ટીમવર્ક, આવી કેટલીય બાબતો આજના યુવા ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. અને આ વાતોને એવી સરળ રીતે મૂકવામાં આવી છે કે દરેક વાચકને કંઈ ને કંઈ શીખવી જાય છે. તે જિંદગી પ્રત્યેના વિવિધ દૃષ્ટિકોણ અને અંતદૃષ્ટિને ખીલવે છે, વિચારવા માટે પ્રેરે છે.

સફળતા સાથે નિષ્ફળતા માટે પણ શ્રી બિયાનીના આગવા વિચાર છે. તેઓ કહે છે કે જ્યારે કોઈ નિષ્ફળ નીવડે ત્યારે બીજાઓ પર દોષ નાખે છે. કોઈક બીજું દોષી હોવું જરૂરી છે. જ્યારે કોઈ ખાસ વ્યક્તિ ન મળે ત્યારે પ્રભુને જ તેઓ દોષી ઠરાવી દે છે. એક સાહસિક તરીકે હું માનું છું કે મેં જે કંઈ કર્યું અને ર્સજ્યું તેની જવાબદારી મારે જ ઉઠાવવી જોઈએ.

સાહસિકતાનો નવો અર્થ આપતાં તેઓ કહે છે કે સાહસિકતા એ વિશાળ દૃષ્ટિ છે. પોતાની ક્ષમતામાં શ્રદ્ધા અને આગળ ધપવાની બાબત છે. નિર્ણયો લેવા, નેતૃત્વ કરવું અને તમારા સાથીઓને તમારા સ્વપ્નમાં શ્રદ્ધા મૂકતા બનાવવા એ સાહસિકતા છે.

સપનાંથી સફળતા મેળવનાર શ્રી કિશોર બિયાનીનું આ પુસ્તક દરેક વાચકને પોતાનાં સપનાંને સાકાર કરવાનો રાજમાર્ગ કંડારી આપે છે.

સપનાની સફળતા
મૂળઃ કિશોર બિયાની (દીપાયન બૈશ્ય સાથે)
અનુવાદઃ સુધા મહેતા
પ્રકાશકઃ આર. આર. શેઠની કંપની
મૂલ્ય: રૂ. 99/-(આપ પણ આ રીતે, આપને સ્પર્શી ગયેલા કોઈ પુસ્તકની વાત અમને charkhaguj@gmail.com પર મોકલી શકો છો. )