પડકાર

જાણો વાચન વર્તુળ વિશે
- ઉત્કંઠા ધોળકિયા
કિરણ બેદી! આ નામ સાંભળતાની સાથે જ યુનિફોર્મમાં સજ્જ, પ્રતિભાશાળી મહિલા અધિકારીની છબી આંખ સામે આવી જાય. અને જ્યારે એમના પર લખાયેલા પુસ્તકને વાંચીએ ત્યારે લાગે કે આ વાત મહિલા અધિકારીના સંઘર્ષ કરતાં પણ માનવ તરીકેના સંઘર્ષની વધારે છે.

મેગસેસે પારિતોષિક વિજેતા શ્રી કિરણ બેદીની જીવનરેખા વાંચતા આપણા દેશનાં તંત્રમાં રહેલી ખામીઓ, અમાનવીયતા, ભ્રષ્ટાચાર, ગંદુ રાજકારણ એવી કેટલીય બાબતો છતી થાય છે. જે આપણી એક નાગરિક તરીકેની બેદરકારી, ઉદાસીનતા અને સ્વાર્થને આપણી જ સામે દીવા જેવી સ્પષ્ટ કરી દે છે.

જો આપણે થોડા સભાન હોઈએ તો. આકરી મહેનત, પૂરી લગન, નિષ્ઠા, 'ચાલશે' જેવી આળસુ વૃત્તિને ટાળવી અને શિસ્ત જેવા ગુણોએ શ્રી કિરણ બેદીને સંપૂર્ણતા આપવામાં મદદ કરી છે. પછી એ ટેનિસની વાત હોય કે ટ્રાફિક કંટ્રોલની. એમાં પણ તિહાર જેવી કુખ્યાત જેલને, સ્ટાફને અને કેદીઓમાં પરિવર્તન લાવીને તેમણે બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેદીઓની વ્યસનમુક્તિની વાત હોય કે પુરુષ કેદીઓને તેમની જ બહેનો દ્વારા રાખડી બંધાવવાની ઘટના હોય. શ્રી બેદીનો માનવીય અભિગમ દરેક ઘટનામાં દેખાઈ આવે છે.

તિહાર માટેના જ શબ્દોમાં આવેલું પરિવર્તન આ સુંદર, હકારાત્મક સમયગાળાને વ્યક્ત કરે છે, સાથે શ્રી કિરણ બેદીની મહેનત અને નિષ્ઠાને સલામ કરવા મજબૂર કરે છે. પહેલાં તિહાર 'જેલ' હતી. શ્રી કિરણ બેદીએ તેને નામ આપ્યું: 'તિહાર આશ્રમ' અને તેમની બદલી પછી ત્યાંના કેદીઓએ નામ આપ્યું 'તિહાર અનાથ આશ્રમ'.

આવી કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓ ભારતમાં જન્મી છે તે માટે ભારતને ગૌરવ હોવું જોઈએ.

આ પુસ્તકનું અર્પણઃ
સંવેદનાવિહોણા વહીવટીતંત્રે, જેમને ગળે ટૂંપો દીધો છે એવા અસંખ્ય દુખિયારા જીવોને.

પડકાર - જીવન રેખા
- કિરણ બેદી
મૂળ લેખકઃ પરમેશ ડંગવાલ
અનુવાદઃ ડૉ. કેશુભાઈ દેસાઈ
પ્રકાશકઃ આર. આર. શેઠની કંપની
મૂલ્યઃ રૂ. 200/-

(આપ પણ આ રીતે, આપને સ્પર્શી ગયેલા કોઈ પુસ્તકની વાત અમને charkhaguj@gmail.com પર મોકલી શકો છો. )

2 ટીપ્પણી:

રજની અગ્રાવત કહ્યું...

ઉત્કંઠા ધોળકિયા

તમે આપેલ પુસ્તક પરિચયના અનુસંધાનમાં તો નહી પરંતુ કિરણ બેદી અંગે બે વાત કરવાનું મન થાય છે.

* તેઓ ગાંધીધામમાં આવેલા ત્યારે (પ્રવચનમાં) એમણે અમુક વાતો કરી જે મને એક સ્પર્શી ગઈ હતી. તેઓએ કહ્યુ કે જીવનમાં હંમેશા અડચણોનો ડટકે મુકાબલો કરો પરંતુ ક્યારેય આ બૈલ મુજે માર વાળી વાત ન કરો નહિતર તમારી એનર્જીનો ઉપયોગ નહી થાય પરંતુ વેસ્ટ જશે.

* સૌ જાણતા જ હશો કે અત્યારના તબક્કે તેઓનો સ્ટાર પ્લસ પર એક પ્રોગ્રામ આવે છે " આપકી કચેરી" આ પ્રોગ્રામથી પણ તેઓની છબી વધુ ઉજાગર થાય છે કે તેઓ કેસને કેવી રીતે માનવીય અભિગમથી હેન્ડલ કરે છે. આપણને સાવ ક્ષુલ્લક લાગે એ પ્રકારના ઝગડાને પણ તેઓ સારી રીતે સમાધાન કરાવીને એનું નિવારણ લાવે છે.

હેટસ ઑફ કિરણ બેદી અને આ પ્રકારના પુસ્તકનો પરિચય આપવા બદલ આપને પણ ખુબ ખુબ અભિનંદન.. વીશ યુ ગુડ લક ટુ ચરખા ગુજરાત: પડકાર.

= રજની અગ્રાવત - ગાંધીધામ (કચ્છ)

Charkha Gujarat કહ્યું...

તમારા મત માટે ખૂબ આભાર રજનીભાઈ.એ જ પુસ્તકોને જીવંત રાખે છે.તમે તો પુસ્તકને પૂરક માહિતી પણ આપી. આશા છે કે તમારા તરફથી પુસ્તક ૫રિચય પણ મળશે! આખરે તમારા જેવા ઉત્સાહી વાચકો જ આ વાચન વર્તુળને સતત ગતિમાન રાખે છે.

ચરખા તરફથી શુભેચ્છાઓ....