વાત વાચન વર્તુળની...

વાચન ચાહકોનું નિયમિત મિલન અને વાચનની આપ-લે કરવાનું ‘ચરખા’એ નક્કી કર્યું ત્યારે આ મિલનને શું નામ આપવું એ એક મીઠી મૂંઝવણ હતી.

છેવટે એમ નક્કી થયું કે આપણું આ મિલન સતત, નિરંતર ચાલશે. કેમ કે, વાચનપ્રેમીઓ અને તેમના માટેના વાચનની તો ખોટ જ નહોતી. આવી લાગણી વ્યક્ત કરી શકે એવી એક બાબત હતી: વર્તુળ અથવા ગોળાકાર. વર્તુળનો કોઈ જ છેડો કે અંત ન હોય; સાથે સાથે એ એટલું વિસ્તરી પણ શકે, જેટલું એને વિસ્તારવું હોય. દરેકને સમાવી લેતું, દરેકનો ચહેરો સામસામે રાખતું, અંત-આદિ વિનાનું વર્તુળ અને એને વિશિષ્ટ બનાવતી વાત એટલે વાચન. આમ, નામકરણ થયું વાચન વર્તુળનું.

આ વિભાગમાં આપણે પ્રેરણાદાયી, જીવનલક્ષી પુસ્તકોની વાત વહેંચીશું. વહેંચવાથી વાત વિસ્તરે એ હિસાબે આપ સહુ પણ પોતાના વાચનની વાત કહીને આ વર્તુળને વિસ્તારશોને?

અને હા, બહુ બધું લખવું પડશે એવી બિલકુલ ચિંતા ન કરશો. પુસ્તક-લેખક-પ્રકાશકનાં નામ તો જાણે કે લખવાં જ જોઈએ. કિંમત એટલે કે મૂલ્ય પણ અગત્યની વાત. પુસ્તક ક્યાંથી મળી શકે, એટલે કે પ્રાપ્તિ સ્થાન પણ જોઈએ કેમ કે તો બીજા મિત્રોને એ પુસ્તક ક્યાંથી લેવું એનું માર્ગદર્શન મળી શકે.

બસ, આટલી વિગત આવી જાય એટલે સમગ્ર પુસ્તકના સારાંશને આવરી લેતો એક ફકરો એટલે કે આઠથી દસ લીટી... તો લખાય જ ને આપણાં પ્રિય પુસ્તક વિશે? અને પુસ્તકનું મુખપૃષ્ઠ સ્કેન કરીને જેપીજી ફાઈલ અમને મોકલી આપો.

તો બસ, ઉપાડો કલમ અને આવી જાવ આ વિસ્તરતા વાચન વર્તુળમાં...


મિત્રો,
એક સરસ વેબસાઈટની મુલાકાત લેવી ગમશે? તો માણો સાયબર સફર...
www.cybersafar.com

મિત્રો,
વાચનવર્તુળની એક કડી જુઓ મળી રીડગુજરાતીમાં
http://www.readgujarati.com/sahitya/?p=3881
કેમ છો મિત્રો ? તમારા પ્રતિભાવોની રાહ જોવાની સાથે એક નવો વિભાગ શરૂ કરી રહ્યા છીએ. જેનું નામ છે સાભાર. આ વિભાગમાં આપણે સરસ પુસ્તકોના અંશની મઝા માણીશું. તમે પણ તમને ગમતાં પુસ્તક્નો અંશ અહીં મૂકી શકો છો. એટલે કે મનગમતાં વાચનની આપ-લે કરીશું.
અને હા, એ અંશ એટલો રસપ્રદ પસંદ કરવો કે વાચકને આખું પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ જાય.સહુ પ્રથમ તો દિપ્તેશભાઇ, પ્રતિભાવ માટે તમારો ખૂબખૂબ આભાર. તમારો સવાલ એવો છે કે જેનો જવાબ અહીં આપવામાં આવશે તો ઘણા મિત્રોને તેમાંથી માર્ગદર્શન મળશે.
વાચનવર્તુળ શરૂ કરવા માટે ’ચરખા’ની કોઇ શરતો કે નિયમો નથી. તે તમારું પોતાનું છે. હા, તમે તેને અલગ કે આગવું બનાવવા માગતા હો તો કોઈ સરસ નામ પણ આપી શકો છો.
વાચનવર્તુળ શરૂ કરવા માટે જરૂરી છે એક મહિને માત્ર થોડો સમય અને વાચન પ્રત્યેનો રસ. જેથી જેમને વાચનમાં રસ નથી તેવા મિત્રોને પણ આમાં જોડી શકાય. તમે થોડા મિત્રો સાથે મળીને વાચનવર્તુળ શરૂ કરી શકો. મહિને એક વાર મળવાનું રાખી શકાય. આ બેઠકનો મુખ્ય મુદ્દો છે વાચન. કોણે કયું પુસ્તક વાંચ્યું તે વિશે વાત કરી શકાય. તેમાં શું અને શા માટે ગમ્યું તે પણ કહી શકાય. કોઇ સામાયિક કે સમાચારપત્રોમાં કંઇ ગમ્યું હોય તેની વાત પણ રજૂ કરી શકાય. દર મહિને વૈવિધ્ય લાવવા અલગઅલગ વિષયવસ્તુવાળાં પુસ્તકો વાંચીને તેના વિશે વાત કરી શકાય.ક્યારેક માત્ર જીવનચરિત્રો, ક્યારેક માત્ર પ્રવાસવર્ણનો,ક્યારેક ટૂંકી વાર્તા તો ક્યારેક વિકાસલક્ષી પુસ્તકો, કોઇ વાર કવિતા અને નિબંધસંગ્રહોનો સ્વાદ પણ ચાખી શકાય. જે સહુને વાંચવું અને વહેંચવું ગમે તેવું દરેક પ્રકારનું વાચન આ વર્તુળમાં આવરી શકાય. તમારા વિસ્તારના જો કોઇ કવિ કે લેખક હોય, તો તેમને પણ આમંત્રણ આપી શકાય. કેટલાં પુસ્તકો વિશે ચર્ચા થઈ તેની યાદી બનાવી શકાય. જેનાથી લોકપ્રિય પુસ્તકો વિશે જાણ થાય.
આ વર્તુળની બીજી એક ખાસિયત એ છે કે અહીં દરેક વ્યક્તિ જોડાઈ શકે છે. ઉમર,વ્યવસાય,જાતિ-કશું નથી નડતું. વિદ્યાર્થી હોય કે ગૃહિણી, નિવૃત હોય કે નોકરિયાત, બિઝનેસપર્સન હોય કે ગૃહઉદ્યોગ ચલાવતી વ્યક્તિ- દરેક માટે આ વર્તુળ હંમેશાં વિસ્તરતું રહે છે. સહુથી મોટી વાત તો એ છે કે આ પ્રવૃત્તિ સાવ મફતમાં કરી શકાય છે. એની ફી છે વાચન અને માત્ર વાચન. હા, કોઈ વાચનવર્તુળની ટીમને નજીવી ફી લઈને તેમાંથી પુસ્તકો ખરીદીને દરેક સભ્ય તે વારાફરતી વાંચે તેવું કરવું હોય તો તે કરી શકે છે. તે સંપૂર્ણ રીતે જે તે ટીમનો નિર્ણય અને સત્તા રહેશે. ’ચરખા’નું કામ તો આંગળી ચીંધવાનું છે. મુસાફરીની મઝા તો તે વર્તુળના સભ્યો જ માણશે. ખરુંને?
હજી એક બીજી વાત.... તે એ કે આ તો માત્ર સૂચનો છે. ’ચરખા’ જાણે છે કે તમારા પાસે આનાથી પણ વિશેષ અને જોરદાર વિચારો રહેલા છે. તો બસ, રાહ શેની જોવાની? શરૂ કરશોને આ વાચનવર્તુળને? પછી તમારા અનુભવો ’ચરખા’ને મોકલશો જેથી બીજા મિત્રોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી શકે.
તો લખતા રહેશો.. મળતાં રહીશું......

2 ટીપ્પણી:

Xitij Shukla કહ્યું...

# વિસરતા જતા ગુજરાતી વાંચન વચ્ચે વાંચનવર્તુળ વિશાળ અને અનાદિ બની રહે તેવી શુભેચ્છાઓ. શું દરેક પુસ્તક માટે કોઇ ચોક્કસ પ્રકાર (કેટેગરિ આથવા તો ટેગ્સ્)નક્કિ કરી શકાય્? જેથી http://del.icio.us જેવી સોશ્યલ બુકમાર્કિંગ વ્યવસ્થા વડે આ પુસ્તકોનો ઘેરબેઠાં ઈન્ટરનેટ પર જ રિવ્યુ વગેરે વાંચી શકાય.

Charkha Gujarat કહ્યું...

ક્ષિતિજભાઈ,

તમે આપેલા પ્રતિભાવ બદલ તમારા આભારી છીએ. એક વાર પુસ્તકોનું અવલોકન આપવાનું શરૂ કરીએ તે પછી તે પુસ્તકોને વિભાગો(કેટેગરી)માં વહેંચીશું. થોડા દિવસો પછી તમે આ વિભાગમાં તમને ગમે એ પુસ્તકનો રિવ્યુ(અવલોકન)લખીને આપી શકશો. તમારા પ્રતિભાવો અને સૂચનો આવકાર્ય છે.

સંજય