ધ ભુજ સ્ટોરી: કચ્છના ધરતીકંપ વખતે અસરગ્રસ્તોનું ઝીણું ઝીણું જતન કરનારા નિષ્ઠાવાન કર્મયોગીઓની કથા

- સંજય દવે

વાત છે વર્ષ 2001ની. કચ્છ અને ગુજરાતમાં આવેલા ધરતીકંપ પછી ભુજમાં કલેક્ટર ઑફિસ ખાતે મદદ માટે પહોંચેલો રિષિ નામનો યુવાન કોઈ વિદેશી વ્યક્તિ સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો છે. હા, ખરેખર વાત કરવાની 'કોશિશ' જ કહેવું પડે એવી સ્થિતિ સજાર્ઈ છે અહીં. માત્ર સ્પેનિશ અને થોડીક ફ્રેંચ ભાષા જાણતા ઓલ્માડો ગાર્સિયા નામના એ ભાઈ સાથે સંવાદ સાધતા રિષિને નાકે દમ આવી ગયો.

દૂરદરાજના મેડ્રિડ દેશમાંથી આપણા ગુજરાતના કચ્છમાં ધરતીકંપથી પીડિત લોકોની મદદ કરવા આવેલા ઓલ્માડોને અંગ્રેજી ભાષા બિલકુલ આવડતી નહોતી. તેમ છતાં કલાકો સુધી હાથના ઈશારાથી પોતાની વાત સમજાવવાની તેમની કોશિશ દાદ માંગી લે તેવી હતી. કલાકો સુધી મથ્યા પછી રિષિને એટલું સમજાયું કે, ઓલ્માડો પાણી માટેનો કૂવો ખોદવાની વાત કરે છે. તેમનો એક જ શબ્દ રિષિને સમજાતો હતો: 'વાટર'.

જોકે, રિષિની મુશ્કેલી તો હવે શરૂ થઈ. ધરતીકંપ પછી કરવાં જેવાં કામોમાં લોકોના માથે છત ઊભી કરવાનું કામ પ્રાથમિકતાભર્યું હતું. પહેલાં લોકો બેઠા થાય તે પછી જ એક-એક મુદ્દો વારાફરતી હાથ ધરી શકાય. પરંતુ, આ વાત ઓલ્માડોને સમજાવવી કેવી રીતે? જોકે, રિષિ ખૂબ જ આશાવાદી યુવાન. તેણે મેડ્રિડ દેશ સુધી ફોન કરીને અનેક પ્રયત્નો પછી મુંબઈના એક સ્પેનિશ ઇન્સ્ટ્રક્ટર બહેન શ્રીમતી મીરચંદાણીને શોધી કાઢ્યાં. ઓલ્માડો તેમને છેક મુંબઈથી ભુજ સુધી હવાઈ માર્ગે લઈ આવ્યા. છેવટે પાણીને બદલે હૉસ્પિટલ બાંધવાની જરૂરિયાતને પ્રાથમિકતા આપવાની વાત શ્રીમતી મીરચંદાણીની મદદથી ઓલ્માડોને સમજાવી શકાઈ.

આવી અનેક હળવાશભરી, પણ ઉમદા કહાણીઓ 'ધ ભુજ સ્ટોરી' નામના અંગ્રેજી પુસ્તકમાં આલેખાઈ છે. રિષિ મોહન સનવાલ નામના આઈઆઈએમ-અમદાવાદના વિદ્યાર્થીએ લખેલું આ 58 પાનાંનું પુસ્તક એક મહત્ત્વનો સંદેશો આપે છે: 'જીવન સુંદર છે.'

ધરતીકંપ પછી 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ-(આઈઆઈએમ) અમદાવાદ'ના વિદ્યાર્થીઓ રિષિ અને પ્રશાંત તેમ જ 'ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા)-આણંદ'નાં નિધિ તિવારીની ટીમને થયેલા અનેક નોંધપાત્ર અનુભવોની વાત ખૂબ હળવી શૈલીમાં આ પુસ્તકમાં રજૂ થઈ છે. આ ત્રણેય યુવામિત્રોએ જિલ્લા કલેક્ટર ઑફિસ, જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ની ઑફિસ, યુએનડીપી અને 'અભિયાન' તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ધરતીકંપ પછી કામ કર્યું હતું. પત્ર અને રિપોર્ટ લખવાથી માંડીને ધરતીકંપ પછીના પુનર્વસનની કામગીરીની દેખરેખ રાખવા સુધીના વિવિધ પ્રકારનાં કાર્યો આ યુવાનોએ ઉમળકાભેર ઉપાડી લીધાં હતાં. તેમાં 'નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઈન'ના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. ધરતીકંપ પછીના ચાલીસમાં દિવસે ભુજ પહોંચી ગયેલા રિષિને કચ્છી લોકોની ખુમારી સ્પર્શી ગયેલી. એટલે જ તેણે કચ્છી માડુઓ, પુનર્વસનમાં જોડાયેલા કર્મશીલો અને સરકારી તંત્રના કર્મચારીઓ-અધિકારીઓની કર્મનિષ્ઠાના વિવિધ પ્રસંગો આ પુસ્તકમાં દિલ ખોલીને વર્ણવ્યા છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રકાશિત આ પુસ્તકનો સૂર ખૂબ આશાવાદી છે.

આ લેખની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો તે ઓલ્માડો ગાર્સિયાવાળા પ્રસંગની વાત પુસ્તકના લેખક રિષિએ ખૂબ નિખાલસપણે બયાન કરી છે. તેણે લખ્યું છે: "અમદાવાદથી ભુજ આવતાં પહેલાં મેં ભુજની આરોગ્ય અને સફાઈની સ્થિતિ ચકાસવાની ચીવટ રાખેલી. એટલું જ નહીં, પણ કચ્છમાં હિન્દી ભાષા લોકો સમજે અને બોલે છે કે કેમ તે અંગે પણ મને ચિંતા હતી. જો ઓલ્માડો હજારો માઈલ દૂરથી અહીં આ બધી ચિંતા કર્યા વગર અસરગ્રસ્તોની વહારે ધસી આવ્યા હોય તો પછી મારે શા માટે આ બધી ચિંતા કરવી જોઈએ એવું મને થયેલું. મને ઓલ્માડોનાં મનોબળ અને ધગશ ખૂબ સ્પર્શી ગયેલાં, એટલે જ મેં ભાષાની મર્યાદાઓને પાર કરીને તેમની સાથે વાત કરવાની કોશિશ કરેલી."

પુસ્તકમાં મહેન્દ્રસિંહ, બહાદૂરભાઈ, જોશીજી, ઘોન્ટો, માસી, નિધિ તિવારી, જયદીપ, રિયાઝ જેવા અનેક કર્મનિષ્ઠ વ્યક્તિઓ સાથેના યાદગાર પ્રસંગો નોખી શૈલીમાં રજૂ થયા છે. ગુજરાતના આ ધરતીકંપમાં કુલ 13,805 લોકોના મૃત્યુ થયાં હતાં અને દોઢ લાખથી વધુ લોકોને ગંભીર ઇજા થઈ હતી. આ હતાશાભરી કરૂણ ઘટનાને યાદ કરવાની સાથેસાથે કચ્છને બેઠું કરવા માટે મથેલા નાના-નાના પણ, મુઠ્ઠી ઊંચેરા માણસોમાંથી કેટલાક લોકો વિશે આ પુસ્તકમાં થયેલું બયાન આફત પછીની સ્થિતિની અનોખી છાપ છોડી જાય છે. ઉપરાંત, કોઈ પણ આફત દરમ્યાન આવા ઉમદા માનવીઓની દરિયાદિલી આખા માહોલને હકારાત્મક દિશા તરફ દોરી જાય છે.

પુસ્તક મેળવવા અને વધુ માહિતી માટે સંપર્કઃ
શ્રી રિષિ મોહન સનવાલ - નવી દિલ્લી
મોબાઈલઃ 09818602228

શ્રી નિધિ તિવારી - નવી દિલ્લી
મોબાઈલઃ 09350025912

સંપાદકઃ સુશ્રી દયાવંતી શ્રીવાસ્તવ

પ્રકાશકઃ ડાયરેક્ટર,
પબ્લિકેશન ડિવિઝન, મિનિસ્ટ્રી ઑફ ઇન્ફરમેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ,
ગર્વન્મેન્ટ ઑફ ઇન્ડિયા, પતિયાલા હાઉસ, નવી દિલ્લી-110 001.

કિંમતઃ રૂ. 60