શું આપણાં જાહેર સ્થળો અને ઇમારતો અવરોધમુક્ત છે?

- સંજય દવે

શ્રી અરિંદમ મિત્રા અમદાવાદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા 'ઉન્નતિ'માં એક્ઝિક્યુટિવ મેનેજર છે. અમદાવાદમાં થોડાં વર્ષો પહેલાં તેમને ગંભીર અકસ્માત થયો ત્યારથી તેઓ વિકલાંગ બન્યા. તેઓ વ્હીલચેરમાં બેસીને કોઈની મદદથી જ હરીફરી શકે છે. એક વાર તેઓ અમદાવાદના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ખરીદી કરવા ગયા. આ સ્ટોરમાં તેઓ વિકલાંગ બન્યા તે પહેલાં પણ અવારનવાર આવતા હતા તેથી સ્ટોરનો સ્ટાફ અને માલિક તેમને ઓળખતો હતો.

શ્રી અરિંદમ મિત્રા શોપિંગ કરવાના હેતુથી સ્ટોર સુધી તો પહોંચી ગયા, પણ સ્ટોર ભોંયરામાં હોવાથી તેઓ દાદર ઉતરીને અંદર જઈ શકે એમ નહોતા. તેમની મુંઝવણ પારખીને તેમને ઊંચકવા માટે સ્ટોરના માલિકે પોતાના સ્ટોરના ચાર માણસોને મોકલ્યા, પણ અરિંદમે આ રીતે શોપિંગ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે અરિંદમને ઘઉંના કોથળાની જેમ ઊંચકાઈને ખરીદી નહોતી કરવી. ભલે, પોતે વિકલાંગ છે, પણ તેઓ સ્વમાનભેર પોતાની વ્હીલ ચેરમાં જ સ્ટોરમાં પ્રવેશી શોપિંગ કરવા ઈચ્છતા હતા. જોકે, શ્રી અરિંદમની એ ઈચ્છા અધૂરી રહી. ડિપાર્ટમેન્ટલ સ્ટોર ભોંયરામાં હોવાથી અને વળી, તેમાં ઢાળ પણ ન હોવાથી તેઓ પોતાની વ્હીલ ચેર અંદર લઈ જઈ શક્યા નહીં.

અમદાવાદ, ગુજરાત અને આખા ભારતમાં આવા સ્ટોર, જાહેર ઈમારતો, બગીચા, રેલવે સ્ટેશનો, સિનેમા થિયેટરો, હૉસ્પિટલો, બેંક, ટ્રેન, બસ વગેરેમાં શ્રી અરિંદમની જેમ વિકલાંગતા ધરાવતા લોકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ, બીમાર લોકો અને બાળકો પહોંચી શકતા નથી. ભારતની વસ્તીમાં આશરે છ કરોડ લોકો વિકલાંગતા ધરાવે છે. એમાં સગર્ભા મહિલાઓ, સિનિયર સિટિઝન્સ (વૃદ્ધ નાગરિકો), બાળકો, બીમાર અને ઈજાગ્રસ્ત લોકો વગેરે ઉમેરીએ તો દેશની કુલ વસ્તીના 45 ટકાથી વધુ લોકોને ડગલે ને પગલે અવરોધરૂપ વાતાવરણનો સામનો કરવો પડે છે. પરિણામે તેઓ જાહેર સવલતોનો ઉપયોગ કરી શકતા નથી.

આજે, મોટાભાગનાં સ્થળો વિકલાંગો કે વૃદ્ધોની પહોંચથી દૂર કે અસુરક્ષિત છે. લેખમાં ઉપર ઉલ્લેખ કર્યો છે એવી તમામ વ્યક્તિઓને રસ્તા, મકાનો, વાહનવ્યવહાર, બગીચાઓ અને અન્ય સ્થળોએ પહોંચવા માટે, તેમાં પ્રવેશ મેળવવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે. આ બધી જગ્યાએથી તેમની બાદબાકી કરવી એનો અર્થ એ કે તેમના અધિકારો છીનવી લેવા. અવરોધો અને અડચણોથી વાતાવરણ અસલામત બને છે અને તેનો વપરાશ કરનારા માટે ખૂબ અગવડો ઊભી કરે છે. આ વાત વધુ સ્પષ્ટ કરવા માટે કેટલાંક ઉદાહરણો જોઈએ. ધારો કે વ્હીલ ચેર ધરાવતી એક વિકલાંગ વ્યક્તિને ઑફિસમાં જઈ કામ કરવું છે, પણ તેને જ્યાં કામ કરવું છે તે ઑફિસ ચોથા માળે છે અને વળી, એ બીલ્ડિંગમાં લિફ્ટની સગવડ પણ નથી. તેથી વ્હીલ ચેર ધરાવતી એ વ્યક્તિ પોતાનું મનગમતું કામ કરવાની ક્ષમતા બતાવી શકશે નહીં.

એ જ રીતે એક વિકલાંગ બાળકને શાળામાં ભણવું હોય, પણ તે અવરોધ વગર જઈ શકે એવા શૌચાલયની સુવિધા શાળામાં ન હોય તો શિક્ષણ મેળવવાથી તે વંચિત રહી શકે. કોઈ દૃષ્ટિહીન વ્યક્તિને કોઈ જાહેર સ્થળ કે ઇમારતમાં જવું હોય તો તે સમજી શકે તેવી શ્રાવ્ય (સાંભળી શકે તેવી) સંજ્ઞાઓ ત્યાં નહીં હોય તો તેને મુશ્કેલી પડશે. આંખે ઓછું દેખતી વ્યક્તિ માટે જમીનની અલગઅલગ સપાટીનો ફરક બતાવવા જુદાજુદા રંગો વાપરવામાં આવ્યા હોય તો જ તે અકસ્માત કે પડવા-વાગવાથી બચી શકશે.

આ રીતે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિકલાંગ વ્યક્તિઓને તકો ગુમાવવાનો વારો આવે છે. માત્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ જ આવી તકોથી વંચિત રહે છે એવું નથી, પરંતુ સમાજ પણ આવી વ્યક્તિઓના યોગદાનથી વંચિત રહે છે. સમાજમાં વિકલાંગ વ્યક્તિઓની ભાગીદારી અને જોડાણ વધારવા માટે રોજગારી અને શિક્ષણમાં અનામતની વ્યવસ્થા કરવી એટલું પૂરતું નથી. તે માટે વ્યાપક જનજાગૃતિ અને સમજ ઊભી કરવી આવશ્યક છે. કોઈ વ્યક્તિને સમાન તક તથા સહભાગિતા ન આપવી એ ભારત દેશના નાગરિક તરીકેના તેના અધિકારો ઉપર તરાપ મારવા સમાન છે. તેથી આપણા ગુજરાત અને ભારતમાં અવરોધમુક્ત વાતાવરણ સર્જવાની ખૂબ જરૂર છે. અવરોધમુક્ત વાતાવરણ એટલે? તમામ લોકો સ્વતંત્ર રીતે અને સલામતપણે કોઈ પણ બંધન વગર ગમે ત્યાં ફરી શકે તેવું વાતાવરણ.

અવરોધો કે અડચણોથી મુક્ત વાતાવરણ ઊભું કરવાથી માત્ર વિકલાંગતા ધરાવતા લોકોને જ નહીં, પણ વૃદ્ધો, બાળકો, સગર્ભા મહિલાઓ, માલસામાન કે બોજ લઈને જતી વ્યક્તિઓ, માંદગી કે અકસ્માતના કારણે થોડા સમય માટે વિકલાંગ થઈ ગયેલા લોકોને પણ ફાયદો થાય છે. આમ થવાથી વ્યક્તિને જીવવા માટે અન્ય વ્યક્તિ ઉપર નહીવત્ આધાર રાખવો પડે છે. વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો, 1995ની કલમ 44થી 46 વિકલાંગ વ્યક્તિઓ માટે રસ્તા, પરિવહન, જાહેર ઇમારતો વગેરેમાં અવરોધમુક્ત વાતાવરણ સર્જવાની જોગવાઈ દર્શાવે છે. આ જોગવાઈનો અસરકારક અમલ થાય અને વિકલાંગ વ્યક્તિઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તે માટે વિવિધ હિતધારકોએ સામૂહિક પ્રયાસો કરવા જરૂરી છે.

સમાજના સંબંધિત સભ્યો તેમ જ વિકલાંગતા ધરાવતા લોકોની બદલાતી જતી અપેક્ષાઓ તથા વૃદ્ધોની વધતી જતી સંખ્યાના કારણે છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન, સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પહોંચ કે ઉપલબ્ધતા ધરાવતા વાતાવરણ (એક્સેસિબલ એન્વાયર્મેન્ટ) બાબતે લોકોનું થોડું ધ્યાન દોરાયું છે. અવરોધમુક્ત વાતાવરણ એટલે કે બેરીયર ફ્રી એન્વાયર્મેન્ટ સર્જવા માટે ગુજરાતના પ્રત્યેક ગામ, નગર અને શહેરના આર્કિટેક્ટો, ડિઝાઈનરો, બીલ્ડરો, વિવિધ સરકારી વિભાગો, સામાજિક અને શિક્ષણ સંસ્થાઓ તથા નીતિ ઘડનારાઓએ પહેલ કરવી જોઈએ. વિકલાંગ વ્યક્તિઓની ખાસ જરૂરિયાતો અંગે જનસમાજમાં અરસપરસ સંવાદ થતો ન હોવાથી સૂઝ અને સમજનો અભાવ છે.

અમદાવાદ સ્થિત 'ઉન્નતિ-વિકાસ શિક્ષણ સંગઠન' અને 'હૅન્ડિકેપ ઇન્ટરનેશનલ'ના નેજા હેઠળ અમદાવાદમાં 'અંધ જન મંડળ' તથા વડોદરામાં 'યુનાઇટેડ વે ઑફ બરોડા', 'સ્કૂલ ઑફ આર્કિટેક્ટ' તેમ જ 'ફેકલ્ટી ઑફ સોશ્યલ વર્ક' સાથે મળીને અવરોધમુક્ત વાતાવરણ સર્જવાની દિશામાં નોંધપાત્ર કાર્યો થઈ રહ્યાં છે. વિકલાંગતાના મુદ્દે જાગૃતિ અને સંવેદનશીલતા ઊભી કરવા માટે જુદાંજુદાં ક્ષેત્રોના વ્યવસાયીઓ અને નાગરિકોનું બનેલું એક કાર્યકારી જૂથ પણ રચાયું છે. અવરોધમુક્ત વાતાવરણના મુદ્દે વિવિધ નાગરિકોનો ઉમળકાભેર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

આજે અમદાવાદ અને ગુજરાતમાં અવરોધમુક્ત જગ્યાઓનાં કેટલાંક દૃષ્ટાંતો જોવા મળે છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અંધજન મંડળના મકાન અને પ્રાંગણમાં વિકલાંગ વ્યક્તિઓ માટે ઢાળ (રૅમ્પ), વ્યવસ્થિત રેલીંગ, દરેક વ્યક્તિને સુવિધા રહે એવું કાઉન્ટર (બારી) વગેરે જેવી અનેક અવરોધમુક્ત સગવડો જોવા મળે છે. ગુજરાતમાં આવી ઘણી જગ્યાઓ હોવા છતાં હજુ ઘણું કરવાનું બાકી છે. દિલ્લીમાં 'દિલ્લી હાટ' અને 'દિલ્લી મેટ્રો' જેવાં સ્થળો સૌના સામૂહિક પ્રયાસથી અવરોધમુક્ત બન્યાં છે. તે જ રીતે આપણી આસપાસનાં મોટાં અને મહત્ત્વનાં જાહેર સ્થળોને અવરોધમુક્ત કરીને એક દૃષ્ટાંતરૂપે રજૂ કરી શકાય.

શું તમે તમારું શહેર કે નગર અવરોધમુક્ત બનાવવા માટે તૈયાર છો?