હોડીના હલેસે જીવન વ્યવહાર ચલાવતું અતિ પછાત શેરૂલા ગામનું તાપી ફળિયું

- સંજય દવે
સુરતથી છૂટા પડેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ ડેમ પાસે શેરૂલા ગામ આવેલું છે. આ ગામનું તાપી ફળિયુ તાપી નદીના કિનારે અને ઉકાઈ ડેમની લગોલગ વસેલું છે. આ વિસ્તાર ઉકાઈ ડેમના પ્રોજેક્ટ વિસ્તારમાં આવે છે.

સુરતમાં આવેલા પૂર દરમ્યાન આખું ફળિયું ડૂબી ગયું હતું. જો કે, ત્યાં વસતાં આદિવાસીઓ ગમેતેમ કરીને ઊંચી ટેકરી ઉપર ચઢી જવાથી બચી ગયા હતા. આ ફળિયાનાં 40 ઘરોમાં વસવાટ કરતા વસાવા, કાથોડી, પાડવી અને કોટવાળિયાની મળીને 1500 લોકોની વસ્તી છે. અહીં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી બધી જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાય છે. અહીંના આદિવાસીઓ માછીમારી કરીને જીવન ગુજરાન ચલાવે છે. આ ફળિયું શેરૂલા ગામની પંચાયતમાં આવતું હોવાં છતાં હજુ સુધી કોઈ પણ સ્તરની પંચાયત મારફતે ગામને કોઈ સુવિધા મળી નથી.

સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા ‘શક્તિ ટ્રસ્ટ’ દ્વારા અહીં હૅન્ડપંપ અને વાંસની નિશાળની સુવિધા આપવામાં આવી છે. ઉપરાંત, પૂરમાં તણાઈ ગયેલાં ઘરો ફરીવાર આ સંસ્થાની મદદથી ઊભાં કરવામાં આવ્યાં છે. નિશાળમાં આવતા એકમાત્ર યુવાન શિક્ષકને હોડીમાં જ ફળિયા સુધી આવવું પડે છે. તમારે પણ નૌકાવિહાર કરીને આ ફળિયામાં પહોંચવું હોય તો ગામમાં રહેતા રામાભાઈને મોબાઈલ ઉપર હોડી મોકલવા જણાવવું પડે.

વધુ માહિતી માટે સંપર્કઃ
અમૃતભાઈ પટેલ, નિયામકશ્રી, શક્તિ ટ્રસ્ટ, મુ. સોનગઢ, તા. સોનગઢ, જિલ્લોઃ તાપી
મોબાઈલઃ 9978918870, ઑફિસઃ 02624-221874
Type rest of the post here