રમીલાબહેન, ગૌરવભરી સલામ તમને!!

- સંજય દવે
સવારે સૂરજ પોતાના આગમનના એંધાણ આપે છે ત્યારે રમીલાબહેન રોજની જેમ આજેય જલદી ઘરનું કામ આટોપવામાં લાગી ગયાં છે. ઘરનું કામ પત્યું - ના પત્યું ત્યાં ઘરની બહાર આગંતુકોની લાંબી લાઈન લાગી ગઈ સમજો!

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આદિવાસી વિસ્તારના ગજાપુરા ગામમાં આવેલાં રમીલાબહેનને ઘરે તથા માહિતી કેન્દ્ર ઉપર માત્ર ઘોઘંબા જ નહીં, પણ શહેરા, બારિયા, સંતરામપુર અને ફતેપુરા તાલુકામાંથી લોકો કાયદાકીય સલાહ લેવા ઉમટી પડે છે. વિનામૂલ્યે કાયદાકીય સલાહ અને માર્ગદર્શન પૂરું પાડતાં રમીલાબહેન શું વકીલ છે? ના, તેઓ ફક્ત એસએસસી સુધી ભણેલાં છે. તેમ છતાં બીજાને મદદરૂપ થવાની ભાવના, અન્યાય સામેનો આક્રોશ, 'આનંદી' સંસ્થાની તાલીમ અને છેલ્લે પેરાલીગલની તાલીમને કારણે તેઓ તેમના વિસ્તારમાં વકીલની ગરજ સારે છે. એટલું જ નહીં, વકીલ પાસેથી કેસ પાછો લઈને લોકો ખૂબ આસ્થા સાથે તેમની પાસે ન્યાયની આશા લઈને આવે છે.

પેરાલીગલ તાલીમ વિશે રમીલાબહેન કહે છે, "મેં તો પે'લાં તાલીમમાં જવાની જ ના પાડી'તી. અમે ઓછું ભણેલાં એટલે તાલીમમાં કોઈ અંગ્રેજીમાં બોલે એ અમને ની આવડે." છેવટે આ તાલીમ મહત્ત્વની છે એવું સમજાતાં તેમણે ત્રણ દિવસની આ તાલીમ પૂરી કરી. પહેલા દિવસે તો એ મૌન જ રહ્યાં. બધા બોલે અને રમીલાબહેન સાંભળ્યા કરે. પછી હિંમત ખુલી અને કાયદાની વિવિધ કલમો જાણવામાંય રસ જાગ્યો. માંડ દશમું ધોરણ ભણેલાં રમીલાબહેને કાયદાનાં અનેક પુસ્તકો વાંચી લીધાં છે અને આજેય વાંચતાં રહે છે. કયા ગુનામાં, કઈ કલમ લાગે એ વિશે એમને પૂછો તો ફટફટ કલમોની લાંબી લચક યાદી બોલી જાય!

રમીલાબહેન, પેરાલીગલ તાલીમ મેળવીને અટક્યાં નથી. તેમણે તાલીમમાં મેળવેલી જાણકારી ઘોઘંબા તથા દેવગઢ બારિયા તાલુકાનાં 80થી વધુ ગામોનાં બહેનો-ભાઈઓ સુધી સારી રીતે પહોંચાડી છે. ઉપરાંત, તેમણે છેલ્લાં બે વર્ષમાં મહિલાઓને જમીનમાલિકી, ભરણપોષણ, મારઝૂડ તેમ જ મહિલાઓને ડાકણ ગણીને પરેશાન કરવાના મળીને કુલ 100થી વધુ કેસો સફળતાપૂર્વક હાથ ધર્યા છે. કાયદાકીય તાલીમે એમને આવું બળ પૂરું પાડ્યું છે. તેઓ તેમના આગવા લહેકામાં કહે છે કે, "તાલીમ પહેલાં પણ હું કાયદાકીય માર્ગદર્શન તો આપતી'તી, પણ તાલીમ પછી મારામાં આત્મવિશ્વાસ આવ્યો છે. હું જે કરું છું એ સાચું અને સારું કરું છું એવી ભાવના દૃઢ થઈ છે." આજે રમીલાબહેનને પોતાના કામમાં સમય ઓછો પડે છે. દૂરદૂરનાં ગામોથી ન્યાયની આશ લઈને આવતા ગ્રામજનોની રમીલાબહેન પ્રત્યેની આ શ્રદ્ધા જ તેમની કાબેલિયતની સાબિતી છે. 'પહેલાં વકીલ જેમ કહે તેમ અમે કરતાં, હવે અમે જેમ કહીએ તેમ વકીલ કરે છે'એ શબ્દોમાં તેમનો આત્મવિશ્વાસ છલકે છે. ક્યાંક એફઆઈઆર ખોટી રીતે લખાતી હોય તો તેઓ તરત જ તે અટકાવીને યોગ્ય રીતે લખાવે છે. પરિણામે એ કેસ કૉર્ટમાં જાય ત્યારે કોઈ વાતનું ખોટું અર્થઘટન ન થાય. રમીલાબહેન કહે છે તેમ, ઘણીવાર લોકો જરૂર ન હોય એવો મામલો લઈને પણ કૉર્ટમાં પહોંચી જાય છે, તેથી કૉર્ટ અને લોકોના સમય-શક્તિ વેડફાય છે. રમીલાબહેન આવા કેસોનો ગામના પંચ તથા કુટુંબ સ્તરે જ નિકાલ આવી જાય એવા પ્રયત્નો કરે છે.

નોંધપાત્ર વાત તો એ છે કે, કેટલાક કેસોમાં 'આનંદી'ના 'કાનૂની સલાહ અને માહિતી કેન્દ્ર' દ્વારા સામેવાળી વ્યક્તિને માત્ર નોટિસ મોકલવાથી જ તે કૉર્ટના ડરથી યોગ્ય નિર્ણય કરી લેવા પ્રેરાય છે. આમ થવાથી નાના ગુનાઓમાં ગુનેગારને સુધરવાનો મોકો મળે છે તથા સમય, શક્તિ અને નાણાંનો વ્યય પણ અટકે છે તેમ જ મહિલા તરફી ન્યાયનો દૃષ્ટિકોણ સમાજમાં પ્રસરે છે.

ઘોઘંબા અને દેવગઢબારિયા તાલુકામાં જમીન, ભરણપોષણ અને ડાકણને લગતા ઘણા કેસો આવે છે. દર મહિને લગભગ પચ્ચીસેક કેસો તો હોય જ. આવા જાતભાતના કિસ્સાઓની વાત કતાં રમીલાબહેનની વાણીનો અસ્ખલિત પ્રવાહ રોકવો ગમે નહીં. ખુમારીભર્યો-હસતો ચહેરો, આદિવાસી બોલીની છાંટ ધરાવતી ભાષા અને જરા હટકે એવો 'કંઠ', એ એમની ખાસિયત. અને હા, વાતો અને માહિતીનો ભંડાર ભર્યો છે એમના તેજોતરાર મસ્તિષ્કમાં!! એમાંથી જ થયા કરે છે એક પછી એક કેસની રજૂઆત.

50 વર્ષનાં સાકરીબહેન છગનબાઈ નાયક. રહે માંડવ ગામમાં, તાલુકો દેવગઢબારિયા. પોતાની સાત એકર વીસ ગુંઠા જંગલ-જમીન વર્ષોથી ખેડે. આ કિસ્સામાં કૉર્ટનો ઑર્ડર હતો કે, જ્યાં સુધી આગળની કાર્યવાહી ન થાય ત્યાં સુધી સાકરીબહેન આ જમીન ખેડી શકે. પરંતુ, આ વિસ્તારમાં સામાન્ય રીતે જંગલ ખાતું જે રીતે જુલમ કરે છે તેનાથી કોઈ અજાણ નથી. આ કિસ્સામાં પણ જંગલ વિભાગે કૉર્ટનો આદેશ ભંગ કરી જંગલ ખાતાએ સાકરીબહેનની જમીનમાં ખાડા ગોડાવ્યા. સાકરીબહેને આ કામ માટે ખાનગી વકીલને ગોધરા કૉર્ટમાં કેસ લડવા માટે પોતાના કાગળો આપેલા. ખાનગી વકીલની ફીની મોટી રકમ પોતે ક્યાંથી લાવે તેથી આ કેસ આવ્યો 'આનંદી' સંસ્થા પાસે. રમીલાબહેને કેસની વિગતોનો અભ્યાસ કર્યો ને પહોંચ્યાં સાગટાળા રેન્જના ફોરેસ્ટરને મળવા. ત્યાં જઈને રમીલાબહેને તેમને રોકડું પરખાવ્યું: "સાહેબ, તમારે સાકરીબહેનને તેમની જમીન પાછી આપવી છે?" કાયદાની જાણકારી ધરાવતાં રમીલાબહેનની સામે ફોરેસ્ટર સાહેબે 'હા' પાડ્યા સિવાય છૂટકો નહોતો. કેસ જોકે, હજુ ચાલુ છે પરંતુ રમીલાબહેન અને ન્યાય સમિતિની અન્ય બહેનોએ ફોરેસ્ટ ખાતા પર ઉપરવટ થી તેમની નજર સામે રોપા ઉખેડી નાંખી, હળ હાંક્યું અને ઓરણી કરી. સંઘર્ષ ચાલે છે પણ હિમ્મત પણ એટલી જ છે.

સાકરીબહેનની જ ઉંમરના ગજરીબહેન નાયક વિધવા છે. ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામનાં જંગલમાં તેમની બે એકર જમીન છે. દંડ ભરેલી પાવતી હોવા છતાં જંગલ ખાતાએ તેમની જમીન બીજાને આપી દીધી. ગજરીબહેન પોતાની પાવતી લઈને માહિતીકેન્દ્રમાં ગયાં. કાયદા પ્રમાણે, 'ખેડે તેની જમીન' હોય. તેમ છતાં તેમની જમીન છીનવી લેવામાં આવી હતી. આમ તો, આઠ એકરથી વધુ જમીન હોય તો તે વધારાની જમીન પર હક ન મેળવી શકાય, પણ ગજરીબહેન પાસે હતી માત્ર બે એકર જમીન. 'આનંદી' દ્વારા આજે પણ આ કેસમાં સાકરીબહેનને તેમની જમીન પાછી અપાવવાની મથામણ ચાલી રહી છે.

જંગલ-જમીનના આવા કેસો ઉપરાંત, રમીલાબહેનને વારસાઈના કેસો પણ છાશવારે હાથ ધરવા પડે છે. ઘોઘંબા તાલુકાના વાવકૂંડલી ગામના પૂંજીબહેન બારિયાનો કિસ્સો હજુ તાજો જ છે. પૂંજીબહેનના પતિ પરબતભાઈ. પરબતભાઈને 9 ભાઈ-બહેન. બધા ભાઈઓ વતી માત્ર ભીખાભાઈના નામે બધાની જમીન. જ્યાં સુધી વડીલો ખેડતા ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું. પરંતુ, છોકરાઓ મોટા થયા એટલે એમણે એક વાર એમના પિતરાઈ ભાઈઓને સામૂહિક જમીન ખેડતા અટકાવ્યા. વાત મારામારી સુધી પહોંચી. સાડાસાત એકરની આ સામૂહિક જમીનના બટવારાના મામલે પૂંજીબહેનના પરિવાર ઉપર 151ની કલમ લગાવવામાં આવી. 151ની કલમ એટલે-----??? રમીલાબહેને આ કલમ રદ કરાવીને ચેપ્ટર કેસ કરાવ્યો. તેમની સમજાવટથી બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે સમાધાન થયું. આ કેસમાં જમીનના દસ્તાવેજમાં બધા ભાઈઓનાં નામ ઉમેરવા માટે આજથી 15 વર્ષ પહેલાં વકીલે પૂંજીબહેન પાસેથી 18000 રૂપિયા પડાવ્યા હતા. જોકે, રમીલાબહેને વકીલ પાસેથી અડધા પૈસા પરત મેળવવાનો નિર્ધાર કર્યો છે. હવે તેઓ મામલતદાર દ્વારા પંચોની રૂબરૂ પૂંજીબહેન પરબતભાઈ બારિયાનું નામ જમીનના દસ્તાવેજમાં ઉમેરાવશે.

આવા બધા કેસોની વચ્ચે સંવેદનહીન 'ડાકણપ્રથા'ના કેસો લડવા એ રમીલાબહેન અને 'આનંદી' માટે પડકારરૂપ બની રહ્યું છે. કોઈ સ્ત્રીને હેરાન કરવી હોય અથવા કોઈ સ્ત્રી અન્યાય સામે અવાજ ઉઠાવે કે પછી તેમની કોઈ મિલકત હડપ કરવી હોય તો તેને 'ડાકણ' જાહેર કરવામાં આવે છે. એક વાર સ્ત્રી 'ડાકણ' કહેવાય એટલે તેની સાથે અપમાન અને અત્યાચારનો સિલસિલો શરૂ થઈ જાય. ખાનપાટલા ગામનાં 47 વર્ષનાં ગજરીબહેન

તુલસીભાઈ કોળીને પણ તેમના જેઠ ગમજી ભુરા 'ડાકણ' ગણાવીને હેરાન કરે. એમ કહેવાય છે કે જમીન મેળવવા માટે ગજરીબહેનના પતિ તુલસીભાઈને પણ ગમજીભાઈએ જ મારી નાંખેલા. હજુ ડિસેમ્બર 2005ના જ આ કિસ્સામાં ગજરીબહેનના પતિના નામની ચાર એકર જમીન નવી શરતની છે. જંગલની આ જમીન હવે રેવન્યુમાં જૂની શરતમાં ફેરવાઈ છે. રમીલાબહેન હવે આ જમીન ગજરીબહેનનાં નામે કરાવવા માટે મેદાને પડ્યાં છે.

રમીલાબહેન માને છે કે, "દરેક કામમાં મુશ્કેલીઓ આવે, કારણ કે બધા માણસો સરખા નથી હોતા." પોતાના વિસ્તારમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે તેઓ કેવી રીતે બાથ ભીડે છે તેની વાત પણ મજેદાર છે. એમને ત્યાં વારસાઈ હક્ક મહિલાના નામે કરવા માટે તલાટી 3000 રૂપિયા પડાવી લે. વળી, વારસાઈ કરાવવા જનાર મહિલાને ભાડા પેટે 50 રૂપિયા જેટલો ખર્ચ થઈ જાય એ વધારાનો. રમીલાબહેન કાયદાની જાણકારી મેળવ્યા પછી આ કામ માત્ર 110 રૂપિયામાં કરાવી આપે છે. દસ્તાવેજ, સ્ટેમ્પ, લખાણ વગેરે મળીને 60 રૂપિયા ને ભાડાખર્ચ 50 રૂપિયા, બસ. મામલતદારને હાજર રાખી એન્ટ્રી પડાવે એટલે વારસાઈ હક્ક પાક્કો.

વધુ નોંધપાત્ર વાત એ છે કે, રમીલાબહેન એક બે નહીં, પણ ઘોઘંબા અને બારીયા તાલુકાના મળીને કુલ 100થી વધુ કેસોમાં બહેનોને આટલા નજીવા ખર્ચમાં વારસાઈ હક મેળવવા માટે મદદ કરી રહ્યાં છે. તલાટી પાસે વારસાઈ કરાવવાનો 100 કેસોનો ખર્ચ 3 લાખ રૂપિયા જેટલો થાત. જ્યારે રમીલાબહેનની ચોકસાઈ, પ્રામાણિકતા અને કર્મનિષ્ઠાના કારણે માત્ર 10,000 રૂપિયામાં જ આ ભગીરથ કાર્ય થઈ શકશે.

આવા તલાટીઓની જેમ વકીલો પણ ગરીબ લોકોની પરિશ્રમની કમાણી ખાય છે તે વાતનું તેમને ખૂબ દુ:ખ છે. એક પેરાલીગલ તરીકે બહોળો અનુભવ હોવા છતાં કૉર્ટમાં રજૂઆત કરવાની કે વકીલાતનામું કરવાની સત્તાનો અભાવ તેમને વ્યથિત કરતો રહે છે. તેમ છતાં પોતાની ક્ષમતા અને બાહોશીભરી પહેલથી તેઓ મહિલાઓ અને પીડિતોને ન્યાય અપાવવા માટે સતત મથ્યા કરે છે. નવુંનવું જાણવા અને વાંચવા માટે સદાય તત્પર રહેતાં રમીલાબહેનની આગેકૂચ કોઈ રોકી નહીં શકે. રમીલાબહેન, ગૌરવભરી સલામ તમને!!