અસરકારક લોકપેરવીના ‘ચરખા’ના અનુભવો

‘ચરખા’ના વિકાસલક્ષી આલેખન અને વિકાસ-ગોષ્ઠિની જનસમાજ ઉપર થયેલી હકારાત્મક અસરોનાં કેટલાંક દૃષ્ટાંતો

૧. પોટરી ઉદ્યોગનાં કામદારોને વેતન ચૂકવવામાં આવ્યું. (વર્ષઃ ૧૯૯૭)
હિંમતનગરમાં ૧૫ સીરામિક એકમોએ કામદારોની છટણી કરી હતી. તેના વિરોધમાં ‘ગુજરાત પોટરી કામદાર યુનિયન’ અને ‘શ્રમિક સેવા સંસ્થા’ના ટેકાથી હિંમતનગરના સીરામિક કામદારોએ તેમના અધિકારોની માંગ સાથે ધરણા યોજ્યા હતા. બંને સંગઠનોએ પોટરીના માલિકો સામે આંદોલન શરૂ કર્યું હતું.

તેમની માગણીઓ આ મુજબ હતી: કામદારોને ફરી નોકરી પર રાખવા, કાયદા મુજબ લઘુતમ વેતન આપવું, દરેક કામદારને હાજરી કાર્ડ આપવું. લેખો દ્વારા કામદારોનું દૃષ્ટિબિંદુ સરકાર અને લોકો સુધી પહોંચાડવામાં આવ્યું. મુખ્યપ્રવાહનાં અખબારોમાં તેનું પ્રકાશન થયું. પરિણામસ્વરૂપ, મજૂર અધિકારીએ કાનૂની ચૂકવણીની ખાતરી આપી અને કામદારોને નોકરી ઉપર રખાયા અને એ રીતે આંદોલનનો સુખદ અંત આવ્યો.

૨. પ્લાસ્ટિક ફેક્ટરીનાં કામદારને વળતર ચૂકવવામાં આવ્યું. (વર્ષઃ ૧૯૯૮)
સુરત જિલ્લાના વ્યારા તાલુકામાં પ્લાસ્ટિક ઉદ્યોગ એકમનાં પ્રદૂષણનાં પરિણામે સ્થાનિક ગામોની ખેતરની જમીનો બિનઉપજાઉ બની અને પીવાનાં પાણી પ્રદૂષિત બની ગયાં હતાં. રામપુરા, બેડકૂવા, કાટીસકૂવા, અગાસવાણ વગેરે ગામો પાસે આવેલા કારખાનામાં પ્લાસ્ટિકની નકામી થેલીઓ ઉપર પુનઃપ્રક્રિયા કરવામાં આવતી હતી. ફેક્ટરીમાં જૂની-નકામી પ્લાસ્ટિકની થેલીઓને કાપીને તેને છૂટી પાડવામાં આવતી. ત્યારબાદ મશીન દ્વારા તેનો માવો બનાવવામાં આવતો. આ કામગીરી દરમ્યાન ફેક્ટરી માલિકો દ્વારા આદિવાસી મજૂરોનું ભારે શોષણ થતું હતું.

ડાઈ ઉપર કામ કરતા કામદારોના હાથ અને આંગળીઓને ઇજા થઈ હોય તેવા અનેક બનાવો બન્યા હોવા છતાં માલિકો વાસ્તવિકતાને નકારતા હતા. આ ફેક્ટરીઓમાંની એક ફેક્ટરીમાં ડાઈ ઉપર કામ કરતાં રાજુભાઈની જમણા હાથની બે આંગળીઓ કપાઈ ગઈ હતી. રાજુભાઈ રતનજી ગામીત બેડકૂવા ગામના વતની છે. આ યુવાન કામદારની ફેક્ટરી માલિકે કોઈ દરકાર ન લેતા તેને આર્થિક વળતર પણ ચૂકવવામાં આવ્યું નહોતું. આ માહિતી ‘કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર’, સુરત દ્વારા અમને આપવામાં આવી.

સ્થળની રૂબરૂ મુલાકાત બાદ સમસ્યાને આલેખન દ્વારા વાચા આપવામાં આવી. ત્યારબાદ મુખ્યપ્રવાહનાં અખબારોમાં લેખ પ્રકાશિત થયો. લેખમાં તંત્રની જાગૃતતાના અભાવે કામદારોને ગંભીર ઈજા થાય કે આંગળી કપાઈ જાય છતાં વળતરરૂપે કંઇજ ચૂકવાતું નથી તે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. ‘ગુજરાત મિત્ર’ દૈનિકે કામદારની તસવીર સાથે સમાચારનું પ્રકાશન કર્યું. તેની અસરરૂપે ફેકટરીના માલિક ઉપર દબાણ આવતાં તેને રાજુભાઈને રૂપિયા ૩૦,૦૦૦નું વેતન ચૂકવવાની ફરજ પડી. આ લેખન બાદ ‘ચરખા’ને ઘણી ધમકીઓ પણ મળી હતી.

૩. પ્રદૂષક ઉદ્યોગ બંધ થયો. (વર્ષઃ ૨૦૦૦)
અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં કેરાલા ગામે ‘યુનિમાર્ક રેમેડિઝ લિમિટેડ’ નામે એક કંપની છે. આ કંપની દવાઓ અને રસાયણોનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન કામગીરી દરમ્યાન છોડવામાં આવતા ઝેરી વાયુને પરિણામે ગામના ખેતરના ઘઉંના પાકને નુકસાન થતું હતું. આ સાથે, જમીન અને કૂવાનાં પાણી પણ પ્રદૂષિત થયાં હતા. ‘અસાગ’ મારફતે અમને આ માહિતી મળી. તેના ફૉલો-અપ રૂપે ‘સેન્ટર ફોર સોશ્યલ જસ્ટિસ’નો સંપર્ક સાધીને ‘યુનિમાર્ક’ સામે કોઈ કાનૂની પગલાં લઈ શકાય કે નહીં તે વિશે તપાસ કરવામાં આવી.

તદ્‌‌ઉપરાંત, કારખાનાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ આલેખન કરવામાં આવ્યું. તેનું સંદેશ-દૈનિકમાં તસવીર સાથે પ્રકાશન થયું. આ લેખમાં ‘ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ’ની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. આથી બૉર્ડને યુનિમાર્ક કારખાનાની મુલાકાત લેવાની ફરજ પડી અને તેણે તે અંગે તપાસ હાથ ધરી. વિગતવાર ઝીણવટભરી તપાસ બાદ કારખાનાને સીલ કરવામાં આવ્યું અને ‘સંદેશ’ તથા ‘ચરખા’ના પ્રયાસોની સરાહના થઈ.

૪. માથે મેલું ઉપાડવાની પ્રથા અટકે તે માટે પ્રયાસ. (વર્ષઃ ૨૦૦૦)
ગુજરાતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા નાબુદ કરવાના અદાલતના આદેશ અને સરકારના સંકલ્પ છતાં પણ અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગરમાં ૫૫૦૦ સફાઈ કામદારો આ પ્રથાના ભોગ બન્યા છે. લીંબડી તાલુકાના ૧૧૦માંથી ૮૦ ગામોમાં આ ડબ્બાપ્રથા હયાત છે. આ માહિતી ‘ચરખા’ને મળ્યા બાદ તેનું આલેખન કરવામાં આવ્યું. ‘જનસત્તા’ દૈનિકના પત્રકાર તથા ‘ચરખા’ના પ્રતિનિધિએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી. ઘણા પડકારો વચ્ચે માથે મેલું ઉપાડતા બહેનોની તસવીરો સાથે સમાચાર પ્રકાશિત કરાવી શકાયા.

૫. આત્મવિશ્વાસથી છલકતા વિકલાંગ યુવાન રાજા મહેન્દ્ર પ્રતાપે સમાજને પ્રેરણાસ્રોતરૂપી દૃષ્ટાંત પૂરું પાડયું. (વર્ષ: ૨૦૦૩)
‘અમદાવાદ ઓએનજીસી’ના એકાઉન્ટ વિભાગના ઑફિસર તરીકે કામ કરતા જોશીલા યુવાન રાજા મહેન્દ્ર પ્રતાપ વિકલાંગ છે. તેઓ આંધ્રપ્રદેશના હૈદ્રાબાદ શહેરનાં વતની છે. રાજાને પાંચ વર્ષની ઉંમરે ભારે વીજપ્રવાહવાળા ખુલ્લા વાયરવાળો સળીયો અડવાથી શરીરને ભયંકર આંચકો લાગ્યો હતો. આ દુઃખદ ઘટનામાં તેણે પોતાની કોણીએથી બંને હાથ અને ઘૂંટણથી બંને પગ ગુમાવવા પડ્યા. આ પરિસ્થિતિમાં તેઓ દસ વર્ષના થયા ત્યાં સુધી ઘરમાં જ ગુંધાઈ રહ્યા. પરંતુ, ત્યારબાદ મજબુત મનોબળ સાથે પડકારોનો સામનો કરી ફાઈનાન્સ વિષય સાથે એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો.

આજે તેઓ કોમ્પ્યુટર ચલાવે છે, લખી શકે છે, વાળ ઓળી શકે છે, ઘરે જાતે તાળુ લગાવીને ઑફિસ જાય છે તથા લીફ્ટ બંધ હોય ત્યારે દાદરા પણ ચડી જાય છે. અડગ મન ધરાવતાં રાજા મહેન્દ્ર પ્રતાપનાં સંઘર્ષમય જીવનની સફળ ગાથા વિશે આલેખન બાદ મુખ્યપ્રવાહનાં અખબારોમાં તેમની તસવીર સાથે પ્રકાશન થયું. લેખ વાંચીને વિકલાંગ બાળકોના માતાપિતાને ઉત્સાહ જાગ્યો. જાણે તેઓને એક નવી જ દિશા અને દૃષ્ટિ મળ્યા. ઘણાં લોકોએ તેમનો સંપર્ક કરી રૂબરૂમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન મેળવ્યાં. પ્રતાપને ૨૦૦થી વધુ લેખિત પત્રો મળ્યા તે પણ નોંધનીય હતું. સમૂહમાધ્યમના પત્રકારોએ પણ ખૂબ રસ દાખવી રાજાની સ્ટોરી કરી. આ દિલસ્પર્શી આલેખનનાં પરિણામે વ્યાપક જનસમાજ ઉપર અસરકારકતા ઉદ્‌‌ભવી શકી.

૬. અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનની વહારે. (વર્ષઃ ૨૦૦૩)
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ચલોડા ગામ આવેલું છે. સામાન્ય રીતે દરેક ગામમાં ગ્રામ સભા યોજાય ત્યારે ગ્રામજનો તેમના પ્રશ્નોની રજૂઆત કરે છે. આ જ રીતે આ ગામમાં નિત્યક્રમ મુજબ ગ્રામ સભા યોજાઈ ત્યારે વણકર વાસમાં વિવિધ પ્રશ્નો અંગે તે જ ફળિયામાં દલિત યુવાન અજીતભાઈએ ફરિયાદ કરી. આ વાસમાં ૫૦૦થી ૬૦૦ ઘરો વચ્ચે બોર હતો. વળી, તેની મોટર બગડી જાય ત્યારે લોકોને બીજા ફળિયામાં કે વાડીમાં પાણી ભરવા જવું પડતું હતું. આ મુશ્કેલીનો ઉકેલ આવે તે માટે દલિત યુવાને પ્રથમ વાર સમસ્યા રજૂ કરી.

આ રજૂઆતની અવળી અસર ઉભી થઈ. ગામની કહેવાતી ઉંચી જાતિના લોકો સમક્ષ રજૂઆત કરવા બદલ થોડા દિવસ પછી આ યુવાનને ગામના જ મહિલા સરપંચ કંકુબહેનના પતિ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. તેને ગ્રામ સભામાં કરેલી ફરીયાદ પાછી ખેંચી લેવા ધમકીઓ પણ આપવામાં આવી.


પોલીસે અજીતભાઈની ફરિયાદનો અસ્વિકાર કરતા તેઓએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી. તેમ છતાં, છ મહિના સુધી દલિત યુવાનને કોઈ જ ન્યાય મળ્યો નહીં. આ બનાવની જાણ ‘ચરખા’ને થઈ. આ સમસ્યાને વાચા આપવા માટે મુખ્યપ્રવાહનાં અખબારોમાં માહિતી આપવામાં આવી. ‘સંદેશ’ દૈનિકના પત્રકારે રસ દાખવી તેના સમાચાર પ્રકાશિત કર્યા. પરિણામે, અત્યાચાર આચરતા તત્વોની આંખ ઉઘડી અને દલિત ફળિયાના લોકોમાં આત્મવિશ્વાસ આવ્યો. દલિતો ઉપર અત્યાચાર કે ભેદભાવ દાખવનારા લોકો ઉપર ધાક બેઠી.

૭. એસ્બેસ્ટોસિસ અને સિલિકોસિસગ્રસ્ત કામદારોનાં હિતમાં અસંવેદનશીલ તંત્રને પગલાં લેવાની ફરજ પડી (વર્ષ: ૨૦૦૫)
સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકારો વચ્ચે અનૌપચારિક સંવાદ રચવાના હેતુથી ‘ચરખા’ દ્વારા દર મહિને ‘વિકાસ ગોષ્ઠિ’ યોજવામાં આવે છે. ફેબ્રુઆરી, ૨૦૦૫ દરમ્યાન યોજાયેલી ગોષ્ઠીમાં ગુજરાતમાં વ્યવસાયિક આરોગ્યની કથળેલી સ્થિતિને ઉજાગર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગોષ્ઠિ દરમિયાન જણાવાયું હતું કે, ‘અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની’માં કામ કર્યા બાદ એસ્બેસ્ટોસિસ થનારા કામદારને ‘ઑક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફટી એસોસિએશન’ સંસ્થાની અનેક રજૂઆતો બાદ પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી. તેઓએ આ માટે ૧૯૯૬ની સાલથી આરોગ્ય મંત્રીશ્રી, આરોગ્ય કમિશનરશ્રી તથા ચીફ ફેક્ટરી ઈન્સ્પેક્ટરને એક હજાર જેટલા પત્રો લખી ફરિયાદો કરી છે. કામદારોને વળતર ચૂકવવામાં આવે તે માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે.


આ માહિતીમાં રસ દાખવી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકના પત્રકાર શ્રી અશોકભાઈ બાગરીયાએ રૂબરૂ જઈ કામદારોના ઈન્ટરવ્યૂ કર્યા. આ સાથે ‘એઈસી’ના મુખ્ય વહીવટકર્તા શ્રી મુરલી રઘુનાથન તથા ડૉક્ટર શ્રી એસ.બી.દાસ પાસેથી માહિતી મેળવી. આ સાથે અગાઉ એસ્બેસ્ટોસિસનો ભોગ બનનારા કામદારોની તબીબી તપાસ કરી ચૂકેલા ડૉ. એસ. આર. કામથ (મુંબઈ મેડિકલ કૉલેજના પ્રોફેસર) તથા નાગપુર સ્થિત ‘એનઆઈઓએચ’ના ડૉ. એસ. કે. દવેનો પણ ઈન્ટરવ્યૂ કરી વાસ્તવિકતા જાણી.

આ દરમિયાન અશોકભાઈએ તેઓના તંત્રીશ્રીઓને પણ આ સમાચારનું મૂલ્ય સમજાવવાના ખૂબ જ પ્રયત્નો કર્યા. દિલ્હી સ્થિત દૈનિકની ઑફિસમાંથી પરવાનગી મેળવ્યા બાદ ૯ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકમાં ‘અમદાવાદ ન્યૂઝલાઈન પૂર્તિ’ના પ્રથમ પાને મોટા મથાળા હેઠળ આ સમાચાર સાત કૉલમમાં પ્રકાશિત થયા.

આ ગોષ્ઠિની મુખ્ય બે હકારાત્મક અસરો થઈ. એક, પત્રકારોને વ્યવસાયિક આરોગ્યના મુદ્દા અંગે સંવેદનશીલ કરી શકાયા. બીજું, ગોષ્ઠિમાં થયેલી વાતચીતના આધારે અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારોથી અસંવેદનશીલ તંત્રને કામદારોના હિતમાં પગલાં લેવાની ફરજ પડી. ‘સંદેશ’માં સમાચાર પ્રકાશિત થવાથી પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ તેની અસર ઊભી થઈ. ત્યાંની ‘જીઆઈડીસી’માં સિલિકોસિસ રોગનો ભોગ બનેલા કામદારો અને કામના સ્થળની તપાસ હાથ ધરવા માટે ‘ઇન્ડસ્ટ્રિઅલ હાઈજીન લેબોરેટરી’ના અધિકારીઓને જવું પડ્યું. છેલ્લા અહેવાલ મુજબ ‘એઈસી’એ કામદારોને સલામતીનાં સાધનો આપવાની વિચારણા હાથ ધરી છે. ગોષ્ઠિની હકારાત્મક અસરરૂપે એટલી આશા જરૂર જન્મી છે કે, ‘‘કામના સ્થળે કામદારોની સલામતી માટેનું વાતાવરણ સર્જાશે.’’