પાણીની સમાન વહેંચણી અને કાર્યક્ષમ ઉપયોગ કરી બતાવતી પિયત મંડળીઓ

- સંજય દવે

ગુજરાતમાં ચોમાસું શરૂ થયું છે તેથી ગુજરાતનો ખેડૂત ખુશહાલ છે. દર વર્ષે વરસાદની અનિશ્ચિતતા રહે એટલે વરસાદ વરસે એ અમીછાંટણાં જેવો જ લાગે. છેલ્લાં દશેક વર્ષમાં વહી જતાં વરસાદનાં પાણીને રોકવાના અને તેને જમીનમાં ઉતારવાના પ્રયત્નો થયા છે. ભૂગર્ભમાં ભેગું થયેલું પાણી કૂવાનાં તળમાં પહોંચીને ખેતી માટે ઉપલબ્ધ બને છે.

ગામોગામ બંધાયેલા ચેકડેમ પાસે પાણી ભરાય તે પણ ખેતીમાં પિયત માટે ખપ લાગે છે. તે જોતાં ભારતમાં એક મહત્ત્વની યોજના શરૂ કરવામાં આવી. વૉટરશેડ નામની આ યોજના સરકારની અત્યાર સુધી અમલમાં મૂકાયેલી યોજનાઓમાંથી ઘણી સફળ યોજના ગણાય છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં આ યોજના અંતર્ગત જળ, જમીન અને જંગલનું જતન કરવાના નોંધપાત્ર પ્રયાસો થયા છે. રાજકારણ પ્રેરિત કેટલીક સંસ્થાઓને બાદ કરતાં મોટા ભાગની સ્વૈચ્છિક સંસ્થાઓએ વૉટરશેડ થકી જળસંગ્રહનું અદ્ભૂત કામ કર્યું છે.

વૉટરશેડ એટલે 'જળસ્રાવ વિસ્તાર'. કોઈ એક કે બે ગામની નજીકની જમીનના સૌથી ઊંચા વિસ્તારથી છેક નીચાણ સુધીના વિસ્તારને 'જળસ્રાવ વિસ્તાર' કહેવામાં આવે છે. આ જ યોજનાનું આ મુખ્ય હાર્દ છે. તેમાં છેક ઉપરના વિસ્તારથી શરૂ કરીને બંધપાળા, ચેકડેમ, નાલા પ્લગીંગ, વાયરમેશ જેવાં સ્ટ્રક્ચર ઊભાં કરતાં જવાનું, પરિણામે વરસાદી પાણી છેક ઉપરથી રોકાતું રોકાતું નીચે આવે. આમ, મોટાભાગનું પાણી જમીનમાં ઉતરે.

વૉટર શેડ યોજના અંતર્ગત અનેક સંસ્થાઓએ કામો કર્યાં છે. તેમાંથી સદગુરૂ વૉટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર, ઉત્થાન, કુંડલા તાલુકા ગ્રામ વિકાસ મંડળ અને માનવ કલ્યાણ ટ્રસ્ટનાં કામો વ્યાપક છે. આખા ગુજરાતમાં નવા પ્રયોગો કરીને ખેડૂતોમાં જળસંગ્રહ બાબતે ખૂબ મોટી જાગૃતિ ઊભી કરવાનું કામ સૌરાષ્ટ્રના બે વડીલોએ કર્યું છે. એક છે પ્રેમજીબાપા અને બીજા શામજીભાઈ આંટાળા.

પ્રેમજીભાઈએ 'વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ'ના નેજા હેઠળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં ગામોમાં જળક્રાંતિ લાવી દીધી છે. ત્યાંની નદીઓ વૉટરશેડ અને બીજાં જળસંગ્રહનાં કામોથી જીવંત બની છે. મુંબઈથી પોતાનો વેપાર છોડીને પોતાના વતન ઉપલેટામાં સ્થાયી થયેલા 'પ્રેમજીબાપા'નું નામ જળસંગ્રહ ક્ષેત્રે ખૂબ આદરથી લેવાય છે. શામજીભાઈ આંટાળાનું નામ તો હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગાજ્યું છે. તેમણે સૌરાષ્ટ્રમાં 1 લાખથી વધુ કૂવા રિચાર્જ કરાવ્યા છે. તેઓ એકલવીર બનીને ગામડે-ગામડે ફર્યા છે અને ખેડૂતોને પાણી રિચાર્જ કરવાનું મહત્ત્વ સમજાવ્યું છે. રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય જળપરિષદોમાં પણ તેમણે 'જળ' અને 'જળસંગ્રહ' અંગેનાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે. આ તો થઈ વૉટરશેડની અને બે કર્મશીલ વ્યક્તિઓની વાત.

હાલમાં વરસાદી પાણીથી કેનાલો અને નદીઓ છલોછલ થવાની શરૂઆત થઈ છે ત્યારે પિયત સહકારી મંડળીઓ દ્વારા થયેલા સફળ યત્નોની વાત કરવાનું મન થાય છે. સ્વૈચ્છિક સંસ્થાનાં માર્ગદર્શન અને પ્રેરણાથી ગામનાં નાનાં સંગઠનો કે જૂથો પણ અદ્ભૂત કાર્યો કરી બતાવે છે. એવું બામણમોર, રંગપુર, થલોટા અને કિયાદર ગામની પિયત સહકારી મંડળીઓએ પુરવાર કરી બતાવ્યું છે. ગુજરાતમાં સિંચાઈ યોજનાઓ અસરકારક નીવડે તે માટે રાજ્ય સરકારે 1995માં સહભાગી નીતિનો સિદ્ધાંત સ્વીકાર્યો. તેની પ્રાયોગિક ચકાસણી માટે ધરોઈ સિંચાઈ યોજના હેઠળના થલોટા ગામમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થા (પીઆઈએમ)નું ઉદાહરણ પૂરું પાડવાની જવાબદારી અમદાવાદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા 'ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર' (ડીએસસી)ને સોંપવામાં આવી.

ડીએસસી ધરોઈ સિંચાઈ યોજનાનાં 40 ગામોમાં સિંચાઈના મુદ્દે કાર્યરત છે. સરકારના સિંચાઈ વિભાગની સાથે મળીને ડીએસસીએ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના થલોટા ગામમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થાનો સફળતાપૂર્વક અમલ કર્યો. થલોટા ગામના ખેડૂતોને સિંચાઈ યોજનામાં સહભાગી બનાવવાથી સારાં પરિણામો મળ્યાં. તેનાથી પ્રેરાઈને ડીએસસીએ ધરોઈ યોજના હેઠળનાં ગામોમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થાને વેગ આપવાનું નક્કી કર્યું.

ધરોઈ યોજનાના જમણા કાંઠા હેઠળ મહેસાણા અને પાટણ જિલ્લાનાં 127 ગામો આવેલાં છે. તેમાંથી 40 ગામોની 10,000 હૅકટર જમીનમાં આ કાર્યક્રમનો ડીએસસીએ વ્યાપ વિસ્તાર્યો છે. હાલમાં 16 ગામોની પિયત સહકારી મંડળીઓએ 4000 હૅકટરમાં પાણી વિતરણ વ્યવસ્થા સંભાળી છે. એમાંની એક નોંધપાત્ર મંડળી રંગપુર ગામની છે.

રંગપુર મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાનું ગામ છે. વીસનગરથી 11 કિમી દૂર આવેલા રંગપુરમાં પટેલ, ઠાકોર, રબારી, હરિજન અને વાઘરી જાતિની મળીને કુલ 1426 લોકોની વસતિ છે. ગામમાં 83-84ના વર્ષમાં પિયત સહકારી મંડળી રચાઈ હતી, પણ તે નિષ્ક્રિય બની ગઈ હતી. ડીએસસીના પુરુષાર્થથી 1996માં મંડળી પુનઃ જીવિત થઈ.

ધરોઈ ડેમમાંથી પેટાનહેરોમાં આવતાં પાણીમાંથી ત્યાંનાં ગામો ખેતરમાં પિયત કરે છે, પરંતુ રંગપુર ગામમાં તો પહેલાં એ નહેરની મરામત કરવાની જરૂર હતી. તેથી સિંચાઈ ખાતાના અધિકારીઓ તથા ડીએસસી અને મંડળીના પ્રતિનિધિઓએ સાથે રહીને નહેરનો સર્વે કર્યો. સર્વે દરમિયાન તૈયાર થયેલા નકશાના આધારે નહેરની મરામત કરાવવાના ખર્ચનો અંદાજ 10,14,000 રૂપિયા આવ્યો. સામાન્ય રીતે બીજી કેટલીક યોજનાઓમાં આવો તમામ ખર્ચ સરકારના માથે આવતો હોય છે, જ્યારે સહભાગી સિંચાઈ યોજનામાં લાભાર્થીઓ પોતીકી ભાવનાથી જોડાય તેવો અભિગમ દાખવવામાં આવે છે. રંગપુરમાં પણ એવું જ બન્યું. નહેર મરામત માટે થયેલા વાસ્તવિક ખર્ચ રૂ. 9,16,000ના 10 ટકા લેખે 91,600 રૂપિયાનો લોકફાળો ખેડૂતોએ મંડળીને આપ્યો.

મંડળીએ પોતાની દેખરેખ હેઠળ નહેર મરામતની કામગીરી હાથ ધરી. એટલું જ નહીં, પણ આ કામના અસરકારક અમલ માટે દેખરેખ સમિતિ, માલસામાન વ્યવસ્થા સમિતિ, હિસાબ સમિતિ વગેરેની રચના કરીને સુંદર સંચાલન પણ કરી બતાવ્યું. ત્યારપછી મરામત થયેલી નહેરોનો વહીવટ પણ મંડળીઓએ પોતાના હસ્તક લઈ લીધો.

મંડળીના વહીવટ હેઠળ 1997-98માં રવિ(શિયાળુ) પાક માટે 125 હૅકટર જમીનમાં સિંચાઈનું આયોજન હતું, પરંતુ ખેડૂતોએ ખૂબ રસ લઈને ખડેપગે સમગ્ર વહીવટ સંભાળ્યો તેથી 166 હૅકટરની સિંચાઈ થઈ. આમ, ખેડૂતોએ વહીવટ સંભાળ્યો તેના કારણે વધુ સિંચાઈ થઈ શકી. ત્યારબાદ 1998-99માં 140 હૅકટરનું આયોજન હતું તેની સામે 158 હૅકટર સિંચાઈ થઈ શકી. જોકે, ત્યારપછીનાં બે વર્ષ દરમિયાન બંધમાં પાણી ન હોવાથી ખેડૂતો સિંચાઈનો લાભ મેળવી શક્યા નહીં, પરંતુ ચાલુ વર્ષે 125 હૅકટરના આયોજનથી વધારે એટલે કે 178 હૅકટર જમીનમાં પાણી આપી શકાયું.

એનો અર્થ એ કે ખેડૂતોની મંડળીઓના અસરકારક વહીવટને કારણે પિયત વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો. વળી, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને એક વધારાનું પાણી સિંચાઈ માટે આપી શકાયું. ગ્રામકક્ષાએ પાણી વિતરણ વધુ નિયંત્રિત અને સંયમિત થયું તથા ખેડૂતો અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલન અને સહયોગ વધ્યો એ લાભ જુદો.

દર વર્ષે ધરોઈ ડેમમાંથી પાણી છોડતાં પહેલાં ખરીફ અને રવી પાકની ઋતુમાં નહેરમાંથી રેતી વગેરે દૂર કરવા સફાઈ કરવામાં આવે છે. તે માટે સરકાર દ્વારા દર વર્ષે મીટર દીઠ આશરે બે રૂપિયા જેટલો ખર્ચ પણ થાય છે, પરંતુ રંગપુર ગામની મંડળીએ એ ખર્ચ બચાવવા અને નહેરના કામમાં પોતીકી ભાવના દર્શાવવા જાતે જ સફાઈ કરવાનો મનસૂબો ઘડ્યો. મંડળીના ખેડૂતોએ ભેગા મળીને ખરીફ અને રવી ઋતુમાં 10 કિમી લાંબી નહેરની સફાઈનું કામ જાતે જ કર્યું. તે અંતર્ગત ચાલુ વર્ષે 627 માનવદિવસના શ્રમદાનથી 37620 રૂપિયા મજૂરી થાય એટલું સફાઈકામ કરી બતાવ્યું. સફાઈકામ પછી જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પાંચ હૅકટર જેટલા નવા વિસ્તારને પિયતની સુવિધા ઉપલબ્ધ થઈ શકી.

ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આ વર્ષે 45 ખેડૂતોને પહેલી વાર પિયતનાં પાણીની સુવિધા પ્રાપ્ત થઈ, જ્યારે આખાય વિસ્તારમાં મળીને વધારાની 124 હૅકટર જમીનને પિયત પ્રાપ્ત થયું. પિયત થવાથી જુદાજુદા ખેડૂતોની કુલ 142 હૅકટર જમીનમાં રાયડો, ઘઉં, વરિયાળી, એરંડો, મેથી, કપાસ, સવા, જીરુ, રજકો જેવા રવી પાક લહેરાયા. પાણી બાબતે સફળતાનાં શિખરો પ્રાપ્ત કરતી રંગપુર મંડળીની છેલ્લાં સાત વર્ષની ચોખ્ખી આવક રૂ. 1,40,000 છે, એ એક વધુ નોંધપાત્ર બાબત છે.

આ આખીય યોજનાનો નોંધપાત્ર લાભ થયો પાણીના દરની વસૂલાત બાબતે. જલનું મૂલ સમજતા ઉત્તર ગુજરાતના આ ખેડૂતોએ પાણીના દરની 100 ટકા વસૂલાત કરી છે.

વળી, પિયત મંડળીથી સભ્ય ખેડૂતોને નીચે મુજબના લાભો થયા છેઃ
1. દરેક ખેડૂતને નહેરમાંથી પાણી મળવાની ખાતરી હોવાથી તે પ્રમાણે પાકની વાવણી કરવાનું તે આયોજન કરી શકે છે.
2. દરેક ખેડૂતને કોઈ પણ ભેદભાવ વગર એકસરખું પાણી મળી રહે છે.
3. પાકના ઉત્પાદનમાં હૅકટર દીઠ વધારો થયો છે.
4. નહેરમાં નિયમિત રીતે જરૂરી મરામત થતી રહે છે.
5. સિંચાઈ યોજનાનાં કામમાં સ્થાનિક લોકોમાં પોતીકી ભાવના આવી છે.
6. ખેડૂતો એક પાણીમાં એક જ વખત પિયત કરે છે. જો ખેડૂતો નિયમનો ભંગ કરે તો દંડ વસૂલ કરાય છે. જો પદાધિકારી, પ્રમુખ, મંત્રી કે કારોબારી સભ્ય ગુનો કરે તો ડબલ દંડ થાય છે.
7. દરેક ખેડૂતનો સમય બચે છે. તેથી ખેડૂતો પોતાનાં બીજાં કામો સમયસર કરી શકે છે.

ધરોઈ સિંચાઈ યોજનામાં રવી ઋતુ સિંચાઈ દરમિયાન ખેડૂતોની ભાગીદારી મેળવવાના રંગપુર અને અન્ય ગામોમાં થયેલા આ પ્રયાસોનું સરકાર અને ખેડૂતો માટે ઘણું મહત્ત્વ છે. રાજ્યની અન્ય સિંચાઈ યોજનાઓમાં મોટા પાયા પર લોકભાગીદારી મેળવવામાં કેવી મુશ્કેલીઓ નડી શકે અને તેનો ઉકેલ મેળવવા કેવી સજ્જતા કેળવવી પડે તેનો અંદાજ મહેસાણા-પાટણનાં આ ગામોથી મળ્યો છે. રાજ્યની કુલ 125 લાખ હૅક્ટર ખેતીલાયક જમીનમાં સહભાગી સિંચાઈ યોજના અમલમાં મૂકી ખેડૂતોને તેનો વહીવટ સોંપવામાં આવે તો હરિયાળી લહેરાય.

રંગપુરની જેમ બામણમોર ગામે પણ સહકારી ધોરણે પિયત કાર્યો કરવામાં ગામનું નામ ગાજતું કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં આ ગામે પાણીનાં એકએક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામમાં 'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ'ના સહયોગથી સહભાગી પિયત સહકારી મંડળી કાર્યરત છે. 1986થી કાર્યરત આ મંડળી ડોસલીધુના ડેમમાંથી પાણી લઈને પાઈપલાઈન મારફતે સ્થાનિક વિસ્તારના ખેડૂતો સાથે મળીને પાણી વિતરણનું કામ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની તીવ્ર અને કાયમી અછત છે, ત્યારે આ મંડળના સભ્યોએ પાણીનું મૂલ્ય સમજીને પોતાનું આગવું બંધારણ બનાવ્યું છે.

આ બંધારણ અનુસાર જે કોઈ ખેડૂતના ખેતરમાંથી પાણી બહાર જાય તેને દંડ થાય અને કોઈ ખેડૂત પોતાના ખેતરના પાકને વારંવાર બિનજરૂરી પાણી આપે તો પણ દંડ થાય! આપણને થાય કે આ દંડ નક્કી કોણ કરે? આ દંડ નક્કી કરવા માટે ગામના જ અગ્રણી લોકોની એક ન્યાય સમિતિ બનાવવામાં આવી છે. ગામના લોકો પણ આ ન્યાય સમિતિનો નિર્ણય માન્ય રાખે છે.

બામણબોર ગામ પાસે આવેલા ડોસલીધુના ડેમમાં રોકાયેલાં પાણીમાંથી પાઈપલાઈન મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. મંડળીમાં કોળી, રબારી, ભરવાડ, દરબાર વગેરે જુદીજુદી જ્ઞાતિના મળીને કુલ 48 સભ્યો છે. તે બધાય સાથે મળીને સંગઠનની ભાવનાથી પાણીનો પ્રશ્ન ઉકેલવા મથે છે. પાણી વિતરણની આ આખી યોજનાનો કુલ ખર્ચ રૂ. 8,13,040 છે. તેમાંથી સાતેક લાખ રૂપિયા રાજ્ય સરકારના દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મળી શક્યા છે. જ્યારે 83,000 રૂપિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મળ્યા.

સામાન્ય રીતે એવું જોવા મળે કે સરકાર દ્વારા મળેલી તમામ સહાય જુદાંજુદાં કામોમાં વાપરી નાખવામાં આવે, પણ બામણબોરની મંડળીએ 74 બહાર રૂપિયા બચાવીને તેનું અનામત ભંડોળ ઊભું કર્યું છે. આ રકમ ખરેખર અનામત જ રહેવાની છે, કારણ કે વહીવટી અને સારસંભાળ ખર્ચની રકમ તો પાણી વેરામાંથી મેળવી લેવામાં આવે છે. મંડળી દર વર્ષે નફો રળે છે તે એક વધુ નોંધપાત્ર વાત છે.

આ પિયત મંડળીઓની ક્ષમતા જોતાં એટલું જરૂર કહી શકાય કે અભણ અને અબુધ ગણાતા ગ્રામીણ લોકો પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી જાણે છે. જોકે, સરકાર કેનાલોનો વહીવટ આવી પિયત સહકારી મંડળીઓને સોંપવાની વિચારણા કરી રહી છે. તેમ થાય તો સાચા અર્થમાં લોકોના હાથમાં સત્તા અને સંપત્તિ આવે.