જો જમીન માલિકીના હક્ક મહિલાઓને અપાય તો અનેક ચમત્કારો સજાર્ય

- સંજય દવે

સાઠ વર્ષની ઉંમરનાં ચીમળીબહેન બામણિયા આદિવાસી છે. પોતાની દીકરી કમળાબહેન અને દોહિત્રો સાથે તેઓ દેવીરામપુરામાં રહે છે. દેવીરામપુરા દાહોદના બારિયા તાલુકામાં આવેલું નાનું ગામ છે. વયસ્ક પુરુષ વગરના ઘરનું ગુજરાન ચલાવવા જમીનનો નાનો ટુકડો જ તેમનો એક માત્ર આધાર છે.

ચીમળીબહેનના ભાઈએ મૃત્યુ વખતે ચીમળીબહેનના નામે કરેલી 13 એકર જમીન ઉપર ચીમળીબહેનના પિતરાઈ ભાઈઓએ દાવો કર્યો હતો. નિરાધાર પરિવારનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાને વારસામાં મળેલી આ જમીન ચીમળીબહેન માટે મોટો આધાર હતી, તેથી જમીન ઉપરનો પોતાનો અધિકાર મેળવવા તેઓ ચાર વર્ષ સુધી કોર્ટમાં લડ્યાં. છેવટે સત્યનો વિજય થયો ને તેમને તેમની જમીન મળી. જમીનમાલિકી મળવાથી હવે ચીમળીબહેનના પરિવારનું ગુજરાન યોગ્ય રીતે થઈ શકશે.

ચીમળીબહેનનો તો સંઘર્ષના અંતે જમીનની માલિકી મળી, પણ તેમના જેવી અનેક મહિલાઓને જમીન ઉપરનો પોતાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. જૂનાગઢ જિલ્લાના માળિયા (હાટિના) તાલુકાના કુકસવાડા ગામનાં જીવીબહેન, દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના સાગટાળા ગામનાં આદિવાસી કુસુમબહેન નાયક, કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામનાં સોનબાઈ ગઢવી જેવી અનેક મહિલાઓ જમીનની માલિકીના પોતાના અધિકાર માટે ઝઝૂમી છે અને તેમાંથી કેટલીક બહેનોએ ખૂબ જ ધીરજપૂર્વક લડત આપીને એ અધિકાર મેળવ્યો છે.

મહિલાઓ માટે, તેમાંય ખાસ કરીને વિધવા અને એકલી રહેતી મહિલાઓ માટે 'જમીન' ખૂબ મહત્ત્વનું સાધન છે. ગ્રામીણ વિસ્તારમાં ખેતીની જમીન આવક અને સલામતીનું મુખ્ય સાધન છે. ખેતીપ્રધાન અર્થતંત્રમાં ખેડવા લાયક જમીન સૌથી કિંમતી મિલકત ગણાય છે. જમીન એ સમૃદ્ધિ સર્જનારી અને આજીવિકા ટકાવી રાખનારી અસ્ક્યામત છે. મોટા ભાગના ગ્રામીણ પરિવારો માટે જમીન ગરીબી સામે ટકી રહેવા માટેનો સલામત સ્રોત છે. પરંપરાગત રીતે, જમીન રાજકીય સત્તા અને સામાજિક મોભાનો પાયો પણ બની છે. ઘણા લોકો માટે જમીન પોતાની ઓળખ હોય છે. તે કાયમી મિલકત છે. તેમ છતાં, સ્ત્રીઓના જમીન અને સંપત્તિ પરના તેમના અધિકારનો મુદ્દો અવગણવામાં આવે છે. લગભગ બધા જ વિકાસશીલ દેશોમાં મોટા પાયા પર થતાં સર્વેક્ષણો અને કૃષિવિષયક વસતી ગણતરીમાં મિલકતને લગતી માહિતી પરિવારને એકમ ગણીને જ મેળવવામાં આવે છે. તેમાં સ્ત્રીઓનાં નામે કેટલી અને પુરુષોનાં નામે કેટલી મિલકત છે એવી અલગ અલગ માહિતી મેળવવામાં આવતી નથી. ભારત સહિત દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોમાં સ્ત્રીઓની જમીન પરની પહોંચનો ક્યાસ કાઢવા આપણે હજી પણ નાના પાયા પર કરવામાં આવેલાં સર્વેક્ષણો અને ગ્રામસ્તરના અભ્યાસો ઉપર જ આધાર રાખવો પડે છે. આ સ્રોતો દર્શાવે છે કે ખૂબ ઓછી સ્ત્રીઓ પાસે ખેતી લાયક જમીનની માલિકી છે અને એથી પણ ઓછી સ્ત્રીઓ પાસે એ જમીન પરનો અસરકારક અંકુશ હોય છે.

એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોની લાખો-કરોડો સ્ત્રીઓ માટે જમીન આજીવિકા માટેનું એક માત્ર સાધન હોય છે. સ્ત્રીઓ હજી પણ મહદંશે ખેતી સંબંધિત કામો દ્વારા જ આજીવિકા મેળવે છે. આથી આજીવિકા માટે જમીન ઉપર આધાર રાખતા લોકોમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં ઘણી વધારે છે. દા.ત. ભારતમાં પુરુષમજૂરોમાંના 58 ટકા પુરુષો અને સ્ત્રીમજૂરોમાંની 78 ટકા સ્ત્રીઓ ખેતીઆધારિત કામમાં રોકાયેલી છે. ગામડામાં કામ કરતી સ્ત્રીઓમાંથી 86 ટકા સ્ત્રીઓ ખેતીમાં રોકાયેલી છે.

જેમજેમ પુરુષો, શહેરો અને ગામોમાં બિનખેતી પ્રકારની આજીવિકાની પ્રવૃત્તિઓ અપનાવતા જાય છે તેમતેમ વધુ ને વધુ કુટુંબો એવાં બનતા જશે કે જેમાં સ્ત્રીઓ ખેતીની વ્યવસ્થા સંભાળતી હોય, કુટુંબને સંભાળતી હોય અને કુટુંબને ટકાવી રાખવાની મુખ્ય જવાબદારી પણ તેમની જ હોય. આજે પરિવારના વડા તરીકે સ્ત્રી હોય તેવાં પરિવારોની સંખ્યા હકીકતે વધારે છે જ અને તે પણ વધતી જાય છે. ભારતમાં 20થી 25 ટકા પરિવારોમાં વડા તરીકે સ્ત્રી હોય છે. આવી સ્ત્રીઓ ખૂબ કાર્યક્ષમતાથી ખેતી કામની જવાબદારીઓ ઉઠાવે છે, પણ જમીન પર તેમનો માલિકી હક ન હોવાથી તેમને મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

જમીનથી સ્ત્રીઓને સીધા અને આડકતરા લાભ થાય છે. સ્ત્રીઓ પોતાની જમીનમાં અનાજ પકવવા ઉપરાંત વૃક્ષો ઉછેરે, શાકભાજી વાવે અને પશુઓ માટે ઘાસચારોય વાવે એ સીધો લાભ છે. આડકતરા લાભ એ કે એ જમીન ગિરવી મૂકીને ધિરાણ લઈ શકાય, જરૂર પડે તો આપત્તિકાળે વેચીને પૈસાય મેળવી શકાય. પોતાની માલિકીની અથવા અંકુશની જમીનમાંથી સ્ત્રીને પૂરક આવક માટે રોજગારીની તકો પણ વધારે મળે છે. ગ્રામીણ બિનખેતી ઉદ્યોગસાહસ માટેનો એક મહત્ત્વનો અસ્કયામત આધાર પણ આ જમીન બની શકે છે.

મહિલાઓને જમીનમાલિકી પ્રાપ્ત થાય તે માટે ગુજરાતમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું એક જૂથ રચાયું છે. જમીનમાલિકી અને મહિલાઓના મુદ્દે કાર્યરત આ જૂથમાં ગુજરાતની 17 સ્વૈચ્છિક સંસ્થાઓ સભ્ય છે. હાલમાં આ જૂથ દ્વારા ગુજરાતનાં જુદાંજુદાં ગામોની મહિલાઓ સાથે મીટિંગો યોજીને જમીનમાલિકી બાબતે બહેનોની સ્થિતિ વિશે એક સર્વેક્ષણ હાથ ધરાયું છે.

આ જૂથની સંસ્થાઓ હાલમાં બહેનોને કાનૂની રાહે તેમના અધિકારની જમીનમાલિકી અપાવવા મદદ પૂરી પાડી રહી છે. કચ્છમાં સ્વૈચ્છિક સંસ્થાઓ કચ્છ મહિલા વિકાસ સંગઠન, સહજીવન, મારગ, કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરેન્દ્રનગર જિલ્લામાં આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત), સ્વાતિ, મહિલા સામખ્ય, ભાવનગર અને અમરેલીમાં ઉત્થાન, પંચમહાલ અને દાહોદમાં આનંદી, પ્રકૃતિ ફાઉન્ડેશન, સારથી, ભરૂચમાં આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત), સાબરકાંઠા ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અને વિકસત, તથા અમદાવાદ જિલ્લામાં બિહેવિયરલ સાયન્સ સેન્ટર, સામાજિક ન્યાય કેન્દ્ર, કર્મ સંઘ અને માહિતી દ્વારા 'મહિલાઓને જમીનમાલિકી' અપાવવા બાબતે પ્રયત્નો થઈ રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓની સાથેસાથે સરકારે પણ 'મહિલા અને બાળ વિકાસ કમિશનર' વિભાગ અંતર્ગત 'જેન્ડર રિસોર્સ સેન્ટર' અને 'જેન્ડર ડેટા બેન્ક'ની શરૂઆત કરી છે. 'જેન્ડર ડેટા બેન્ક' દ્વારા ગુજરાત કક્ષાએ 'સ્ત્રીની જમીનમાલિકી'ના આંકડા પણ એકત્ર કરવા જોઈએ એવી આ જૂથે માગણી કરી છે.