ઉકાઈ જમણા કાંઠા નહેરનું પાણી ત્યાં વસતા આદિવાસી લોકોને મળવું જોઈએ

સુરત જિલ્લામાંથી અલગ થઈને નવા બનેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ડેમની જમણા કાંઠાની નહેરનું પિયત પાણી આદિવાસી લોકોને મળે તે માટે સ્થાનિક આદિવાસીઓ ઘણાં વર્ષોથી માગણી કરતા આવ્યા છે.

તેમની અનેક રજૂઆતો છતાં હજુ સુધી તેમને તે પાણીનો લાભ મળ્યો નથી. તેથી સુરત અને તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં સક્રિય એવા સ્થાનિક સંગઠન ‘આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ’ના નેજા હેઠળ તા. 9મી ઑગસ્ટ, 2008ના રોજ માંડવી ખાતે રસ્તા રોકો આંદોલન યોજાઈ ગયું. સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા ‘શક્તિ ટ્રસ્ટ’ તથા ‘કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર’ના મદદ અને માર્ગદર્શનથી આ આંદોલન યોજાયું હતું. જો જમણા કાંઠાની નહેરનું કામ થાય તો સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં 52 ગામો અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં 7 ગામો મળીને કુલ 59 ગામોના આદિવાસી ખેડૂતોને 9700 હૅક્ટર જમીનમાં પિયતની સુવિધા મળે. આમ થાય તો આખો વિસ્તાર સમૃદ્ધ અને લીલોછમ થઈ જાય અને રોજગારીની નવી તકો ઊભી થાય. આ નહેર માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી તેનું અમલીકરણ કરવામાં આવ્યું નથી.
વધુ માહિતી માટે સંપર્કઃ
અમૃતભાઈ પટેલ, નિયામકશ્રી, શક્તિ ટ્રસ્ટ, મુ. સોનગઢ, તા. સોનગઢ, જિલ્લોઃ તાપી
મોબાઈલઃ 9978918870, ઑફિસઃ 02624-221874