આમ્ટે યુગલને અભિનંદન

સ્વ. બાબા આમ્ટેના પુત્ર શ્રી પ્રકાશ આમ્ટે તેમ જ પુત્રવધૂ મંદાકિની આમ્ટેને વર્ષ 2008નો મેગ્સેસે ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લાં 35 વર્ષથી તેઓ મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ જિલ્લાના ગઢચિરોલી વિસ્તારના હેમલક્સા ગામે મડિયા ગોન્ડ આદિવાસી લોકોની શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સેવા કરી રહ્યાં છે. પ્રતિવર્ષ 40 હજાર દર્દીઓ તેમની સેવાનો લાભ લે છે. આ કામમાં તેમણે જ તૈયાર કરેલા 5 ગોન્ડ ડૉક્ટરો તેમ જ તેમના બંને ડૉક્ટર દીકરાઓ દિગન્ત અને અનિકેત મદદ કરી રહ્યા છે. વર્તમાન કાળમાં આલ્બર્ટ સ્વેઈટ્ઝર જેવું કામ કરી રહ્યા હોવાથી એક દેશે તેમના ફોટાવાળી ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે.

માસિક રૂ. 2000 માનદ્ વેતન લેતાં હોવાથી તેમની ઓછી આવક જોતાં અમેરિકન સરકારે તેમને વિઝા આપવાની ના પાડી હતી. પાછળથી માફી માંગીને વિઝા આપવામાં આવ્યો હતો. ડૉ. પ્રકાશ પોતે જંગલી પ્રાણીઓને પાલતુ બનાવી શકે છે. તેના પાંજરામાં જઈને તેમને સાથે રમી શકે છે. બાબા આમ્ટેની ત્રણ પેઢી આમ સમાજસેવાના કામને વરેલી છે.

સાભારઃ ભૂમિપુત્ર પાક્ષિક (તા. 16-8-2008)