કાયદાકીય જ્ઞાન મેળવીને વંચિતોનો વાણોતર બનતો આદિવાસી યુવાન

- સંજય દવે
કોડબા ગામના માંગાભાઈ તડવી, પોતાના ગામની નજીકના જંગલમાં આવેલી નર્સરીમાં કામ કરે. તેમનું ગામ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલું નાનકડું ગામ છે.

નર્સરીમાં વૃક્ષ ઉછેર કરવો, દેખરેખ રાખવી અને અન્ય જરૂરી શ્રમકાર્ય કરવું એ એમની જવાબદારી. સરકારના જંગલખાતા હસ્તક ચાલતી આ નર્સરીના રેન્જર સાહેબે માંગાભાઈને રાતે પણ તેમનું આ કામ સંભાળી લેવા કહ્યું.તેથી માંગાભાઈ દિવસ-રાત નર્સરીમાં કામ કરવા લાગ્યા.

જંગલ હતું એટલે જંગલી પ્રાણીઓ અને ચોર-લૂંટારાનો ભય પણ હોય, તેમ છતાં માંગાભાઈએ ઘણા મહિનાઓ સુધી પોતાની ફરજ બજાવી. દરેક મહિનાના અંતે તેમને માત્ર દિવસ દરમ્યાનની નોકરીનો પગાર જ ચૂકવાતો. તેમણે ત્રણ મહિના સુધી રાતે બજાવેલી ફરજનું વળતર મેળવવાની ખૂબ કોશિશ કરી, છતાં તેમને તેમની રાતની મહેનતનું વળતર મળ્યું નહીં. માંગાભાઈને થયેલા અન્યાય વિશે ત્યાંના યુવાન કાર્યકર રમેશભાઈ તડવીને જાણ થઈ.

તેમણે માંગાભાઈની વાત ધ્યાનથી સાંભળીને રેન્જર સાહેબના નામે એક અરજી તૈયાર કરી. ત્યારપછી સ્થાનિક સ્તરે કાર્યરત 'કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર'ના નેજા હેઠળ રેન્જર ઑફિસની મુલાકાત લીધી. રમેશભાઈએ રેન્જર સાહેબને ખૂબ આત્મવિશ્વાસ સાથે સચોટ રજૂઆત કરી, તેથી તેઓ માંગાભાઈની 92 રાતોનો બાકી પગાર ચૂકવી આપવા તૈયાર થયા. આમ, રમેશભાઈના પ્રયત્નોથી માંગાભાઈને 72 રૂપિયા લેખે 92 રાત્રિનો પોતાનો પગાર મળી શક્યો.

સાવ સાદા, સીધા, શાંત અને મીતભાષી રમેશભાઈમાં રેન્જર સાહેબ સમક્ષ રજૂઆત કરવાની હિંમત ક્યાંથી આવી? રમેશભાઈ કહે છે કે, "પેરાલીગર કાર્યકર તરીકેની તાલીમ મેળવીને મારામાં આવી હિંમત આવી છે."

સુરત સ્થિત 'કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર'માં વર્ષ 2001ના જુલાઈમાં વિસ્તાર સંયોજક તરીકે કામ શરૂ કરનારા રમેશભાઈએ 2001ના નવેમ્બર મહિનામાં જ 'કેન્દ્ર' દ્વારા અપાતી 'પેરાલીગલ તાલીમ' મેળવી. તાલીમ દરમ્યાન કાયદાકીય બાબતો અને અદાલતી પ્રક્રિયાઓ વિશે માહિતી મળી. તેમાંય ખાસ કરીને, ધરપકડ, અકસ્માત, ગ્રાહક સુરક્ષા, અત્યાચાર બાબતના કાયદા અને નિયમો અંગેની જાણકારી તેમને ખૂબ ઉપયોગી લાગી.

તેમના વિસ્તારમાં અન્યાય, અત્યાચાર અને અકસ્માતનો સિલસિલો ચાલતો રહે છે તેથી જ તેમણે તાલીમ દરમ્યાન આ મુદ્દાઓ અંગેની માહિતી વધુ રસ લઈને મેળવી. નવ મહિનાની આ તાલીમ પૂરી કર્યા પછી રમેશભાઈની તાસીર બદલાઈ ગઈ. પહેલાં જાહેરમાં બોલતા જેમના પગ ધ્રુજતા હતા ને નાનકડા જૂથમાંય વાત કરવાનું ટાળતા હતા તે રમેશભાઈ આજે પોતાના ગામની ગ્રામ સભા ગજાવવાની તાકાત ધરાવે છે. આજે પોલીસ તંત્ર કે જંગલ ખાતાના કોઈ અધિકારી સમક્ષ કોઈ રજૂઆત કરવાની હોય તો આત્મવિશ્વાસ સાથે કરી શકે છે.

ઉપરાંત, તાલીમ દરમ્યાન કેળવાયેલી લેખનની આવડત પણ આજે ડગલે ને પગલે તેમને ઉપયોગી થઈ રહી છે. કોઈકના અત્યાચારનો ભોગ બનેલી કોઈ વ્યક્તિને ન્યાય અપાવવા અરજી કરવાની હોય કે પછી કોઈ ઉચ્ચ સરકારી અધિકારીને લેખિત રજૂઆત કરવાની હોય, રમેશભાઈ સદાય તૈયાર હોય. દસ્તાવેજીકરણ કરવાનું તેમનું આવું કૌશલ્ય 'પેરાલીગલ તાલીમ'માંથી કેળવાયું છે. આ કૌશલ્યના બળથી તેમણે અનેક કિસ્સાઓમાં પીડિતો અને વંચિતોને મદદ પૂરી પાડી છે.

હજુ ગયા વર્ષના જ એક બનાવમાં તેઓ ગામની વહારે આવ્યા હતા તેને તેઓ યાદ કરે છે: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ગામમાં વર્ષ 2005ના દિવાળીના તહેવારમાં ગામનાં એક બહેન ઉપર ગામના જ એક માથાભારે માણસ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો. બહેન કુદરતી હાજતે ગયેલા ત્યાં ખેતરમાં જ આબીના બની. બહેનની બૂમાબૂમ સાંભળીને આજુબાજુના ખેતરમાં રહેતા લોકો દોડી આવ્યા. જોકે, આરોપી તો તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો. એ બહેનના કુટુંબીઓએ એ આરોપી સામે ફરિયાદ લખી આપી, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.

રમેશભાઈ આ ગામના જ રહેવાસી અને કાયદાના જાણકાર તરીકે સૌને તેમના માટે ઘણો આદર. તેથી ગામના પંચે તેમને બોલાવ્યા અને આ બનાવ બાબતે સલાહ માગી. બળાત્કારી માણસ ખૂબ પહોંચ ધરાવતો હતો એટલે તેની સામે કોઈ કાર્યવાહી ન થાય તે માટે રાજકીય રીતે પણ દબાણ રહેતું. આવા માહોલમાં ખૂબ ધીરજ અને વિશ્વાસ સાથે રમેશભાઈએ જિલ્લા પોલીસ અધિક્ષકને ફેક્સ કરીને સમગ્ર બનાવની જાણ કરી. પરિણામે પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી. આ બનાવનો આરોપી હજુ પણ નાસતો ફરે છે. જોકે, આ ઘટનાથી ગામના લોકોમાં અન્યાય સામે લડવાની હિંમત આવી છે અને કાયદાકીય કાર્યવાહીમાં શ્રદ્ધા જન્મી છે.

રમેશભાઈએ વ્યક્તિગત કિસ્સાની સાથેસાથે વ્યાપક જનસમુદાયને સ્પર્શતા મુદ્દાઓ પણ હાથ ધર્યા છે. તેમનું પોતાનું ગામ 'ચોપડવાવ સિંચાઈ યોજના'થી વિસ્થાપિત થયું છે. વિસ્થાપનથી ચોપડવાવ અને કાકડી આંબા ગામના 150 લોકોની કુલ 170 એકર અને 30 ગુંઠા જમીન ડુબાણમાં ગઈ છે. ડૂબમાં ગયેલી જમીનના બદલામાં સરકારે દરેક વિસ્થાપિત કુટુંબને રોકડા 2300 રૂપિયા પકડાવી દીધા છે.

આવા હડહડતા અન્યાય સામે ન્યાય મેળવવા વિસ્થાપિત થયેલા લોકોએ પૈસા આપીને વકીલ રોક્યો, પણ વકીલે કશું જ કર્યું નહીં. તેથી લોકોએ લોકદરબારમાં હાજર રહેલા કલેક્ટરને આ અંગે અરજી લખીને આપી, પણ કલેક્ટરે અરજી સ્વીકારી નહીં. આ વાત રમેશભાઈના ધ્યાન ઉપર આવી તેથી તેમણે બંને વિસ્થાપિત ગામોની વ્યવસ્થિત રીતે અલગ-અલગ અરજી લખીને કલેક્ટરને આપી, ને તરત જ તેનો સ્વીકાર થયો. રમેશભાઈ કહે છે કે, "પેરાલીગલ તાલીમથી જ હું એક સારી અરજી લખી શક્યો અને વિસ્થાપિતોને થયેલા અન્યાયને વાચા આપી શક્યો."

અદાલતી કાર્યવાહીથી માહિતગાર થનારા રમેશભાઈએ કાયદાનું જ્ઞાન પોતાના સુધી સીમિત નથી રાખ્યું. 'જ્ઞાન વહેંચવાથી વધે' એ વાત જાણે એમણે આત્મસાત કરી હોય તેમ તેઓ ગામેગામ જઈને લોકોને કાયદાની પ્રાથમિક જાણકારી પૂરી પાડી રહ્યા છે. તેના ફળ સ્વરૂપે આજે ચોપડવાવ ગામમાં પોલીસ આવે તો શાંતિથી વાત કરે છે. પહેલાં તો પોલીસ આવીને કંઈ જ પૂછ્યા વગર મારઝૂડ કરતી. 'કાનૂની શિક્ષણ શિબિરો' મારફતે આવું રૂડું પરિવર્તન આવ્યું છે. ખૂબ નોંધવા જેવી વાત તો એ છે કે, હવે ખુદ પોલીસ અધિકારીઓ જ આવી શિબિરોમાં આવીને લોકોને કાયદાની પ્રાથમિક માહિતી પૂરી પાડવા સંમત થયા છે. રમેશભાઈ કહે છે કે, "હવે ન્યાયતંત્રમાં પેરાલીગલને કાયદાકીય માન્યતા મળે એવી હિમાયત અમે સૌ કરી રહ્યા છીએ."

આજે રમેશભાઈના ઘણા સાથી કાર્યકરો 'પેરાલીગલ તાલીમ'થી આવેલા આત્મવિશ્વાસના જોરે સફળતાનાં શિખરો સર કરી રહ્યા છે. તાલીમ મેળવેલા એક ભાઈ થોડા વખત પહેલાં જ સરપંચપદે ચૂંટાઈ આવ્યા છે. વળી, બીજા કેટલાક 'પેરાલીગલ', હાલમાં તાલુકા સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. રમેશભાઈ જેવા મૃદુભાષી યુવાનની આગેવાની હેઠળ કાયદાના જ્ઞાનરૂપી 'દીવાથી દીવો' પ્રગટી રહ્યો છે.