પ્રાદેશિક સ્તરે સંવાદ કાર્યક્રમ


ગુજરાતના પ્રાદેશિક વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સમૂહમાધ્યમોના પ્રતિનિધિઓને જાણકારી મળે અને તે મુદ્દાઓ પ્રત્યે તેઓ સંવેદનશીલ થાય તે હેતુથી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમૂહમાધ્યમો વચ્ચે દર વર્ષે એકવાર 'ચરખા' દ્વારા 'સંવાદ કાર્યક્રમ' યોજવામાં આવે છે. ગુજરાતમાં થઈ રહેલાં વિકાસલક્ષી કાર્યોની માહિતી પત્રકારો સુધી નિયમિત રીતે પહોંચે, પત્રકારો વિકાસ કાર્યોનું મહત્ત્વ સમજે અને તેના વિશે આલેખન કરે તથા સામાજિક કાર્યકરો સમૂહમાધ્યમોનો પરિચય કેળવે તે આ સંવાદ કાર્યક્રમનો હેતુ છે.

અત્યાર સુધીમાં અમદાવાદ, પાટણ, રાજકોટ અને વડોદરામાં આવા સંવાદ કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દાહોદ-પંચમહાલની આદિવાસી પૂર્વપટ્ટી વિસ્તારના પ્રાદેશિક વિકાસલક્ષી મુદ્દાઓને ઉજાગર કરવામાં આવ્યા છે. તેમાં સ્થાનિક વિસ્તારમાં કાર્યરત કુલ 24 સ્વૈચ્છિક સંસ્થાઓના અનુભવી કર્મશીલો ઉપસ્થિત રહ્યા છે અને જિલ્લા સ્તરના પત્રકારો સમક્ષ રજૂઆત કરી છે.

આવા સંવાદ કાર્યક્રમો બાદ સ્થાનિક સ્તરે પત્રકારો અને સામાજિક કાર્યકરો વચ્ચે સંબંધ કેળવાયો છે. પત્રકારો જુદા જુદા સામાજિક કાર્યકરોનો સીધો સંપર્ક કરી વિવિધ વિકાસલક્ષી વિષયોની માહિતી મેળવી રહ્યા છે. પરિણામે, અંતરિયાળ વિસ્તારના પ્રાદેશિક મુદ્દાઓ સમૂહમાધ્યમ દ્વારા વ્યાપક જનસમાજ સમક્ષ ઉજાગર થઈ રહ્યા છે.