લેખન-કૌશલ્ય કાર્યશિબિર


ગુજરાતમાં વિકાસ ક્ષેત્રે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. વિકાસ કાર્યોમાં જોડાયેલા સામાજિક કાર્યકરો અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર ખંતથી કામ કરી રહ્યાં છે. વિકાસનાં જુદાંજુદાં કાર્યો કરતાં-કરતાં તેમને અનેક પ્રકારના અનુભવો થાય છે. વિકાસ કાર્યોના આ અનુભવોનું દસ્તાવેજીકરણ થાય તો તેમાંથી બીજા સામાજિક કાર્યકરોને પણ કંઈક શીખવા મળી શકે.

વળી, ગુજરાતના અલગ-અલગ વિસ્તારના પ્રદેશ-વિશેષ મુદ્દાઓની જાણકારી પણ જનસમાજ સુધી પહોંચી શકે. જોકે, વિકાસ કાર્યોમાં ખૂંપેલા કાર્યકરો વિકાસલક્ષી મુદ્દાઓ વિશે આલેખન કરવાની ટેવ ધરાવતા નથી. સમયનો અભાવ, લખવાના કામને પ્રાથમિકતા આપવાનો અભાવ, આલેખનની સૂઝ અને કૌશલ્યનો અભાવ તેમ જ લખવા માટે પ્રોત્સાહન ન મળતું હોવાના કારણે વિકાસલક્ષી મુદ્દાઓ વિશે આલેખન થતું નથી.

આ વાત ધ્યાનમાં રાખી સામાજિક કાર્યકરોના લેખન-કૌશલ્યના વિકાસ માટે વધુ 'ચરખા' દ્વારા લેખનશિબિર યોજવામાં આવે છે. વર્ષ 1996થી 2008 સુધીમાં આવી કુલ 100થી વધુ શિબિરો યોજાઈ ચૂકી છે. શિબિરના માધ્યમથી બે હજારથી સહભાગીઓએ પોતાની લેખનકળા વિકસાવી. વર્ષ દરમ્યાન આ લેખન શિબિરો ગુજરાતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેમની માંગના આધારે આયોજિત કરવામાં આવે છે. હવે, બીજા રાજ્યોમાં પણ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને 'ચરખા' દ્વારા લેખન-કાર્યશાળા યોજવામાં આવે છે.

સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો ઉપરાંત સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (એસ.આઈ.આર.ડી), ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની હરિયાળી યોજના, સ્ટેટ એઈડ્ઝ કંટ્રોલ સોસાયટી વગેરે જેવા સરકારી વિભાગોના પ્રતિનિધિઓ માટે પણ દસ્તાવેજીકરણ અને લેખન-કૌશલ્ય કાર્યશિબિરો યોજાઈ ગઈ છે. ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીઓના પત્રકારત્વ અને સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વર્ગોમાં તથા વ્યક્તિગત રીતે માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, 'ચરખા' પણ વર્ષમાં એક વાર લેખન-શિબિરનું આયોજન જાતે જ કરે છે. તેમાં જુદી જુદી સંસ્થાઓના કાર્યકરો સહભાગી થાય છે.

આ લેખન કાર્યશિબિરોનાં માધ્યમથી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરોનું વિકાસલક્ષી મુદ્દાઓ અંગે લખવાનું કૌશલ્ય વિકસાવાયું છે. શિબિરના ફૉલો-અપ રૂપે પોતાનાં આલેખન અંગે 'ચરખા' પાસેથી સતત માર્ગદર્શન મેળવીને કેટલાક સામાજિક કાર્યકરો ખૂબ સારું વિકાસલક્ષી આલેખન કરવાની ક્ષમતા કેળવી શક્યા છે. કેટલાક કાર્યકરોએ તેમના લેખનકાર્ય માટે સ્થાનિક સ્તરે સારી નામના અને સંસ્થામાં એક આગવી ઓળખ ઊભી કરી છે. આજે તેઓ સ્થાનિક અખબારોમાં સ્વતંત્ર રીતે તેમના લેખો પ્રકાશિત કરાવી રહ્યા છે. આ તાલીમોથી સંસ્થાઓનાં દસ્તાવેજીકરણની પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું છે. કેટલીક સંસ્થાઓએ તેમની સમાચાર પત્રિકાઓ પણ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે.

તાલીમમાં આવરી લેવામાં આવેલા વિષયો
 • દસ્તાવેજીકરણનો અર્થ-મહત્ત્વ-ઉપયોગ
 • વિકાસલક્ષી લેખના વિષયોની પસંદગી/શોધ અને માળખું
 • કેસ-સ્ટડી/પ્રોફાઈલ આલેખન અને માળખું
 • દૈનિક નોંધ/રોજનીશીનું મહત્ત્વ
 • ભાષા સજ્જતા માટે આવશ્યક બાબતો
 • અસરકારક સંચાર માટે ધ્યાનમાં રાખવાની બાબતો
 • માહિતી એકત્ર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
 • અખબારી જગત વિશેની પ્રાથમિક જાણકારી
 • પ્રેસનોટ આલેખન અને માળખું
 • પત્રવ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
 • ઝડપથી લખવાનો મહાવરો કેળવવો
 • માસિક, ત્રિ-માસિક, છ-માસિક તથા વાર્ષિક અહેવાલો, તાલીમ કાર્યક્રમનો અહેવાલ, મિટિંગનો અહેવાલ, શૈક્ષણિક પ્રવાસનો અહેવાલ