800 આશ્રયીઓનો પરિવાર ધરાવતું ગુજરાતનું અનોખું ગામ

-સંજય દવે

તમે ભારત કે ગુજરાતના કોઈ પણ એક ગામની કલ્પના કરો તો તેમાં હોય શું ? ધાર્મિક સ્થળ હોય, પ્રાથમિક શાળા હોય, આરોગ્ય કેન્દ્ર હોય, કૂવા હોય, રહેઠાણો હોય અને બીજું ઘણું બધું હોય. સાબરકાંઠા જિલ્લામાં ભગવાન શામળિયાના ધામના પડોશમાં આવું જ એક ગામ વસે છે.

નામ એનું છે સહયોગ. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી શામળાજી હાઈવે ઉપર આશરે સત્તાવીસ કિલોમીટર દૂર આવેલું આ નોખું ગામ ખરેખર તો એક તીર્થ છે. ત્રીસેક એકર જમીનમાં સુઘડ રીતે પથરાયેલું આ ધબકતું ગામ સહયોગ ટ્રસ્ટે વસાવ્યું છે. સહયોગ, પ્રેમ અને સેવાના મુદ્રાલેખથી આ ગામને સુખી ગામનો દરજ્જો પ્રાપ્ત થયો છે. સહયોગ અને શ્રદ્ધાના બળે જીવતા અહીંના નિવાસીઓ રક્તપિત્તના દર્દીઓ છે. અહીં પુખ્ત વયની મંદબુદ્ધિની અનેક વ્યક્તિઓને પણ રાખવામાં તથા સાચવવામાં આવે છે.

1988થી રક્તપિત્તના દર્દીઓની સેવાનો યજ્ઞ શરૂ કરનાર 'સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ'માં રક્તપિત્ત રોગગ્રસ્ત 98 દંપતી છે. અહીં 150 પુરુષો અને 44 મહિલાઓ પોતાની એકલવાયી જિંદગીમાં અહીં બહોળા સંયુક્ત કુટુંબ જેવી હૂંફ પામે છે. આ અનોખા ગામમાં રક્તપિત્તગ્રસ્ત સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રથી આવ્યા છે. આ 123 મહારાષ્ટ્રિયન દર્દીઓ ઉપરાંત અહીં પશ્ર્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને તામિલનાડુના પણ દર્દીઓ અહીં જીવનને માણે છે. રક્તપિત્ત એટલે કે લેપ્રસી રોગ મટી ગયો હોય એવી વ્યક્તિઓ અને રક્તપિત્તના દર્દીઓનાં આશરે 235 બાળકો પણ અહીં રહી, અહીંની જ પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવે છે.

ટીબીનાં જીવાણું જેવાં જીવાણુંથી ફેલાતો રક્તપિત્ત રોગ 95 ટકા બિનચેપી છે. રક્તપિત્તના દર્દીના ઉચ્છવાસમાંથી જીવાણું જાય તો 100માંથી પાંચને આ રોગ થાય છે, પણ સારવારથી આ રોગ મટી જાય છે. ગુજરાતમાંથી આ રોગ આજે નેસ્તનાબૂદ થવાના આરે છે એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. સન 1988માં ગુજરાતમાં 10000ની વસતિએ 28 લોકો રક્તપિત્તથી પીડાતા હતા તે પ્રમાણ આજે ઘટીને 0.86 જેટલું નીચું થઈ શક્યું છે. સમગ્ર ભારતમાં અત્યારે 10000ની વસતિએ બેથી ત્રણ જેટલી વ્યક્તિઓ આ રોગથી પીડાય છે. ગુજરાતમાં રક્તપિત્તના દર્દીઓ અને દર્દનું પ્રમાણ ઘટ્યું એનો ઘણો ખરો યશ ગુજરાત સરકારને જાય છે એમ સહયોગ ટ્રસ્ટના મોભી સુરેશભાઈ સોની કહે છે. નીચલા મધ્યમ વર્ગના પરિવારના સૌથી નાની વયના સંતાન એવા સુરેશભાઈનો જન્મારો જ જાણે રક્તપિત્તના દર્દીઓની સેવા કરવા માટે જ લખાયો છે. કદાચ એટલે જ સ્તો એમ.એસસી.માં ર્ફસ્ટ ક્લાસ ર્ફસ્ટ આવ્યા પછી પણ ગણિતના પ્રાધ્યાપક તરીકે જ તેમને જીવન વિતાવવું મંજૂર નહોતું.

તેઓ વડોદરાના સિંધરોટ ગામમાં શ્રમમંદિર ટ્રસ્ટમાં રક્તપિત્તગ્રસ્ત લોકો સાથે સતત 24 કલાક રહેતા. એ પછી 1988થી બધાનો સહયોગ લેવાની અને બધાને સહયોગ આપવાની ભાવના સાથે તેમણે 'સહયોગ ટ્રસ્ટ' (સહયોગ ગામ!)નું સર્જન કર્યું છે. જીવનસંગિની ઈન્દિરાબહેન સાથે રોગગ્રસ્તો અને જરૂરિયાતમંદોની સેવામાં જ રચ્ચાપચ્ચા રહેવું એ જ એમનું જીવન છે. અમદાવાદથી બે-અઢી કલાકના અંતરે આવેલા આ સ્નેહધામનો બહોળો પરિવાર વાર્ષિક રૂ. એક કરોડ દશ લાખના ખર્ચથી નભે છે. એમાં રૂ. વીસેક લાખ સરકારની ગ્રાન્ટથી મળે છે, આમ છતાં દર વર્ષે રૂ. બાવન લાખ રૂપિયાની ઘટ પડે છે.

ગામના પ્રાંગણમાં જ સ્મશાન, હૉસ્પિટલ, ચૂંટણીબૂથ, પ્રાથમિક શાળા તથા પ્રાથમિક ચીજવસ્તુઓની દુકાન ધરાવતા 'સહયોગ'માં 30 ટકા લોકો બિલકુલ પરાવલંબી છે. તેમને અહીંના કર્મચારીઓ ઘેરબેઠાં ચા, નાસ્તો કે ભોજન પહોંચાડે છે. અહીં અબ્દુલ મોહમ્મદ હફિઝ જેવા રિટાયર્ડ આર્મી ઑફિસર પણ અંતેવાસી તરીકે આનંદમય જીવન વિતાવી રહ્યા છે. આખા દેશમાંથી અનેક દર્દીઓ સહયોગનો શ્રદ્ધારૂપી દીવો શોધતાં અહીં નિયમિત આવે છે અને પછી તો સહયોગને રહેઠાણ બનાવી દે છે. જોકે, સારવાર પછી રોગમુક્ત થયેલા ઘણા લોકો પોતાના ગામ અને કુટુંબમાં પાછા પણ ફરે છે.

અમે 'સહયોગ'ની મુલાકાતે ગયા ત્યારે તેમાં પ્રકાશ દેશમુખનો એક ઉમેરો થયો. પ્રકાશ દેશમુખ મહારાષ્ટ્રના કોલ્હાપુરના વતની છે. બાળપણમાં શરીર પરના ઝાંખા ચાઠાને તેમણે ગણકાર્યું નહિ. ડૉક્ટરોને બતાવવાથી ખ્યાલ આવ્યો કે તે રક્તપિત્તનું ચાઠું છે, પણ ત્યાં સુધીમાં તો તેમનાં લગ્ન પણ થઈ ગયાં હતાં અને સંતાનો પણ થયાં હતાં. પતિના રોગની જાણ થતાં જ પત્નીનું વર્તન બદલાઈ ગયું. પ્રકાશભાઈના માથે તો જાણે આભ ફાટ્યું. પત્નીને મનાવવાની અને સાથે રહેવાની ઘણી કોશિશ કરી, પણ એ વ્યર્થ નીવડી.

પત્ની પિયર ચાલી ગઈ અને તેમના ભાઈએ પણ મોં ફેરવી દીધું, તેથી એકલા પડેલા પ્રકાશભાઈને 'સહયોગ'ની એક જ આશા દેખાઈ. મહારાષ્ટ્રથી ગુજરાતનો લાંબો પ્રવાસ કરીને આવેલા પ્રકાશભાઈની આંખોમાં પોતાના સ્વજનોથી વિખૂટા પડવાનું જે દર્દ હતું તે અમે પણ મહેસૂસ કર્યું. કપડાના એક નાનકડા થેલામાં પોતાની જિંદગીની આશા સાચવીને આવેલા પ્રકાશભાઈ જેવા અનેક અંતેવાસીઓને અહીં સુરેશભાઈ અને ઈન્દિરાબહેન તથા તેમનાં દીકરી-જમાઈ, સુભાષભાઈ, બાબુભાઈ અને અન્ય 40-45 કર્મચારી-ભેખદારીઓનો પ્રેમ અને કરુણામય સહયોગ મળે છે. સહયોગ અને સ્નેહના સથવારે 30 એકરના આ રૂડા ગામમાં સફાઈ અને સ્વચ્છતા ચાર ચાંદ લગાવે છે. અહીં ઘરોની પરસાળમાં દીવાલ ઉપર રંગબેરંગી ચિત્રો દોરેલાં છે. અહીં રહેતા લોકોએ જાતે જ કરેલા આ કસબથી તેમનાં ઘર અને આખુંય પ્રાંગણ દીપી ઊઠે છે. તમને પ્રત્યેક ઘરની બહાર તુલસીનો ક્યારો તો અચૂક જોવા મળે. વળી, રોજ બે વાર તુલસીક્યારા સમક્ષ પ્રાર્થના પણ થાય. પ્રાર્થનાના શબ્દો છેઃ 'અમને અને સંસ્થાને સહયોગ આપનાર અને અપાવનારને પ્રભુ સુખી કરો. અમે જ્યાંથી આવ્યા છીએ ત્યાંના લોકોને પ્રભુ સુખી કરો.'

પ્રાર્થના, પ્રેમ અને સેવાની સુવાસથી મહેકતા આ ગામમાં રક્તપિત્તના રોગગ્રસ્ત વ્યક્તિઓની સાથે સાથે મંદબુદ્ધિ ધરાવતા યુવાનો-યુવતીઓ પણ છે. રક્તપિત્તની સેવાને સમર્પિત સુરેશભાઈએ મંદબુદ્ધિ ધરાવતા લોકોને પણ અહીં અંતેવાસી અને પોતાના સેવાસાથી બનાવ્યા છે. તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે. વાત છે 1994ની. અમરી નામની એક મંદબુદ્ધિની છોકરી પર કોઈકે બળાત્કાર ગુજાર્યો અને તે સગર્ભા બની ગઈ. અમરી જુલાઈ, 1994 પહેલાં ગોધરાના નારી સંરક્ષણ ગૃહમાં હતી. તે સમયે તેના પેટમાં 6-7 માસનો ગર્ભ હતો. ત્યાંથી વડોદરા નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી દેવાઈ. તેને યોગ્ય સારવાર મળે તે માટે તેને વડોદરાની મેન્ટલ હૉસ્પિટલમાં મોકલાઈ, પરંતુ તે સગીર, મંદબુદ્ધિની અને સગર્ભા હોવાથી તેને પ્રવેશ અપાયો નહિ. ત્યાંની એસ.એસ.જી હૉસ્પિટલમાં પણ આવું જ થયું. છેવટે સમાજસુરક્ષાના નિયામક મારફત, જુવેનાઈલ બૉર્ડની મંજૂરીથી 'સહયોગ ટ્રસ્ટ'માં તેને પહોંચાડાઈ. અમરીને જાણે કે પોતાનું ઘર મળ્યું. સગર્ભા અમરીને સિઝેરિયનથી સુંદર દીકરો અવતર્યો. આજે તેનો દીકરો અહીંની શાળામાં ભણે છે, અને અમરી? અમરી સૌ મુલાકાતીઓને 'જય શ્રીકૃષ્ણ' કહેતાં કહેતાં ખિલખિલાટ હસે છે.

આમ, અમરી અહીંના મંદબુદ્ધિગ્રસ્ત વિભાગનું નિમિત્ત બની. આજે અહીં 18 વર્ષથી વધુ ઉંમરનાં 151 ભાઈઓ અને 114 બહેનો રહે છે. સામાન્ય રીતે મંદબુદ્ધિ ધરાવતી વ્યક્તિઓને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવે છે. 27 બુદ્ધિઆંક ધરાવતા માઈલ્ડ, 53 બુદ્ધિઆંક ધરાવતા મોડરેટ, 55 બુદ્ધિઆંક ધરાવતા સિવિયર અને 20થી ઓછો બુદ્ધિઆંક ધરાવતા પ્રોફાઉન્ડ એમ ચારેય પ્રકારની મંદબુદ્ધિની વ્યક્તિઓને અહીં રખાય છે.

મંદબુદ્ધિના ભાઈઓને નાનાં-મોટાં કામો કરવાની તાલીમ આપીને કંઈક અંશે તેમને સ્વનિર્ભર કરવાની ટ્રસ્ટની ભાવના પણ સરાહનીય છે. મંદબુદ્ધિ ઉપરાંત 24 અંધજન છે. સુરેશભાઈ કહે છે તેમ, 'લેપ્રસી (રક્તપિત્ત) ધરાવનારને પોતાને વેદના થાય છે, પણ મંદબુદ્ધિ ધરાવનારને વેદના નથી, તેમના સંબંધીઓને વેદના થાય છે. તેઓ ન ચેનથી જીવી શકે છે, ન મરી શકે છે.'

રક્તપિત્ત, મંદબુદ્ધિ અને અન્ય વિકલાંગતા ધરાવતા દર્દીઓને સતત પ્રેમ- સેવા અને હૂંફ આપતાં રહેવાનું સહયોગનું કામ સુરેશભાઈ અને સાથીઓ ધીરજપૂર્વક કરી રહ્યા છે. આવો ઉમદા સેવાયજ્ઞ ખરેખર કાબિલેદાદ છે. દર વર્ષે રૂ. બાવન લાખની ઘટને પૂરી કરવા મથી રહેલા આ ટ્રસ્ટને આપણે પણ યથાશક્તિ સહયોગ આપી શકીએ.

2 ટીપ્પણી:

અજ્ઞાત કહ્યું...

very nice..
Utkantha

Dream કહ્યું...

khub sundar maja aavi